ચૈત્ર સુદ પૂર્ણિમાનો દિવસ એ હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ વખતે 6 એપ્રિલ, 2023, ગુરુવારના રોજ હનુમાન જયંતીની ઉજવણી થશે. આ દિવસની ભક્તો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. વ્રત અને ઉપવાસ પણ રાખે છે. હનુમાન જયંતી એ હનુમાન કૃપાની પ્રાપ્તિ કરાવતો દિવસ છે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતા પ્રયોગોથી વ્યક્તિના ભાગ્ય આડેના તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. એટલું જ નહીં, વ્યક્તિને સવિશેષ લાભની પ્રાપ્તિ પણ થાય છે. આ દિવસે માત્ર ઈલાયચીના ઉપાય દ્વારા તમે દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરી શકો છો, તો માત્ર એક ધજાના માધ્યમથી અકાળ મૃત્યુના ભયને દૂર પણ કરી શકો છો. આવો, આજે કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.
આવકના સાધનોમાં વૃદ્ધિ થાય તે માટે ચૈત્રી પૂનમના દિવસે એક વિશેષ ઉપાય અજમાવો. ઘરે કે કાર્યસ્થળ પર વિધિ વિધાનથી કુબેર યંત્રની સ્થાપના કરો. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી લક્ષ્મી-કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી ધન લાભની સાથે આવકના નવા સાધનોનું સર્જન પણ થાય છે.
આર્થિક સ્થિતિ નબળી હોય, નાણાં પાણીની જેમ ખર્ચાતા હોય તો ચૈત્રી પૂનમની મધ્યરાત્રીએ આ પ્રયોગ અજમાવો. માતા લક્ષ્મીની સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો. ત્યારબાદ 3 ઈલાયચી હાથમાં લઇને માતા લક્ષ્મીને આર્થિક સમૃદ્ધિ અર્થે તેમજ નવગ્રહોની સમસ્યામાંથી ઉકેલ લાવવા માટે પ્રાર્થના કરો. હવે આ ઈલાયચીને મુખ્ય દ્વાર પર કપૂરની સાથે પ્રજવલિત કરી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મી સ્થિર થાય છે અને પરિવારની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બને છે. યાદ રાખો, કે ઈલાયચી પ્રજવલિત થઈને વિરામ થઈ જાય ત્યારબાદ તેને તુલસીક્યારામાં અથવા તો વહેતા પાણીમાં પ્રવાહિત કરવી અત્યંત લાભદાયી મનાય છે.
ચૈત્ર પૂનમે આપણે હનુમાન જયંતીની ઉજવણી કરીએ છીએ. અને હનુમાનજી તો સંકટોને હરનારા દેવ છે. માન્યતા અનુસાર આ દિવસે ઘર કે મંદિરના ધાબા પર લાલ રંગની ધજા લગાવવાથી આકસ્મિક સંકટોથી મુક્તિ મળી જાય છે. એટલે કે, વ્યક્તિને અકસ્માતનો કે પછી અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો.
હનુમાન જયંતીના દિવસે “ૐ રામદૂતાય નમ:” મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી ઘરમાં અને દાંપત્યજીવનમાં સુખ-શાંતિ આવે છે. એટલું જ નહીં, પતિ-પત્નીના સંબંધોમાં રહેલ મતભેદ અને મનભેદ બંન્ને દૂર થાય છે.
ચૈત્રી પૂનમે ખાસ કાળી કીડીઓને કીડીયારું પૂરવું જોઇએ. લોટમાં ખાંડનો ભૂક્કો મિશ્રિત કરીને કીડીઓને ખવડાવવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના અટકેલા કે રોકાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ જાય છે. એટલું જ નહીં, લાંબા સમયથી ફસાયેલ ધનની પણ આપને પ્રાપ્તિ થઈ જાય છે.
જો ઓફિસમાં આપની પ્રગતિ ન થઇ રહી હોય કે વ્યવસાયમાં મંદીનો સામનો કરવો પડી રહ્યો હોય તો હનુમાન જયંતીના દિવસે ગાયને લીલો ઘાસચારો નીરવો જોઇએ. તેમજ 7 કન્યાઓને ખીર ખવડાવવી જોઇએ. માન્યતા છે કે આ ઉપાયથી નોકરી અને ધંધામાં પ્રગતિના દ્વાર ખૂલી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)