લોકો મંત્રજાપ (mantra jaap) માટે માળાનો ઉપયોગ કરતા હોય છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ હોય છે કે ચોક્કસ દેવી દેવતાની કૃપાને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ માળાનો પ્રયોગ કરવાથી જ લાભની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે તુલસીની માળા હાથમાં લઈને શિવજીના મંત્રજાપ ન કરી શકાય ! તેના માટે રુદ્રાક્ષની જ માળા જોઈએ. અને વળી આ માળાની પસંદગી પણ યોગ્ય વિધિથી થવી જોઈએ. ત્યારે આવો આજે સ્ફટિકની માળાની (crystal mala) વાત કરીએ.
સ્ફટિકની માળા અત્યંત ફળદાયી મનાય છે. મોટાભાગે શ્રદ્ધાળુઓ લક્ષ્મીમંત્રના જાપ માટે સ્ફટિકની માળાનો પ્રયોગ કરતા હોય છે. લક્ષ્મીમંત્રના જાપ માટે સ્ફટિકની માળા અને કમળકાકડીની માળા, એટલે કે કમલગટ્ટાની માળા બંન્ને શ્રેષ્ઠ મનાય છે. જ્યારે દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સ્ફટિકની માળા વિશેષ ફળદાયી બની રહી છે. અલબત્, તે માટે જરૂરી છે કે આ માળા પૂર્ણ પૂજાવિધિથી સિદ્ધ થઈ હોય. આવો જાણીએ કે, આ માળા કયા વારે ખરીદવી વધુ લાભદાયી બનશે. અને તેને કેવાં પૂજનથી સિદ્ધ કરવી.
સ્ફટિક માળાને સિદ્ધ કરવાની વિધિ
1. સ્ફટિકની માળા ખરીદવા માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ મનાય છે.
2. સ્ફટિકની માળા ઘરમાં લાવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરો.
3. પંચોપચારથી માળાની પૂજા કરો.
4. માળાને સફેદ પુષ્પ અર્પણ કરો.
5. સ્ફટિકની માળાને સફેદ રંગની મીઠાઈ નૈવેદ્ય રૂપે અર્પણ કરવી.
6. આ પૂજનવિધિ બાદ જ્યારે પણ સ્ફટિકની માળાથી મંત્રજાપ કરો ત્યારે સફેદ રંગના આસનનો ઉપયોગ કરવો.
7. ઉલ્લેખનીય છે કે મંત્રજાપ બાદ આ માળાને નિત્ય સફેદ રંગના વસ્ત્રમાં જ રાખવી.
8. મંત્રજાપ પૂર્વે અને મંત્રજાપ બાદ નિત્ય જ માળાને ધૂપ-દીપ અર્પણ કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિની માન્યતા છે.
સ્ફટિકની માળાથી દેવી લક્ષ્મી સંબંધી મંત્રજાપ પણ કરી જ શકાય છે. પણ, દેવી સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવા સ્ફટિકની માળા સૌથી શ્રેષ્ઠ મનાય છે. માતા સરસ્વતી એ માત્ર વિદ્યાના જ નહીં, વૃદ્ધિના પણ દાત્રી છે ! એટલે કે જો આસ્થા સાથે સ્ફટિકની માળાથી દેવી સરસ્વતીના મંત્રજાપ કરવામાં આવે તો તે ભક્તના અનેકવિધ મનોરથોને પૂર્ણ કરી દે છે.
સ્ફટિકની માળાથી મંત્રજાપ ફાયદા
1. સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
2. સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિના આશિષ પ્રાપ્ત થાય છે.
3. સૌથી મહત્વની વાત એ છે કે સ્ફટિકની માળા દ્વારા મંત્રજાપથી કરવાથી વ્યક્તિનો ક્રોધ પણ શાંત થઈ જાય છે !
4. સ્ફટિકની માળાથી લક્ષ્મીમંત્રનો જાપ કરવાથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવામાં મદદરૂપ બનશે ઓમકાર જાપ !
આ પણ વાંચોઃ રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ