Shravan 2022 : જ્યાં સતત ગંગાજીની ગુપ્તધારા કરે છે મહાદેવનો અભિષેક, તે દ્રોણેશ્વર મહાદેવનો જાણો મહિમા

દ્રોણેશ્વર મહાદેવ (Droneshwar Mahadev) પર સતત વરસે છે ગંગાજીની ગુપ્તધારા ! પાંચ હજાર આઠસો વર્ષોથી આ જળધારાઓ આમ જ પ્રવાહિત થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે. દ્રોણેશ્વર સાથે ગુરુ દ્રોણનું નામ જોડાવવા પાછળ પણ છે રોચક કથા.

Shravan 2022 : જ્યાં સતત ગંગાજીની ગુપ્તધારા કરે છે મહાદેવનો અભિષેક, તે દ્રોણેશ્વર મહાદેવનો જાણો મહિમા
Droneshwar Mahadev
| Edited By: | Updated on: Aug 07, 2022 | 6:25 AM

સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલયો આવેલા છે. દરેક શિવાલયમાં (Shivalaya) મહાદેવના દર્શનનું વિશેષ મહત્વ છે. તેમાં પણ આપણાં ગુજરાતમાં (Gujarat) સ્થિત મહાદેવનું એક સ્થાનક એવું છે કે જ્યાં દિવસ અને રાત ગંગાજીની ગુપ્તધારા મહાદેવનો અભિષેક કરતી જ રહે છે ! અને આ મહાદેવ એટલે દ્રોણેશ્વર મહાદેવ (Droneshwar Mahadev). ગીર સોમનાથના ઊના તાલુકામાં ઊનાથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે દ્રોણ ગામ. અને આ જ ગામની સમીપે મચ્છુન્દ્રી નદીના કિનારે શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે દ્રોણેશ્વર મહાદેવ.

દ્રોણેશ્વર માહાત્મ્ય

અહીં ખૂબ જ નાનકડું શિવ મંદિર શોભાયમાન છે. પરંતુ, તેની મહત્તાને લીધે તે સદૈવ ભાવિકોની ભીડથી ઘેરાયેલું રહે છે. મંદિર મધ્યે મહેશ્વર દ્રોણેશ્વર મહાદેવના નામે વિદ્યમાન થયા છે. જેમના પર અવિરત જળધારા પ્રવાહિત થતી જ રહે છે. દંતકથા એવી છે કે વાસ્તવમાં આ જળરાશિ એ સ્વયં ગંગા જ છે ! અને કહે છે કે સમગ્ર ગુજરાતમાં આવો અદભૂત નજારો અન્ય કોઈ સ્થાન પર જોવા નથી મળતો. નવાઈની વાત એ છે કે આ સ્થાન પર અનેકવાર સંશોધન થઈ ચૂક્યા છે. તેમ છતાં, ગંગાની ગુપ્ત ધારા ક્યાંથી આવી રહી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

દ્રોણેશ્વરની પ્રાગટ્ય કથા

દ્રોણેશ્વર મહાદેવ સાથે પાંડવોના ગુરુ દ્રોણનું નામ જોડાઈ ચૂક્યું છે. પરંતુ, વાસ્તવમાં તો આ સ્થાન ગુરુ દ્રોણના સમયથી પણ પ્રાચીન મનાય છે. એક માન્યતા અનુસાર પૂર્વે દ્રોણેશ્વર શિવલિંગ એ રત્નેશ્વરના નામે પ્રસિદ્ધ હતું. અને એક વિશાળ કુંડની મધ્યે રત્ન રૂપે તે સતત ફરતું રહેતું. સતયુગની અંદર ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેય આ ધરા પર આવ્યા. અને તેમણે તે રત્ન પર શિવબાણ પધરાવી તેને કુંડમાં સ્થિર કર્યું. તેમણે અહીં જ શિવસાધના કરી આ સ્થાનને સિદ્ધતા પ્રદાન કરી. અને પછી તેઓ અહીંથી પ્રસ્થાન કરી ગયા.

પાવની ગંગાનું રહસ્ય

પ્રચલિત કથા અનુસાર દ્વાપરયુગમાં ગુરુ દ્રોણાચાર્ય આ જ ભૂમિ પર આવ્યા. તેમણે અહીં સમીપમાં જ આશ્રમ બાંધ્યો. તે નિત્ય જ અહીં શિવજીના દર્શને આવતાં. અને એ તેમની શુદ્ધ શિવભક્તિ જ તો હતી, કે જે આ ધરા પર ખેંચી લાવી પાવની ગંગાને. દંતકથા અનુસાર દ્રોણની ભક્તિથી પ્રસન્ન થઈ મા ગંગા અહીં પ્રગટ થયા અને હરિદ્વારની જેમ નિત્ય જ અહીં સ્થિર રહેવાનું તેમણે ગુરુદ્રોણને વચન આપ્યું. બસ, ત્યારથી જ ગંગાનો અવિરત પ્રવાહ અહીં વરસી રહ્યો છે.

પાંડવો પણ આવ્યા હતા અહીંયા !

મંદિર મધ્યે સ્થિત જળાધારી એ સ્વયં પાંડવો દ્વારા નિર્મિત હોવાનું મનાય છે. કહેવાય છે કે લાક્ષાગૃહની ઘટના બાદ પાંડવો માતા કુંતા સાથે ગુપ્તવેશે ભ્રમણ કરી રહ્યા હતાં. તે જ સમયે તેઓ ફરતાં ફરતાં આજના દ્રોણ ગામે આવ્યા. અહીં જ ગુરુ દ્રોણ સાથે તેમનો ભેટો થયો. અને ત્યારબાદ ગુરુ આજ્ઞાથી તેમણે વૈદિક રીતે મંદિરની જળાધારીનું નિર્માણ કરી તેની સ્થાપના કરી. કે જેથી જળની ધાર સદૈવ શિવજી પર વરસતી રહે.