પાવનકારી શ્રાવણ માસમાં (shravan 2022) દેવાધિદેવના જ્યોતિમર્ય સ્વરૂપ એટલે કે દ્વાદશ જ્યોતિર્લિંગના (12 jyotirlinga) દર્શનનો સવિશેષ મહિમા છે. ત્યારે આજે શ્રાવણ માસના બીજા દિવસે અમે આપને દ્વિતીય જ્યોતિર્લિંગ એવાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની (Mallikarjuna Jyotirlinga) મહત્તા જણાવીએ. કારણ કે, જેટલું મહત્વ આ જ્યોતિર્લિંગના દર્શનનું છે, તેટલું જ મહત્વ તેની કથાના પઠન અને શ્રવણનું પણ છે. મહેશ્વરના આ દિવ્ય રૂપને ભક્તો મલ્લિકાર્જુન સ્વામીના (mallikarjuna swamy) નામે પૂજે છે. પણ, વાસ્તવમાં આ એક જ શિવલિંગમાં શિવજી અને માતા પાર્વતી એક જ ‘જ્યોતિ’ રૂપે વિદ્યમાન થયા છે ! એટલે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભક્તોને શિવ અને શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે.
કાર્તિકેયની તપોભૂમિ !
આંધ્રપ્રદેશ રાજ્યના કુરનૂલ જિલ્લામાં શ્રીશૈલમ પર્વત આવેલો છે. હૈદરાબાદથી લગભગ 220 કિલોમીટરના અંતરે આવેલ આ પર્વત સમુદ્રની સપાટીથી 500 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે નલ્લામલ્લાના જંગલથી ઘેરાયેલો છે. આ જગ્યાનું સૌંદર્ય ખૂબ જ અદભુત છે. તેના વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે, “શ્રીશૈલા શીખરમ્ દૃષ્ટવા, પુનર્જન્મમ્ ન વિદ્યયતે ।” અર્થાત્, દૂરથી પણ જો આપ શ્રીશૈલમ પહાડીના દર્શન કરી લો છો, તો માની લેજો કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી લો છો ! એટલે કે, શ્રીશૈલમ્ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન ધામ ભક્તોને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવતું ધામ મનાય છે. આ એ સ્થાન છે કે જે સ્વયં કુમાર કાર્તિકેયની તપોભૂમિ રહ્યું છે. ભારતના બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન ધામ દ્વિતીય સ્થાન ધરાવે છે. અને તેની આ જ મહત્તાને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ખેંચાઈ આવે છે.
મંદિર માહાત્મ્ય
મલ્લિકાર્જુન સ્વામી ખૂબ જ ભવ્ય મંદિરમાં વિદ્યમાન થયા છે. ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલાં આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલાં છે. જે ગોપુરમ્ તરીકે ઓળખાય છે. મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં પ્રવેશ કરી શકે છે. અલબત્, અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે. અને નંદીની પરવાનગી લીધાં બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરી શકે છે. આ મલ્લિકાર્જુન સ્વામી મુક્તિના દાતા મનાય છે. તેમના દર્શન માત્રથી મહાફળની પ્રાપ્તિની માન્યતા છે. કહે છે કે કાશીમાં લાખો વર્ષ સુધી નિવાસ કરવાથી અને ધર્મ-કર્મ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, તે તો મલ્લિકાર્જુન સ્વામીના દર્શન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે !
મલ્લિકાર્જુન પ્રાગટ્ય
મલ્લિકાર્જુન સ્વામીના શ્રીશૈલમ પર આગમનની કથા કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે. શિવપુરાણની રુદ્રસંહિતાના વીસમા અધ્યાયમાં ઉલ્લેખ છે તેમ એકવાર ગજાનન ગણેશ અને કુમાર કાર્તિકેય વચ્ચે એ મુદ્દે વિખવાદ થઈ ગયો કે બંન્નેમાંથી પ્રથમ વિવાહ કોણ કરે. આખરે ગૌરી શંકરની સહમતિથી એવો નિર્ધાર થયો કે જે સર્વપ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે, તે પ્રથમ વિવાહ કરશે. એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા, અને બીજી તરફ ગણેશજીએ માતા-પિતાની જ પ્રદક્ષિણા કરી રિદ્ધિ-સિદ્ધિ સાથે વિવાહ કર્યા. આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં ક્રૌંચ પર્વત પર આવીને વસ્યા. આ ક્રૌંચ પર્વત એટલે જ શ્રીશૈલમ.
શિવપુરાણની કથા અનુસાર કુમારને મનાવવા ગૌરી-શંકર સ્વયં શ્રીશૈલમ પર પધાર્યા. તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર ત્યાંથી 12 કોસ દૂર ચાલ્યા ગયા. અલબત્ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંન્ને એકસાથે જ્યોતિર્મય રૂપે ‘મલ્લિકાર્જુન’ સ્વરૂપે અહીં વિદ્યમાન થયા. આ શિવલિંગમાં ‘મલ્લી’ અર્થાત્ માતા પાર્વતી. અને ‘અર્જુન’ અર્થાત્ સ્વયં શિવજી. શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના પંદરમાં અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર જે જીવ એકવાર આસ્થા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરી લે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, તેની સર્વ મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે.