દરેક બાળક પોતાની મરજીનો માલિક હોય છે અને દરેક બાળકની પોતાની અલગ શક્તિઓ અને વિશેષતાઓ હોય છે. કેટલાક બાળકોનું મન અભ્યાસમાં એટલું લીન હોય છે કે તેમને સવાર-સાંજ ગમે તે સમયે જોઇએ, તે બસ, અભ્યાસ જ કરતા હોય છે. ત્યાં જ કેટલાક બાળકો એવા પણ હોય છે કે જેમને ભણવું ગમતું જ નથી હોતું. ભણવાના નામે જ તેમનું નાક ચઢી જતું હોય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં આ પ્રકારના બાળકો કે જેમનું ધ્યાન ભણવામાં નથી લાગતું તેમના માટે કેટલાક ખાસ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેનો પ્રયોગ કરવાથી બાળકનું મન ભણવામાં એકાગ્ર કરાવી શકાય છે. તો ચાલો. કેટલાક એવાં જ ઉપાયો વિશે જાણીએ.
એકાગ્રતા વધારવાના ઉપાય
આજકાલ માતા પિતા માટે સૌથી વધુ ચિંતાનો વિષય જ એ હોય છે કે તેમના બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતું ! માતા પિતા દરેક પ્રકારના પ્રયત્નો કરી લે છે કે કેમ કરી બાળકો અભ્યાસમાં રસ લેતા થાય. પરંતુ, દરેક વખતે તેમને સફળતા મળે તે જરૂરી નથી હોતું. એટલે આ માટે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો અજમાવવા જરૂરી બની જાય છે.
મીણબત્તીથી એકાગ્રતા !
વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે બાળકોના રૂમમાં મીણબત્તી લગાવવાથી તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. એટલે કે તેમની એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. મીણબત્તીને હંમેશા બાળકોના રૂમની ઉત્તર-પૂર્વ કે દક્ષિણ દિશામાં લગાવવી જોઇએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી બાળકોનું ધ્યાન ભણવામાં લાગે છે અને એમની એકાગ્રતા શક્તિમાં વધારો થાય છે.
શું રાખશો ધ્યાન ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક દિશાઓ એવી છે કે જ્યાં મીણબત્તી ન લગાવવી જોઇએ. જેમ કે ઘરના વાયવ્ય કોણમાં એટલે કે ઉત્તર-પશ્ચિમ ખૂણામાં મીણબત્તી લગાવવાથી ધનનું આગમન રોકાઇ જાય છે અને ઘરની આર્થિક સ્થિત પર તેનો પ્રભાવ પડે છે ! એટલે બાળકોની એકાગ્રતા અર્થે જો ઘરમાં મીણબત્તી લગાવી રહ્યા હોવ, તો આ વાત જરૂરથી ધ્યાન રાખવી જોઈએ.
કેવું હોવું જોઈએ બાળકોનું સ્ટડી ટેબલ ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકો જે ટેબલ-ખુરશી પર બેસીને અભ્યાસ કરતા હોય તેનો આકાર લંબગોળ હોવો જોઇએ. સાથે જ સ્ટડી ટેબલ એવી રીતે રાખવું જોઈએ કે બાળકો જ્યારે અભ્યાસ કરવા બેસે ત્યારે તેમનું મુખ દીવાલ તરફ ન હોવું જોઇએ.
માટીથી એકાગ્રતા !
જો વાત જ્યોતિશશાસ્ત્રની કરીએ તો ભગવાન વિષ્ણુની મૂર્તિ કે પ્રતિમા કે ફોટાની સામે દેશી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ આ દીપ કેળાના વૃક્ષને અર્પણ કરવો, અને ત્યાં રહેલી માટી ઘરે લઈ આવવી. આ માટીથી બાળકને તિલક લગાવવું જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી બાળકોનું મન અભ્યાસમાં એકાગ્ર બને છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)