દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ભારતના નાણામંત્રી સામાન્ય બજેટ રજૂ કરે છે. આ વર્ષે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીએ તેમનું બજેટ રજૂ કરશે. બજેટ 2023 એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના દબાણ હેઠળ છે અને વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદી જોવા મળી રહી છે. નિર્મલા સીતારમણનું ભારતનું બજેટ 2023 જીડીપી વૃદ્ધિને સમર્થન આપવા અને તેની ખાતરી કરવા માટે નિર્ણાયક છે. ઓમ બિરલાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે નવી સંસદ ભવન હજુ નિર્માણાધીન છે જોકે સંસદ ભવનની વર્તમાન બિલ્ડિંગમાં આજે છેલ્લું બજેટ હોવાની શક્યતા છે.
કેન્દ્રએ સંસદના બજેટ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સોમવારે તારીખ 31 જાન્યુઆરીના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પરંપરાગત બેઠક સંસદ એનેક્સી બિલ્ડિંગમાં યોજાઈ હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ અદાણી જૂથ અને તેમના દ્વારા શાસિત કેટલાક રાજ્યોમાં રાજ્યપાલોના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોશીએ ખાતરી આપી હતી કે સરકાર નિયમો દ્વારા મંજૂર દરેક બાબત પર ચર્ચા કરવા તૈયાર છે અને તેમનો સહયોગ માંગ્યો હતો. જોશીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમે સંસદને સુચારુ રીતે ચલાવવા માટે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ. આ બેઠકમાં 27 પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા 37 નેતાઓએ હાજરી આપી હતી.
નિર્મલા સીતારમણ આ વર્ષે મોદી સરકારના બીજા કાર્યકાળનું પાંચમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે બજેટ રજૂ કરનાર તે બીજી મહિલા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધીએ 1970માં નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.