ધન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરશે રંગપંચમીનો અવસર ! જાણો, કેવી રીતે લક્ષ્મીનારાયણ થશે પ્રસન્ન ?

રંગપંચમીનો (Rangpanchami) આ દિવસ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. કહે છે કે આ દિવસે વ્રત રાખવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. સાથે જ આ દિવસે લક્ષ્મીનારાયણની એકસાથે આરાધના કરીને તમે ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ પણ મેળવી શકો છો.

ધન સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરશે રંગપંચમીનો અવસર ! જાણો, કેવી રીતે લક્ષ્મીનારાયણ થશે પ્રસન્ન ?
| Edited By: | Updated on: Mar 10, 2023 | 6:35 AM

હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ વદ પંચમીના અવસરને રંગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 12 માર્ચ, રવિવારના રોજ ઉજવાશે. વાસ્તવમાં ધુળેટીની જેમ જ રંગપંચમીનો તહેવાર એ રંગોનો તહેવાર છે. હકીકતમાં પ્રાચીનકાળમાં હોળી-ધુળેટીનો પર્વ અનેક દિવસો સુધી ઉજવવામાં આવતો. જેમાં રંગપંચમીને ધુળેટીનો અંતિમ દિવસ મનાતો હતો. મહત્વની વાત એ છે કે આ દિવસે વિશેષ પૂજા-અર્ચના દ્વારા તમે ધન સંબંધિત વિધ-વિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ પણ મેળવી શકો છો. આવો, આજે તે વિશે જ વિગતે વાત કરીએ.

રંગપંચમીનો મહિમા

રંગપંચમીનો તહેવાર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધુળેટીની જેમ જ લોકો એકબીજા પર રંગ અને ગુલાલ લગાવીને આ પર્વની ઉજવણી કરે છે. આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધારાણીને પણ ગુલાલ લગાવવામાં આવે છે. રંગપંચમીનો આ દિવસ દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે. કહે છે કે આ દિવસે વ્રત રાખવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. સાથે જ આ દિવસે લક્ષ્મીનારાયણની એકસાથે આરાધના કરીને તમે ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ પણ મેળવી શકો છો.

ધનની પ્રાપ્તિ અર્થે

રંગપંચમીના દિવસે કમળના પુષ્પ પર બેસેલા લક્ષ્મીનારાયણના ચિત્રને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરવું. હવે લક્ષ્મીનારાયણના ચિત્રની સમીપમાં એક જળ ભરેલો કળશ મૂકો. ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરીને લાલ ગુલાબના પુષ્પ લક્ષ્મીનારાયણને અર્પણ કરવા. ત્યારબાદ આસન પર સ્થાન ગ્રહણ કરીને “ૐ શ્રીં શ્રીયે નમઃ” મંત્રની 3 માળાનો જાપ કરવો. જાપ બાદ પૂજામાં રાખેલ જળનો સમગ્ર ઘરમાં છંટકાવ કરવો. હવે લક્ષ્મીનારાયણને ગોળ અને મિસરીનો પ્રસાદ અર્પણ કરો. માન્યતા અનુસાર આ પૂજા બાદ ઘરમાં ધનનું આગમન થાય છે. સાથે જ આપની સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે.

મનોકામનાની પૂર્તિ અર્થે

રંગપંચમીના દિવસે સ્નાન બાદ જળમાં ગંગાજળ ઉમેરો. તે જળથી સર્વ પ્રથમ તમારા હાથ સ્વચ્છ કરો. ત્યારબાદ માતા લક્ષ્મીને ગુલાબના પુષ્પ અર્પણ કરો. રૂની બે વાટનો ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરો. ગુલાબની સુગંધવાળી અગરબત્તી પ્રજવલિત કરો. ત્યારબાદ દેવીને સફેદ રંગની મીઠાઈ તેમજ સફરજનનો ભોગ અર્પણ કરો. હવે માતા લક્ષ્મીને મનોમન તમારી કામનાની પૂર્તિ અર્થે પ્રાર્થના કરો. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિના તમામ મનોરથોની ઝડપથી પૂર્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)