સ્કંદપુરાણમાં કાશીખંડમાં (Kashi Khand) ભૂતળ પરના પવિત્ર ક્ષેત્ર કાશીનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. આ કાશી ક્ષેત્ર પાંચ કોષમાં વ્યાપ્ત છે. તેમાં ઉલ્લેખ અનુસાર પ્રલયકાળમાં પણ શિવ-પાર્વતીએ આ ક્ષેત્ર છોડ્યું ન હતું. તેથી જ તેને ‘અવિમુક્ત ક્ષેત્ર’ (Avimukta Kshetra) કહેવાય છે. જ્યારે આ ભૂમંડળ નથી રહેતું તેમજ જળની સત્તા પણ નથી રહેતી ત્યારે શિવજીએ પોતાને વિહાર કરવા માટે આ ક્ષેત્ર બનાવ્યું છે. આ ક્ષેત્ર શિવજીના આનંદ માટે છે. તેથી તેનું નામ પહેલાં ‘આનંદવન’ રાખવામાં આવ્યું હતું.
મહાદેવજી કહે છે કે, “આ ક્ષેત્ર મને ખુબ જ પ્રિય છે. અહીં યમરાજની સત્તા પણ નથી ચાલતી. અહીં ફક્ત મારી જ સત્તા ચાલે છે. આ ક્ષેત્રમાં નિવાસ કરનારા પાપી જીવોનો પણ હું જ શાસક છું. કાશીથી સો યોજન દૂર રહેનાર પણ કાશીનું સ્મરણ કરશે તો તે પાપી હોવા છતાં પણ પાપોથી દુઃખી નહીં થાય. કાશીમાં જવાથી જ મોક્ષપદ મળે છે. જે મનુષ્ય કાશીમાં લાંબો સમય રહીને દૈવયોગે બીજે મરણ પામે તો તે સ્વર્ગીય સુખ ભોગવીને અંતે કાશીને પ્રાપ્ત કરે છે, અને છેવટે મોક્ષ પદ મેળવે છે.”
જે મનુષ્ય ભગવાન વિશ્વનાથની પ્રસન્નતા માટે આ ક્ષેત્રમાં ધનનું દાન કરે છે અથવા મૃત્યુ પામે છે તે “ધર્મજ્ઞ” છે. સૂર્ય આકાશમાં એક જ સ્થળે હોવા છતાંય બધે દેખાય છે, એમ ભગવાન વિશ્વનાથ કાશીમાં જ રહીને સર્વવ્યાપી હોવાને કારણે સર્વત્ર ઉપલબ્ધ થાય છે. જે આ ક્ષેત્રનો મહિમા નથી જાણતો અને જેનામાં જરાપણ શ્રદ્ધા નથી, તે પણ જો કાશીમાં આવે તો તે પણ નિષ્પાપ થઈ જાય છે. જો તેનું ત્યાં મૃત્યુ થઈ જાય તો તે મનુષ્ય મોક્ષ પામે છે.
કાશીમાં પાપ કરીને પણ જો મનુષ્ય ત્યાં જ મૃત્યુ પામે તો તે પહેલાં “રુદ્ર પિશાચ” થઈને મુક્તિ પામે છે. આ શરીરને નાશવંત સમજીને મનુષ્યે આ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. દરેક મનુષ્યએ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને શંકર ભગવાનની કાશી નગરીની યાત્રા કરવી જોઈએ.
આ પણ વાંચોઃ મંગળ અને શુક્ર ગ્રહના સંક્રમણની થશે ભારત સહિત સમગ્ર વિશ્વ પર અસર, કોઈ મુશ્કેલી તો નહીં લાવે ને આ સંક્રમણ ?
આ પણ વાંચોઃ વૈરાગી શિવને કેવી રીતે લાગ્યું કાશીનું ઘેલું ? જાણો કાશીના ‘શિવનગરી’ બનવાની કથા