અધિક માસમાં બાળગોપાલને કરો વિશેષ શણગાર અને મેળવો બાળગોપાલની વિશેષ કૃપા

અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ મહિના દરમ્યાન તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મહિના દરમ્યાન જો જાતક બાળગોપાલનું (Bal gopal) પૂજન વિધિ વિધાન સાથે કરે છે તો તેમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એટલે જ આ મહિના દરમ્યાન ભગવાન કૃષ્ણના બાળરૂપના પૂજનનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે.

અધિક માસમાં બાળગોપાલને કરો વિશેષ શણગાર અને મેળવો બાળગોપાલની વિશેષ કૃપા
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:20 AM

અધિક માસમાં મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. માન્યતા એવી છે કે જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભાવ સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને સમગ્ર પૂજાનું ફળ મળે છે. આ મહિના ભગવાન કૃષ્ણને પ્રિય પણ માનવામાં આવે છે. આપ જો આ મહિના દરમ્યાન કૃષ્ણના બાળરૂપની વિધિ વિધાન સાથે સેવા-પૂજા અને શણગાર કરો છો તો પણ આપની દરેક મનોકામનાની પૂર્તિ થાય છે. અધિક માસમાં બાળગોપાલની પૂજાની સાથે તેમના શણગારનું પણ આગવું મહત્વ દર્શાવ્યું છે. બાળગોપાલની પૂજા કરવાનું જેટલું મહત્વ છે તેટલું જ તેમને કરવામાં આવતા શણગારનું મહત્વ છે. તો ચાલો જાણીએ કે કેવા શણગાર દ્વારા આપને બાળગોપાલની વિશેષ કૃપાની પ્રાપ્તિ થશે. અધિક માસમાં બાળગોપાલની સેવા પૂજા કરવા માટેના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

બાળગોપાલના શણગારની સામગ્રી

બાળગોપાલના શણગારમાં તેમના પોશાક, કુંડળ, કેશ, સુગંધિત અત્તર, સુગંધિત પુષ્પ, તિલક માટે વિશેષ ચંદન, મુગટ, કડા, કંઠમાળા, લંગોટ, કાજલ, મોરપીંછ, વાંસળી, મીસરી, માખણ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

બાળગોપાલને શણગાર કરવાની વિધિ

  • બાળગોપાલની મૂર્તિને ઘરમાં સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર રાખો
  • તેમનું પૂજા સ્થાન હંમેશા સ્વચ્છ અને સુગંધિત હોવું જરૂરી છે.
  • બાળગોપાલની મૂર્તિના મુખને મુખ્યત્વે પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખો
  • હિન્દુ ધર્મમાં આ દિશાને શુભ માનવામાં આવી છે.
  • સૌપ્રથમ બાળગોપાલને પંચામૃત વડે સ્નાન કરાવવું જોઇએ. ત્યારબાદ તેમને ગોપી ચંદન લગાવવું.
  • ગોપીચંદન જ્યારે સૂકાવા લાગે ત્યારે તેમને સ્વચ્છ જળ અને ગંગાજળથી અભિષેક કરાવવો.
  • ત્યારબાદ બાળગોપાલને પહેલા લંગોટ પહેરાવવી પછી નવા રેશમી વસ્ત્ર ધારણ કરાવવા.
  • વસ્ત્ર ધારણ કરાવ્યા પછી બાળગોપાલને કડા, કુંડળ ધારણ કરાવવા.
  • હવે બાળગોપાલને કંઠમાળા પહેરાવીને કાજલ કરવું. એકદમ હળવા હાથે બાળગોપાલને કાજળ કરવું.
  • કાજળ કરાવ્યા પછી ચંદનથી પહેલા વૈશ્ણવ તિલક કરો પછી શણગાર કરો.
  • બાળગોપાલના મસ્તક, ગાલ, કંઠ, નાભિ અને પીઠમાં ચંદનથી તિલક કરવું
  • જ્યારે તિલક સૂકાઇ જાય ત્યારે બાળગોપાલને કેશ પહેરાવવા અને કેશમાં સુગંધિત અત્તરનો છંટકાવ કરવો.
  • ત્યારબાદ બાળગોપાલને મુગટ ધારણ કરાવો.
  • મુગટ પર મોરપીંછ લગાવવાનું ન ભૂલતા કારણ કે મોરપીંછ તેમને ખૂબ જ પ્રિય છે.
  • હવે બાળગોપાલને માળા ધારણ કરાવીને તેમની નજર ઉતારવી.
  • બાળગોપાલને વાંસળી પણ ખૂબ જ પ્રિય છે એટલે વાંસળી તેમની પાસે જ રાખવી.
  • અંતમાં બાળગોપાલ પર સુગંધિત અત્તરનો છંટકાવ કરવો અને સુગંધિત પુષ્પ અર્પણ કરવા. આ રીતે બાળગોપાલના શણગારની વિધિ પૂર્ણ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)