Shravan-2021: પાવનકારી શ્રાવણ (shravan) માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ભક્તો ભોળાનાથ પર વિવિધ દ્રવ્યોનો, દૂધનો અને જળનો અભિષેક કરી તેમને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ, શું તમને ખબર છે કે શિવ શંકરને જળ શા માટે અર્પણ કરવામાં આવે છે ? સામાન્ય રીતે શુભ અવસરો પર વિવિધ દેવી-દેવતાઓનો જળથી, દૂધથી કે પંચામૃતથી અભિષેક થતો જ હોય છે.
પરંતુ, મહેશ્વર એકમાત્ર એવાં દેવ છે કે જેમને બારેય માસ જળાભિષેક કરવાની મહત્તા છે. એમાં પણ શ્રાવણ માસમાં તો મહેશ્વરને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે શા માટે શિવજીને અર્પણ થાય છે જળ ?
શ્રાવણ માસ તેમજ શિવરાત્રી જેવાં અવસર પર ભક્તો મહાદેવના શિવલિંગ પર દૂધ, બીલીપત્ર, પુષ્પ વગેરે આસ્થા સાથે અર્પણ કરે છે. તેનાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે. પણ, કહે છે કે જો ભક્ત પાસે કશું જ ન હોય, અને તે આસ્થાથી શિવજીને માત્ર જળ અર્પણ કરી દે, તો પણ મહેશ્વર પ્રસન્ન થઈ જાય છે. તેમજ ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરી દે છે. કારણ કે, મહાદેવને પાણી અત્યંત પ્રિય છે. અને તે શા માટે આટલું પ્રિય છે, તેની સાથે રસપ્રદ કથા જોડાયેલી છે.
જળ અર્પણ કરવાનું રહસ્ય !
સમુદ્ર મંથનની કથા મોટાભાગે બધાંને ખ્યાલ જ હશે. આમ તો દેવ દાનવોએ સમુદ્ર મંથન અમૃતની પ્રાપ્તિ અર્થે કર્યું હતું. પણ, તેમાંથી સર્વ પ્રથમ તો કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું. કહે છે કે, ત્યારે સમગ્ર સૃષ્ટિની રક્ષાર્થે શિવજીએ તે વિષ ગ્રહણ કરી લીધું. અને તેને પોતાના કંઠમાં જ અટકાવી દીધું. જેને લીધે મહાદેવનું ગળુ નીલું થઈ ગયું. શિવજી ‘નીલકંઠ’ બની ગયા.
દંતકથા એવી છે કે તે વિષ ખૂબ જ ઝેરીલું હોવાથી શિવજીનું શરીર તપવા લાગ્યું. મહાદેવને પીડા થવા લાગી. ત્યારે મહાદેવના પરિતાપને દૂર કરવા દેવી-દેવતાઓએ સ્વયં શિવજી પર જળનો અભિષેક કર્યો. આખરે, મહાદેવની તપન ઓછી થઈ. અને તે સાથે જ મહાદેવને જળ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. એક માન્યતા અનુસાર સમુદ્ર મંથનની આ ઘટના શ્રાવણ માસમાં જ બની હતી. અને એ જ કારણ છે કે શ્રાવણમાં શિવજીને જળ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે.
ઘણાં શિવભક્તો નિત્ય જ મહાદેવને જળ અર્પણ કરતા હોય છે. પણ, એક માન્યતા એવી છે કે જો કદાચ તમે સમગ્ર વર્ષ આવું ન કરી શકો, તો શ્રાવણ માસમાં તો ચોક્કસથી મહાદેવને જળ અર્પણ કરવું. લોકમાન્યતા એવી છે કે જે શ્રાવણ માસ દરમિયાન એક વાર પણ આસ્થા સાથે શિવલિંગ પર જળ અર્પણ કરી દે છે, તેના બધાં જ સંતાપને મહાદેવ દૂર કરી દે છે.
આ પણ વાંચો : જાણો મુક્તિદાતા મલ્લિકાર્જુનનો મહિમા, અહીં મળશે શિવ-શક્તિના એકસાથે આશીર્વાદ
આ પણ વાંચો : જો સમગ્ર શ્રાવણમાં આવી રીતે કરશો વ્રત, તો ખુલી જશે આપની કિસ્મતનો દ્વાર !