સમગ્ર વર્ષ દરમિયાન અનેક વ્રત, તહેવાર આવતા હોય છે. જેમાં વટ સાવિત્રી વ્રતનો સવિશેષ મહિમા છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે. આજથી અમાસ પક્ષના વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ વ્રતમાં કઈ વિધિથી પૂજા કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે !
ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ સુદ પૂર્ણિમાના અવસરે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ જ રીતે વ્રતની પરંપરા છે. આ વ્રત આજે એટલે કે 3 જૂન, 2023, શનિવારના રોજ રાખવામાં આવી રહ્યું છે. અલબત્, ઉત્તર ભારતની પરંપરામાં આ વ્રત પૂર્ણિમાના 15 દિવસ પહેલાં અમાસ પક્ષમાં કરવામાં આવે છે. જે આ વખતે 19 મે, 2023, શુક્રવારના રોજ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :વટ સાવિત્રી વ્રતમાં જો આ બાબતોનું ધ્યાન ન રાખ્યું, તો વ્રત કરવા છતાં પુણ્ય ફળની પ્રાપ્તિ નહીં થાય !
સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત રાખતી હોય છે.
⦁ વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરાવનારું છે. દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિચાતુર્યથી તેમના મૃત પતિ સત્યવાનને પુનઃ જીવન પ્રાપ્ત કરાવ્યું હતું.
⦁ કહે છે કે જે સ્ત્રી આસ્થા સાથે આ વ્રત કરે છે, તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
⦁ આ વ્રતના પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિનું પણ આગમન થાય છે.
⦁ આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે.
⦁ જે સ્ત્રીઓના નવા જ લગ્ન થયા છે, એટલે કે, લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે, તેમણે વ્રતના દિવસે વહેલા ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું. આ દિવસે આવી સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધુની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ.
⦁ વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આ માટે સર્વ પ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ તેને ધૂપ-દીપ અર્પણ કરો. પછી કંકુ, સિંદૂર, પાન, સોપારી, અક્ષત, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો.
⦁ આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ, જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોવ તો ઓછામાં ઓછી 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સુતરની દોરી વિંટવી જોઈએ.
⦁ વડના વૃક્ષ નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ.
⦁ વટ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડા અને ધનનું દાન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 9:05 am, Sat, 3 June 23