હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે અનેક છોડ અને વૃક્ષો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા વૃક્ષ છોડને ઓળખવામાં આવ્યા છે, જે જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે. ખાસ વાત એ છે કે આવા વૃક્ષો અને છોડની લોકો દ્વારા પૂજા તો કરવામાં આવે જ છે પરંતુ આ વૃક્ષોનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.
વેદ અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તુલસી હોય કે પીપળો દરેકનું પોતાનું આધ્યાત્મિક મહત્વ છે. આજના આધુનિક યુગમાં પણ લોકો તેની પૂજા કરે છે. ચાલો જાણીએ કેટલાક સૌથી પૂજનીય વૃક્ષ અને છોડ વિશે.
પીપળાનું વૃક્ષ
હિંદુ પરંપરા અનુસાર પીપળનું વૃક્ષ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવના મંદિરની આસપાસ જોઈ શકાય છે. કહેવાય છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો રોજ પીપળના ઝાડની સેવા કરવી જોઈએ, તેનાથી પરેશાનીઓ દૂર થઈ જશે. શનિ દોષને દૂર કરવા માટે પણ પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે શનિ અશુભ હોય ત્યારે સાંજના સમયે ઝાડ નીચે તેલનો દીવો કરવો જોઈએ.
તુલસીનો છોડ
તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં પવિત્ર માનવામાં આવે છે. જો લોકો કોઈ શુભ કાર્ય કરે છે તો તુલસી પૂજનને સ્થાન આપે છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે. આ છોડનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. ધન પ્રાપ્તિ માટે પણ ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે.
કેળ
હિન્દુ સંસ્કૃતિમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગુરુવારે તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ગુરુવારે પૂજા કરવામાં આવે તો દરેક અટકેલા કાર્ય સફળ થાય છે.
કમળનું ફૂલ
કમળના ફૂલ પર દેવી લક્ષ્મી બિરાજમાન છે. આ ફૂલને અનેક દેવી-દેવતાઓનું પ્રિય ફૂલ માનવામાં આવે છે. તે શુદ્ધતા, સુંદરતા, તપસ્યા અને દિવ્યતાનું પ્રતીક છે. આ ફૂલ કાદવમાં ખીલે છે. એવું માનવામાં આવે છે કે કમળનું ફૂલ ચઢાવવાથી ભક્તોને સૌભાગ્ય અને આધ્યાત્મિક જ્ઞાન મળે છે.
બીલીનું વૃક્ષ
બીલી વૃક્ષ પણ ખૂબ જ શુભ છે. તેના પાનનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે દરરોજ ભગવાન શિવને બીલી પત્ર અર્પિત કરો છો, તો જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વૃક્ષના ત્રણ પાંદડા ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતીક છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Bhakti: પૌરાણિકકાળમાં કોણે-કોણે કરી હતી ગિરનારની પરિક્રમા ? જાણો, મહાફળદાયી યાત્રાની મહત્તા
Published On - 12:35 pm, Tue, 16 November 21