અહીં સાક્ષાત કાળ બનીને શ્રીરામે કર્યો હતો અસુરોનો સંહાર ! જાણો, નાસિકના કાલારામનો મહિમા

| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:00 AM

જેટલી અદ્વિતીય આ મંદિરની શોભા છે તેનાથીયે રૂડી અને મનોહારી તો મંદિર મધ્યે વિદ્યમાન કાલારામજીની પ્રતિમા છે. અલબત્, પ્રથમ નજરે નિહાળતા જ શ્રીરામનું આ રૂપ થોડું ઉગ્ર એટલે કે ગુસ્સાવાળુ ભાસે છે. પણ, પ્રભુના આ સ્વરૂપ પાછળ એક ખાસ રહસ્ય છૂપાયેલું છે !

શ્રીરામચરિતમાનસના અરણ્યકાંડમાં વર્ણન છે તે અનુસાર તેમના વનવાસનો મોટાભાગનો સમય શ્રીરામ, સીતા અને લક્ષ્મણે દંડકારણ્યના પંચવટીમાં પસાર કર્યો હતો. કહે છે કે ત્રેતાયુગનું તે પંચવટી એટલે જ નાસિકનું આજનું પંચવટી, કે જ્યાં રામાયણકાળની સાક્ષી પૂરતાં અનેકવિધ સ્થાનકો આજે પણ વિદ્યમાન છે. જેમાંથી જ એક છે સૌથી પ્રસિદ્ધ કાલારામનું મંદિર. આ એ મંદિર છે કે જ્યાં શ્રીરામચંદ્રજી ઉગ્ર રૂપે વિદ્યમાન થયા છે. આવો, આજે આ પાવનકારી સ્થાનકની મહત્તા જાણીએ.

કાલારામજીનું મંદિર એ પંચવટીનું મુખ્ય તીર્થધામ મનાય છે. કાલારામના દર્શન વિના નાસિકની યાત્રા જ અપૂર્ણ મનાય છે. એ જ કારણ છે કે બારેય માસ મંદિર પરિસર શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું જ જોવા મળે છે. પેશ્વાકાલિન આ મંદિર નાગરશૈલીથી નિર્મિત છે. જેટલી અદ્વિતીય આ મંદિરની શોભા છે તેનાથીયે રૂડી અને મનોહારી તો મંદિર મધ્યે વિદ્યમાન કાલારામજીની પ્રતિમા છે. અહીં મંદિરમાં પ્રભુ શ્રીરામ તેમના ભ્રાતા લક્ષ્મણ અને દેવી સીતા સાથે બિરાજમાન થયા છે. પ્રથમ નજરે નિહાળતા જ શ્રીરામનું આ રૂપ થોડું ઉગ્ર એટલે કે ગુસ્સાવાળુ ભાસે છે. પણ, પ્રભુના આ સ્વરૂપ પાછળ એક ખાસ રહસ્ય છૂપાયેલું છે.

પ્રભુના રૂપનું રહસ્ય !

દંતકથા અનુસાર દંડકારણ્યમાં પ્રવેશ કરતા જ શ્રીરામે રસ્તામાં ઠેર-ઠેર અસ્થિઓના ઢગલા જોયા. આ અંગે ઋષિઓને પૂછતાં તેમને જાણવા મળ્યું, કે ભયંકર અસુરો ઋષિમુનિઓને જીવતા જ ખાઈને તેમના અસ્થિઓને આમ ફેંકી દે છે ! કહે છે કે મુનિઓની વાત સાંભળી, શ્રીરામના આંખમાં અશ્રુ આવ્યા અને તેમણે પ્રતિજ્ઞા લીધી કે, “હું આ પૃથ્વીને રાક્ષસોથી રહિત કરી દઈશ. જ્યાં સુધી મારું આ વચન પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું !”

પ્રચલિત કથા અનુસાર પંચવટીમાં ખર અને દૂષણ ચૌદ હજારનું સૈન્ય લઈને રામ-લક્ષ્મણ પર આક્રમણ કરવા ધસી આવ્યા. કહે છે કે ત્યારે શ્રીરામચંદ્રજીએ પ્રથમવાર તેમના સાક્ષાત ‘કાળ’ સ્વરૂપનો પરિચય કરાવ્યો. અને એકલા હાથે જ તમામ અસુરોનો સંહાર કરી દીધો. માન્યતા અનુસાર એ જ સાક્ષાત ‘કાલ’ રૂપ રામ આજે ‘કાલારામ’ રૂપે નાસિકમાં વિદ્યમાન થયા છે. અને તે ભક્તોની અંદર રહેતા આસુરી તત્વોનું પણ શમન કરી રહ્યા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ  અહીંની દરેક શિલા પર છે શિવજી ! સિરસીમાં કેવી રીતે થયું સહસ્ત્ર શિવલિંગનું પ્રાગટ્ય ?

આ પણ વાંચોઃ  અહીં ભક્તો મા અન્નપૂર્ણાને કહે છે જાગતી જ્યોત ! જાણો પરચા પૂરતી અમદાવાદની મા અન્નપૂર્ણાનો મહિમા