સાંઇબાબાના (saibaba) નામનું ઉચ્ચાર કરવાથી જ તેમના શ્રદ્ધા અને સબુરીનું સ્મરણ થઈ આવે. ગુરુવારનો દિવસ એ સાંઈ ઉપાસના માટે સર્વોત્તમ મનાય છે. માન્યતા અનુસાર તો ગુરુના રૂપમાં સાંઈબાબાની ઉપાસના સૌથી ઉત્તમ ગણાય છે. સાંઇબાબાએ તેમના જીવન દરમિયાન “એક જ ઇશ્વર” અને “શ્રદ્ધા સબુરી” પર જ ભાર મૂક્યો. ત્યારે આવો આજે તેમના અત્યંત ફળદાયી મનાતા વચનો વિશે વાત કરીએ.
સાંઇબાબાના વચનો તેમના ભક્તો માટે તેમના દર્શન સમાન ગણાય છે. આ વચનોમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. આ વચનોએ સાંઇબાબાના વરદાન સમાન મનાય છે. આ વચનોમાં જ આધ્યાત્મની મોટી શિક્ષા પ્રદાન થયેલી છે. કહેવાય છે કે જીવનમાં કોઇપણ પ્રકારની સમસ્યા હોય કે મનોકામના હોય તો સાંઇબાબાના આ વચનોનો પાઠ કરવાથી આ તમામ પરેશાનીઓ દૂર થશે. તેમજ વ્યક્તિની મનોકામનાની પણ પૂર્તિ થાય છે. આવો, જાણીએ કયા છે આ વચન.
સાંઇબાબાના ફળદાયી વચનો
1) જો શિરડી મેં આયેગા, આપદ દૂર ભગાયેગા
સાંઇબાબાનું લીલા સ્થળ એટલે શિરડી. એટલે સાંઇ કહે છે કે જે વ્યક્તિ શિરડી આવશે તેના જીવનની તમામ સમસ્યાઓ ટળી જશે. જે લોકો શિરડી નથી જઇ શકતા તે લોકો તેમના ઘરની આસાપસના સાંઇમંદિરે દર્શન કરશે તો તેમને શિરડી જેટલું જ ફળ પ્રાપ્ત થશે.
2) ચઢે સમાધિ કી સીઢી પર, પૈર તલે દુ:ખ કી પીઢી પર
સાંઇબાબાની સમાધિની સીઢી પર પગ મૂકતાં જ ભક્તોના દુ:ખ દૂર થઇ જાય છે. સાંઇ મંદિરોમાં રાખેલ પ્રતિકાત્મક સમાધિના દર્શન માત્રથી પણ દુ:ખ દૂર થઇ જાય છે. પરંતુ મનમાં શ્રદ્ધાનો ભાવ અવશ્ય હોવો જોઇએ.
3) ત્યાગ શરીર ચલા જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા
સાંઇબાબા કહે છે કે હું ભલે શરીરમાં ન રહું, પરંતુ, જ્યારે પણ મારો ભક્ત મને સાચા હૃદયથી બોલાવશે ત્યારે હું દોડીને આવી જઇશ અને દરેક પ્રકારથી ભક્તોની મદદ કરીશ.
4) મન મેં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પૂરી આસ
એવું પણ બની શકે છે કે ભક્તનો વિશ્વાસ ઓછો થવા લાગે, એ એકલો અને અસહાય હોય તેવું અનુભવવા લાગે પરંતુ ભક્તે હંમેશા વિશ્વાસ રાખવો જોઇએ કે સમાધિ પાસે કરવામાં આવેલી દરેક પ્રાર્થના સાચા હૃદયથી કરી હશે તો અચૂક પૂર્ણ થશે.
5) મુજે સદા જીવન હી જાનો, અનુભવ કરો સત્ય પહચાનો
સાંઇબાબા કહે છે કે હું માત્ર શરીર નથી. હું અજર, અમર, અવિનાશી પરમાત્મા છું. એટલા માટે હંમેશા જીવીત રહીશ. ભક્તિ અને પ્રેમથી કોઇ પણ ભક્ત શ્રદ્ધા રાખશે એની ઇચ્છા ચોક્કસ પૂર્ણ થશે.
6) મેરી શરણ આ ખાલી જાએ હો તો કોઇ મુજે બતાયે
જો કોઇપણ વ્યક્તિ સાચી શ્રદ્ધાથી મારી શરણમાં આવે છે, તો તેની દરેક મનોકામના પૂરી થાય જ છે. તે ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો નથી ફરતો.
7) જૈસા ભાવ રહા જિસ જન કા વૈસા રૂપ હુઆ મેરે મન કા
જે વ્યક્તિ મને જે ભાવથી જોવે છે. હું એવા જ ભાવથી તેને જોવું છું. એટલું જ નહીં એ વ્યક્તિ જે ભાવથી મારી કામના કરે છે એવા જ ભાવથી હું એની કામના પૂર્ણ કરું છું.
8) ભાર તુમ્હારા મુજ પર હોગા વચન ન મેરા જૂઠા હોગા
જે વ્યક્તિ પૂર્ણ રૂપથી મને સમર્પિત થાય છે. તેના જીવનનો ભાર હું ઉપાડું છું. અને તેની દરેક જવાબદારીને હું નિભાવું છું.
9) આ સહાયતા લો ભરપૂર જો માંગો વો નહીં હૈ દૂર
જે ભક્ત શ્રદ્ધા ભાવથી સહાયતા માંગે છે તેની સહાયતા હું અવશ્ય કરવા જાઉં છું. મારા ભક્તે ક્યારેય માંગવું નથી પડતું. એને વગર માંગ્યે જ હું આપું છું.
10) મુજમેં લીન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચુકાયા
જે ભક્ત મન, વચન અને કર્મથી મારામાં લીન રહે છે, હું હંમેશા તેનો ઋણી રહું છું. એ ભક્તના આખા જીવનની તમામ જવાબદારી મારી થઇ જાય છે.
11) ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય મેરી શરણ તજ જિસે ન અન્ય
સાંઇબાબા કહે છે કે મારા એ ભક્તો ધન્ય છે જે અનન્ય ભાવથી મારી ભક્તિમાં લીન રહે છે. આવા જ ભક્ત વાસ્તવમાં ભક્ત કહેવાને લાયક ગણાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય
આ પણ વાંચો : દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ
Published On - 6:31 am, Thu, 20 January 22