ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં જવારા પૂજનનો શા માટે છે અદકેરો મહિમા ? જાણો રોચક રહસ્ય!

આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા (Jawara Pujan) કરતી હોય છે. પરંતુ, મૂળે તો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત બંન્નેમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે !

ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં જવારા પૂજનનો શા માટે છે અદકેરો મહિમા ? જાણો રોચક રહસ્ય!
Jawara pujan
| Edited By: | Updated on: Jul 08, 2022 | 6:23 AM

અષાઢ મહિનો આવે તે સાથે જ વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જતી હોય છે. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરી વ્રત (gauri vrat) અને અષાઢ સુદ તેરસથી જયા પાર્વતી વ્રતની (jaya parvati vrat) શરૂઆત થતી હોય છે. અલબત્, આ વખતે એક તિથિનો ક્ષય હોઈ તારીખ 9 જુલાઈ, શનિવારથી ગૌરી વ્રત તેમજ 11 જુલાઈ, સોમવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. સવિશેષ તો આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે. ગૌરી વ્રત કુમારિકાઓ કરતી હોય છે. જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. ત્યારે આવો આજે આ વ્રતોનો મહિમા જાણીએ. અને સાથે જ એ પણ જાણીએ કે આ વ્રતોમાં શા માટે કરવામાં આવે છે જવારાની પૂજા (Jawara Pujan) ?

વ્રત માહાત્મ્ય

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. અલબત્, શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ જુવાર ખાઈને, બીજા પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને છેલ્લાં પાંચ વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું. આજે પાંચ વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે.

જવારા શા માટે ?

અષાઢ સુદ એકાદશીનો દિવસ નજીક આવે તે સાથે જ આજે તો બજારમાં ઠેર ઠેર લીલાછમ જવારા નજરે પડવા લાગે છે. આજે તો માત્ર ગૌરી વ્રતમાં જ બાળાઓ જવારાની પૂજા કરતી હોય છે. પરંતુ, મૂળે તો બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા રહેલી છે. કારણ કે વાસ્તવમાં તો આ જવારા જ સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે ! એટલું જ નહીં, તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતિક છે. અષાઢ મહિનો એટલે તો વરસાદનો મહિનો અને હરિયાળીનો મહિનો. જેના પ્રતિક રૂપે જ વ્રત દરમિયાન જવારાની પૂજા કરવામાં આવે છે. સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડવામાં આવે છે.

નાગલાનું રહસ્ય

રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવજીનું પ્રતિક મનાય છે. શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. અને પછી આ શિવ રૂપી નાગલા પાર્વતી રૂપી જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા બાદ જવારાની પૂજાનો મહિમા છે. એટલે કે શિવ અને શક્તિ બંન્નેની સંયુક્ત પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે.

મોળાકત વ્રત

પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોળાવ્રત કે મોળાકત વ્રત કહેવામાં આવે છે.

જવારાનું વિસર્જન

વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરવાની પ્રણાલી છે. વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરીવ્રતમાં બાળાઓને, જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)