Dhanteras: ધનતેરસે શુભ મુહૂર્તમાં આ વિધિ સાથે કરો દક્ષિણાવર્તી શંખની પૂજા, મા લક્ષ્મી વરસાવશે કૃપા !

દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રમાંથી થયું છે. એ જ રીતે શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી જ થઈ છે. તે દૃષ્ટિએ શંખ એ માતા લક્ષ્મીના ભાઈ છે. અને જ્યારે શ્રદ્ધાળુઓ ધનતેરસે (dhanteras) દેવીના ભાઈની આસ્થા સાથે પૂજા કરે છે, ત્યારે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

Dhanteras: ધનતેરસે શુભ મુહૂર્તમાં આ વિધિ સાથે કરો દક્ષિણાવર્તી શંખની પૂજા, મા લક્ષ્મી વરસાવશે કૃપા !
Goddess lakshmi (symbolic image)
| Edited By: | Updated on: Oct 21, 2022 | 6:28 AM

ધનતેરસનો (dhanteras) દિવસ એ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મા લક્ષ્મીનું આહ્વાન કરી તેમની પૂજા અર્ચના કરતા હોય છે. પણ, આ વખતે ધનતેરસની પૂજા ક્યારે કરવી તેને લઈને અનેક મતમતાંતર ઉભા થયા છે. ત્યારે આવો, એ જાણીએ કે કયા મુહૂર્તમાં ધનતેરસની પૂજા કરવી સવિશેષ ફળદાયી બની રહેશે. એટલું જ નહીં, એ પણ જાણીએ કે દક્ષિણાવર્તી શંખ કેવી રીતે તમને દેવી લક્ષ્મીની સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવશે ?

ધનતેરસ મુહૂર્ત

ધનતેરસ એ આસો વદી તેરસની તિથિએ ઉજવવામાં આવે છે. આ તિથિનો પ્રારંભ તા-૨૨/૧૦/૨૦૨૨, શનિવારના રોજ સાંજે 6:03 કલાકે થઈ રહ્યો છે. જ્યારે તેની સમાપ્તિ તા-૨3/૧૦/૨૦૨૨, રવિવારના રોજ સાંજે 6:05 કલાકે થશે. એટલે કે પૂજાના મુહૂર્ત બંન્ને દિવસ છે. પરંતુ, ધનતેરસની પૂજા માટે પ્રદોષકાળ સર્વોત્તમ મનાય છે. અને આ પ્રદોષકાળ તા-૨૨/૧૦/૨૦૨૨, શનિવારના રોજ સાંજે પડી રહ્યો છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર પ્રદોષકાળની દૃષ્ટિએ શનિવારે સાંજે પૂજા સવિશેષ ફળદાયી બની રહેશે. છતાં જો આ મુહૂર્ત ચૂકી જવાય તો રવિવારે સવારે પૂજાના શુભ મુહૂર્ત પણ છે.

ફળદાયી મુહૂર્ત

તા-૨૨/૧૦/૨૦૨૨, શનિવાર
સાંજે ૦૬:૧૫ થી ૦૭:૪૦
રાત્રે ૦૯:03 થી ૧2:30

રવિવારે શુભ મુહૂર્ત 

તા-૨3/૧૦/૨૦૨૨, રવિવાર
સવારે 07:54 થી બપોરે 12:15

શંખની પૂજા કેમ ?

ધનતેરસનો અવસર એ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ અવસર મનાય છે. શાસ્ત્રમાં એવું વિધાન છે કે આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે તો તે સમગ્ર વર્ષ માટે ઘરમાં સ્થિર થઈ જાય છે. અને ધન-ધાન્યમાં વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. આવો જ એક ઉપાય છે દક્ષિણાવર્તી શંખની પૂજાનો. વાસ્તવમાં દેવી લક્ષ્મીનું પ્રાગટ્ય સમુદ્રમાંથી થયું છે. એ જ રીતે શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી જ થઈ છે. તે દૃષ્ટિએ શંખ એ માતા લક્ષ્મીના ભાઈ છે. અને જ્યારે શ્રદ્ધાળુઓ દેવીના ભાઈની આસ્થા સાથે પૂજા કરે છે, ત્યારે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. અને ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરી દે છે.

દક્ષિણાવર્તી શંખની પૂજા વિધિ

⦁ આ ઉપાય ધનતેરસે શનિવારના રોજ સાંજના સમયે જ કરવો.

⦁ લક્ષ્મીપૂજા પૂર્ણ થયા બાદ દક્ષિણાવર્તી શંખની પૂજાનો પ્રારંભ કરવો.

⦁ દક્ષિણાવર્તી શંખને એક પાત્રમાં મૂકવો. સાથે જ એક ચાંદીનો સિક્કો અને એક સોપારી મૂકવી.

⦁ પહેલાં ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ, ત્યારબાદ પંચામૃતથી તમામને સ્નાન કરાવવું. યાદ રાખો, પંચામૃતમાં ગાયનું દૂધ જ મિશ્રિત કરવું.

⦁ અંતે પુનઃ શુદ્ધ જળથી તમામ વસ્તુઓને સ્વચ્છ કરવી.

⦁ એક પાત્રમાં ચોખા, હળદર અને ઘીને મિશ્રિત કરવા.

⦁ આ મિશ્રિત ચોખાને દક્ષિણાવર્તી શંખમાં ભરવા.

⦁ ચાંદીનો સિક્કો અને સોપારી શંખની ઉપર મૂકો.

⦁ સૌભાગ્ય દ્રવ્યોથી શંખની પંચોપચાર પૂજા કરો.

⦁ માતા લક્ષ્મીને કૃપા વરસાવવાની પ્રાર્થના કરો.

⦁ કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી સદૈવ પરિવાર પર કૃપાની વૃષ્ટિ કરે છે.

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. )