શનિ ગ્રહ અઢી વર્ષમાં એક વાર રાશિ બદલે છે. આખું રાશિચક્ર પૂરું કરતા શનિદેવને 30 વર્ષનો સમય લાગે છે. આજે 17 જાન્યુઆરી, મંગળવારે શનિ તેમની મૂળ રાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને ફાયદો થશે તો બીજી તરફ કેટલીક રાશિઓને નુકસાનનો સામનો કરવો પડશે. વળી, શનિના આ ગોચરથી 3 રાશિઓના જાતકોને સાડાસાતી અને 2 રાશિઓના જાતકોને અઢી વર્ષની પનોતીનો સામનો કરવો પડશે. ત્યારે આવો જાણીએ કે કઈ કઈ રાશિઓ પર શનિની પનોતીની શું અસર પડશે ? તેમજ આ દરમ્યાન કઈ સાવધાની રાખવી જરૂરી છે !
કર્ક રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી
શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થવાથી કર્ક રાશિમાં શનિની અઢી વર્ષની પનોતીનો આરંભ થવા જઇ રહ્યો છે. આ સ્થિતિમાં કર્ક રાશિના જાતકોને જીવનમાં થોડી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે ! માનસિક, શારિરીક તેમજ આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે તેવી શક્યતા છે. આ રાશિમાં શનિ આઠમાં ભાવમાં રહે છે જેના કારણે ધન સંબંધિત નુકસાનની શક્યતા વર્તાઈ રહી છે. એટલે, કોઇપણ પ્રકારના રોકાણ કરતાં પહેલાં સમજી વિચારીને જ નિર્ણય લેવો જોઇએ. જેથી આવનાર આર્થિક નુકસાન સામે લડી શકાય !
વૃશ્ચિક રાશિમાં શનિની અઢી વર્ષની પનોતી
કર્ક સિવાય વૃશ્ચિક રાશિમાં પણ શનિની અઢી વર્ષની પનોતીનો આરંભ થશે. આ રાશિમાં શનિ ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમ્યાન આ રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. પરિવારમાં થોડી અશાંતિ રહેશે. એટલે બની શકે એટલો પ્રેમથી વ્યવહાર કરજો. પ્રેમથી જ આપના દરેક પ્રશ્નોનો ઉકેલ મળશે. આર્થિક સંકટનો સામનો પણ કરવો પડી શકે છે ! તેમજ દરેક કાર્યમાં અવરોધ ઊભા થવાની શક્યતા છે.
મકર રાશિમાં શનિના સાડાસાતી
મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થવાથી મકર રાશિને શનિની સાડાસાતીમાંથી તો મુક્તિ નહીં જ મળે. આ રાશિમાં ઉતરતી સાડાસાતીનો આરંભ થઇ રહ્યો છે. પરંતુ, આ સમય દરમ્યાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં માન-સમ્માન ઘટે તેવી શક્યતાઓ છે. વાણીમાં સંયમ રાખજો. કારણ કે, નાની નાની વાતો ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. નોકરિયાત વર્ગે કોઇપણ કાર્યમાં બેદરકારી ન રાખવી જોઇએ.
કુંભ રાશિમાં શનિની સાડાસાતી
શનિ લગભગ 30 વર્ષ બાદ આ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિમાં સાડાસાતીનો મધ્યમ સમય શરૂ થઇ રહ્યો છે. એવામાં આ રાશિના જાતકોને માનસિક, શારિરીક તેમજ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવશે. પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. રહેણીકરણી સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડે તેમ છે.
મીન રાશિમાં શનિની સાડાસાતી
મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને શનિની સાડાસાતી પહેલાં ચરણમાં શરૂ થશે. આ સંજોગોમાં આ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. અથવા તો કોઇ જૂનો અને જટિલ રોગ તમને થઇ શકે છે. નોકરિયાત વર્ગને થોડી ઘણી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. જો તમે ધંધામાં કે બીજે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય પસાર કરી દેવો જ હિતાવહ રહેશે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)