દરેક વ્યક્તિની ઈચ્છા એવી જ હોય છે કે તે નોકરી કરે, પણ, મનગમતી કરે. અને આ નોકરીમાં તેને સમયસર સારું વળતર અને બઢતી મળતા રહે ! પણ, હંમેશા જ આવું નથી બનતું ! ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ખૂબ જ નિષ્ઠાથી કામ કરતી હોવા છતાં તેને તેના કામનું યોગ્ય વળતર નથી મળતું. અને આ વળતર મળે તો પણ તે તેનું ઘર ચલાવવા પૂરતું નથી હોતું. એટલું જ નહીં, કંપનીમાં જ્યારે બઢતીની એટલે કે પ્રમોશનની વાત ચાલતી હોય ત્યારે પણ મહેનતુ વ્યક્તિઓ કોઈ કારણસર તક ચૂકી જતા હોય છે. વાસ્તવમાં આ બધી બાબતો પાછળ વ્યક્તિનું ભાગ્ય એટલું જ જવાબદાર હોય છે. ત્યારે આજે એવાં કેટલાંક ઉપાયો જાણીએ જે ન માત્ર નોકરીમાં તમારો ભાગ્યોદય કરાવશે, પણ, સાથે જ વધુ વળતર અને બઢતીના દ્વાર ખોલી દેશે. આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
નોકરીમાં આવક વૃદ્ધિ !
નોકરીમાં જો આવક વધી ન રહી હોય, તમારું બેન્ક બેલેન્સ ઘટી રહ્યું હોય, ખોટા ખર્ચા સતત વધી રહ્યા હોય અને આર્થિક સમસ્યાને લીધે તમારા જરૂરી કાર્યો પણ અટકી પડ્યા હોય, ત્યારે નીચે જણાવેલ ઉપાય અજમાવવો.
⦁ બિન જરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા સુદ પક્ષના શુક્રવારથી આ ઉપાય અજમાવવાનો પ્રારંભ કરવો.
⦁ સુદ પક્ષના એટલે કે શુક્લ પક્ષના શુક્રવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ, શેરડીનો રસ તેમજ બીલીપત્ર અર્પણ કરવા.
⦁ તમારી ઈચ્છા અનુસાર ચોખા એટલે કે અક્ષત લઈ બંન્ને હાથ વડે તે શિવલિંગ પર અર્પિત કરવા. યાદ રાખો, કે પૂજામાં લીધેલાં આ અક્ષત બિલ્કુલ પણ ખંડિત ન હોય.
⦁ પ્રભુને માપના ચોખા અર્પિત કરીને વધેલા સંકલ્પિત ચોખાનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું.
⦁ માન્યતા અનુસાર આ ઉપાય સળંગ 5 શુક્રવાર સુધી કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
નોકરીમાં કે ધંધામાં બઢતી અર્થે
નોકરી કરનાર વર્ગ જે જોબમાં પ્રમોશનની ઈચ્છા રાખે છે, અથવા તો ધંધાદારી વર્ગ જેમને ધંધામાં નફાની મહેચ્છા છે, તેમણે આ પ્રયોગ અજમાવવો જોઈએ.
⦁ ખૂબ જ મહેનત કરવા છતા નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય, ભેદભાવ થઈ રહ્યો હોય, અથવા ધંધામાં મહેનત પ્રમાણે વળતર ન મળી રહ્યું હોય ત્યારે કાર્યક્ષેત્રના સ્થળ પર મોતી શંખ રાખવો.
⦁ યાદ રાખો, આ મોતી શંખને ખુલ્લામાં ન રાખવો. તેને એક લાલ રંગના કપડામાં લપેટીને તમારા ડેસ્ક પર જમણી બાજુએ રાખવો. તમે તેને ટેબલના ડ્રોઅરમાં પણ રાખી શકો છો.
⦁ તમે દરરોજ તમારા કાર્યનો પ્રારંભ કરો ત્યારે સર્વ પ્રથમ તે મોતી શંખને અડીને એકવાર તેને પ્રણામ કરી લેવું.
⦁ મોતીશંખની વિશેષતા એ છે કે તે જ્યાં પણ હોય ત્યાં સમૃદ્ધિ રહે જ છે. એટલે કે આ ઉપાયથી તમને નોકરીમાં પ્રમોશન મળશે તેમજ ધંધામાં પ્રગતિ થશે !
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)