લગ્ન પ્રસંગે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રથાઓને અનુસરવામાં આવતી હોય છે. તો દરેક પરિવાર તેમની પેઢી દર પેઢીની પરંપરા અનુસાર પણ કેટલાંક રિવાજોનું પાલન કરતા હોય છે. પણ, કન્યા વિદાય સમયની એક વિધિ એવી પણ છે કે જેનું અચૂક પાલન કરવામાં આવે છે અને આ વિધિ એટલે ચોખા ઉછાળવાની પ્રથા.
આ પ્રથા આજે ચોખા રસમના નામે પણ પ્રસિદ્ધ છે. પણ, પ્રશ્ન તો એ છે કે શા માટે કરવામાં આવે છે ચોખા ઉછાળવાની વિધિ ? આખરે, કન્યા તેની વિદાયના સમયે શા માટે પાછળની તરફ ફેંકે છે ચોખા ? આવો, આજે વિવાહની આ રસપ્રદ વિધિ પાછળના ગૂઢાર્થને જાણવાનો પ્રયત્ન કરીએ.
શું છે વિધિ ?
લગ્નની બધી ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ અને કન્યા તેના પિતાનું ઘર છોડે તે પહેલાં આ વિધિ કરવામાં આવે છે. આ સમયે કન્યાની બહેન, મિત્ર અથવા ઘરની કોઈ સ્ત્રી હાથમાં ચોખાની થાળી લઈને તેની બાજુમાં ઊભી રહે છે. આ થાળીમાંથી કન્યાએ 5 વખત બંને હાથથી ચોખા ઊપાડવાના હોય છે અને તે તેની પાછળની તરફ ફેંકવાના હોય છે.
આ ચોખાને કન્યાના માતા-પિતા કે પરિવારજનો કોઈ વસ્ત્રમાં ઝીલી લે છે અને પછી તેને એક થેલીમાં એકત્ર કરી દે છે. કેટલાંક પરિવારોમાં ઘઉં કે અન્ય કોઈ અનાજ ઉછાળવાની પ્રથા હોય છે. અલબત્, પ્રચલિત પ્રથા તો અક્ષત એટલે કે ચોખા ઉછાળવાની છે. ધાર્મિક વિધિ મુજબ આ ચોખા જેની પાસે જાય છે, તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શું છે વિધિનું રહસ્ય ?
ચોખા ઉછાળવાની પ્રથા એ લગ્ન સમયે કન્યા દ્વારા કરવામાં આવતી સૌથી વિશેષ વિધિમાંથી એક છે. જેની પાછળ તેના માતા-પિતા પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ તે પ્રગટ કરે છે. આવો, આ વાતને વિવિધ માન્યતાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
1. હિન્દુ ધર્મમાં, ઘરની પુત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેના ઘરે લક્ષ્મી રહે છે એના ઘરમાં સુખ રહે છે. એટલે લક્ષ્મી સ્વરૂપા દિકરી તેના ઘરેથી જતાં પહેલાં ચોખા અને સિક્કા ફેંકીને પરિવારને આપતી જાય છે. એ ભાવના સાથે કે તેનું પિયર હંમેશા સંપત્તિથી ભરપૂર રહે. તેની પાછળનો ભાવાર્થ એ છે કે “હું જાવ છું, પણ આ ચોખાના રૂપમાં રહેલી લક્ષ્મી મારી પાછળ રહેનારા પરિવાર સાથે હંમેશા રહેશે.”
2. આ વિધિથી કન્યાના પિયરપક્ષ અને સાસરીપક્ષ બંન્નેમાં સમૃદ્ધિનું આગમન થાય છે. દેવી લક્ષ્મી બંન્ને પરિવારમાં સ્થિર થાય છે.
3. ચોખાને ‘અક્ષત’ કહે છે. એટલે કે, જે ખંડિત ન હોય. કહે છે કે અખંડિત ચોખાને ઉછાળવાથી જીવનમાં અખંડ આશિષની પ્રાપ્તિ થાય છે. અને નવ યુગલને બાળકનું સુખ પ્રાપ્ત થાય તેવી ભાવના તેમાં રહેલી છે.
તો, હવે પછી જ્યારે આપના પરિવારમાં કોઈ વિવાહ પ્રસંગે આ વિધિ થઈ રહી હોય, ત્યારે તેના મહત્વને પણ ધ્યાનમાં રાખજો. તો વિધિને માણવાની પણ મજા આવશે અને તેનું મહત્વ બીજાને પણ સમજાવી શકાશે.
આ પણ વાંચો : અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !
આ પણ વાંચો : Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !