પારદ શિવલિંગની (Shivling) પૂજા એ તો સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, અમારે તો આજે એક એવાં પારદ શિવલિંગ વિશે વાત કરવી છે કે જેના દર્શન તો દેવતાઓને પણ દુર્લભ મનાય છે. આ તો છે વિશ્વનું એકમાત્ર 1751 કિલોનું પારદ શિવલિંગ !સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો વિદ્યમાન છે. પણ, અહીં આવેલું એક શિવધામ વધુ પ્રાચીન ન હોવા છતાં તેની મહત્તાને લીધે શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં પાલ-હજીરા રોડ પર અટલ આશ્રમ આવેલો છે, અને આ આશ્રમમાં જ આવેલું છે ‘મૃત્યુંજય પારદેશ્વર’ મહાદેવનું મંદિર.
પારદેશ્વર એટલે કે ‘પારદ’ના ઈશ્વર. આ નામ પ્રમાણે જ આ સ્થાનકમાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે પારદના અત્યંત દિવ્ય અને ભવ્ય શિવલિંગના દર્શન. એવાં શિવલિંગના દર્શન કે જે સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. અહીં વર્ષ 2004માં 1751 કિલોગ્રામ વજનના પારદના શિલવિંગની સ્થાપના કરવામાં આવી છે. આ તો વિશ્વનું સર્વ પ્રથમ વિશાળ પારદ શિવલિંગ મનાય છે ! એ જ કારણ છે કે ભક્તો સહજપણે જ અહીં ખેંચાઈ આવે છે. ભક્તોને મન આ સ્થાન એટલે તો પરમશાંતિની અનુભૂતિ કરાવતું સ્થાન.
રસરત્ન સમુરચયના અનુસાર જે વ્યક્તિ ભક્તિભાવપૂર્વક પારદ શિવલિંગનું પૂજન કરે છે તેને ત્રણેય લોકમાં સ્થિત શિવલિંગના પૂજનફળની પ્રાપ્તિ થાય છે. ભક્તના સમસ્ત મહાપાપોનો નાશ થઈ જાય છે. જે વ્યક્તિ જીવનમાં એકવાર પારદ શિવલિંગની પૂજા કરી લે છે, તે અખૂટ ધન, અસીમ જ્ઞાન, સંપૂર્ણ સિદ્ધિ તેમજ અતુલ્ય ઐશ્વર્યને પ્રાપ્ત કરી લે છે. પારદ શિવલિંગની પૂજા સર્વ કાર્યોને સિદ્ધ કરનારી છે. તો, સુરતમાં વિદ્યમાન પારદેશ્વરના નિર્માણમાં અદ્દલ પુરાણમાં વર્ણિત પદ્ધતિનું ધ્યાન રખાયું છે, કે જેથી તેના પૂજન-અર્ચનથી ભક્તો મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકે.
|| પારદેશ્વર પૂજનમ્ સર્વ સિદ્ધિ લભતે, સર્વ કાર્ય લભતે ||
પારદેશ્વરનું આ શિવલિંગ એ નાભિ સાથેનું શિવલિંગ મનાય છે. નાભિ સાથેના શિવલિંગની સંરચના અત્યંત જટિલ હોય છે. પરંતુ, પૂર્ણ સંશોધન બાદ જ આ પારદ શિવલિંગનું નિર્માણ થયું છે. જેથી ભક્તોને પૂજન બાદ પૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ શકે. મંદિરના મહંતશ્રી બટુકગીરી બાપુના જણાવ્યાનુસાર પારાને આયુર્વેદમાં ‘રસ’ કહેવામાં આવે છે. જેને વિશેષ વનસ્પતિની મદદથી મજબૂત કરી તેની અંદર લગભગ ત્રણેક કિલો સોનું અને દસેક કિલો ચાંદી મૂકવામાં આવે છે.
1751 કિલો વજન ધરાવતું પારદનું આ શિવલિંગ ન માત્ર ગુજરાતમાં, પરંતુ, સમગ્ર વિશ્વમાં અદ્વિતિય મનાય છે. આજે તો ભારતમાં અનેક જગ્યા પર વિશાળ પારદ શિવલિંગોનું સ્થાપન થયું છે. પણ, સુરતના પારદેશ્વર તેમાં સર્વ પ્રથમ મનાય છે. એક માન્યતા અનુસાર મહેશ્વરના આવા દિવ્ય રૂપના દર્શન માટે તો દેવતાઓ પણ તરસતા હોય છે ! જ્યારે અહીં તો સામાન્ય શ્રદ્ધાળુઓ આ શિવલિંગના પ્રત્યક્ષ દર્શનનો લાભ મેળવે છે.
આ પણ વાંચો સૂર્યદેવના માત્ર 12 નામના જાપથી તમામ કામનાઓ થશે પરિપૂર્ણ !
Published On - 12:41 pm, Tue, 2 February 21