નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ (Budget 2022) રજૂ કર્યું. બજેટમાં અનેક નાની-મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેના માટે દરેક ક્ષેત્રમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સાથે જ અનેક નિર્ણયોનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે. બજેટમાંથી લગભગ તમામ ક્ષેત્રોને ફાયદો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ બજેટમાં કેટલાક ક્ષેત્રો એવા પણ છે, જેને માત્ર નિરાશા જ મળી છે. એક અહેવાલ મુજબ, કેન્દ્રીય બજેટ 2022-23માં, છેલ્લા 11 વર્ષમાં બાળકોને નાણાકીય ફાળવણીનો સૌથી ઓછો હિસ્સો મળ્યો છે. એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન હક સેન્ટર ફોર ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. બાળકોના લાભ માટે બજેટ ફાળવણી કુલ બજેટના 2.35 ટકા કરતાં ઓછી છે.
અહેવાલમાં જણાવાયું છે કે, બાળકોના મુદ્દાઓ શાળાઓ સૌથી લાંબા સમય સુધી બંધ રહેવાથી, ગંભીર ન્યુટ્રીશન ગેપ, શીખવાની તકો નુકશાનથી લઈને ડીપ ડીજીટલ ડિવાઈડ સુધી અલગ અલગ છે. બાળકોના બજેટના હિસ્સામાં વધુ ઘટાડો, ખાસ કરીને જ્યારે દેશ કોવિડ-19ની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, ત્યારે તે સમજની બહાર છે.
બાળકો માટે કુલ ફાળવણી (સંપૂર્ણ સંખ્યામાં) 8.19 ટકા વધીને 92,736 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે 2022-23માં કુલ કેન્દ્રીય બજેટમાં 13.25 ટકાનો વધારો થયો છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, બાળકો માટેના બજેટમાં, બાળ આરોગ્ય અને બાળ વિકાસ માટે ફાળવણીનો હિસ્સો 0.02 અને 0.12 ટકા ઘટ્યો છે. બાળ શિક્ષણને કુલ હિસ્સામાં સૌથી વધુ 1.17 ટકા હિસ્સો મળ્યો છે. 2022-23ના બજેટમાં બાળ સુરક્ષાના હિસ્સામાં 0.01 ટકાનો વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બાળકો સાથે સંબંધિત મુખ્ય મંત્રાલયો માટે ભંડોળની ફાળવણીમાં પણ ઘટાડો થયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગયા વર્ષના બજેટની ફાળવણીમાં 7.56 ટકાનો ઘટાડો કરીને 18,858 કરોડ રૂપિયા કરી દીધા છે. જોકે સરકારે 159 નવા કાર્યક્રમો શરૂ કર્યા છે, પરંતુ કેન્દ્રીય બજેટમાં બાળકો માટેના ભંડોળનો હિસ્સો 2021-22માં 2.46 ટકાથી ઘટીને 2022-23માં 2.35 ટકા થઈ ગયો છે.
કોરોના મહામારીને કારણે સતત સ્વાસ્થ્ય જોખમો હોવા છતાં, બાળ આરોગ્ય માટેની ફાળવણી 2021-22માં 3,727 કરોડ રૂપિયાથી ઘટીને 2022-23ના કેન્દ્રીય બજેટમાં 3,501 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય બજેટ 2022-23માં બાળ શિક્ષણ માટેની ફાળવણીમાં કુલ રૂ. 69,836 કરોડની ફાળવણી સાથે સંપૂર્ણ રીતે 15.04 ટકાનો વધારો થયો છે. જો કે, સમગ્ર કેન્દ્રીય બજેટ 2022-23માં બાળ શિક્ષણના હિસ્સામાં માત્ર 0.3 ટકા (2021-22માં 1.74%થી 2022-23માં 1.77%) પોઈન્ટનો નજીવો વધારો જોવા મળ્યો છે.
અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે વર્ષોથી સંસાધનની ફાળવણીમાં બાળ સુરક્ષા એ સૌથી નીચા અગ્રતા ક્ષેત્રોમાંનું એક છે. 2022-23માં, બાળ સુરક્ષાને કુલ કેન્દ્રીય બજેટના 0.04 ટકા મળ્યા છે, જ્યારે બાળ સુરક્ષા માટે કુલ ફાળવણી 1,574 કરોડ રૂપિયાની છે.
જો કે અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાળ સુરક્ષા માટે વર્તમાન ફાળવણી કરતાં 44.72 ટકાનો વધારો થયો છે, પરંતુ આ વધારાને બાળ સુરક્ષાની ચિંતાઓના સંદર્ભમાં તપાસવી જોઈએ. કારણ કે કોવિડ મહામારીએ માત્ર બાળ સુરક્ષાની ચિંતાઓ વધારી છે.