લેખક : ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય
શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમા લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ મકર રાશિમાંથી તા. 17-1-23 ના રોજ કુંભ રાશિમા પ્રવેશ કરશે જે તા. 29/03/25 સુધી ભ્રમણ કરશે.
કર્ક અને વૃશ્ચિક રાશિને નાની પનોતી અઢી વર્ષની રહશે અને મકર રાશિને સાડાસાતીનો છેલ્લો તબ્બકો, કુંભ રાશિને સાડાસાતીનો બીજો તબ્બકો અને મીન રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો જે અઢી વર્ષ તબક્કે મુજબ રહશે .જે હાલ મિથુન અને તુલા રાશિને ચાલતી અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે જયારે ધન રાશિને ચાલતી સાડાસાતી પૂરી થશે.
શનિનું ભ્રમણ પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે જે મુજબ કુંભ રાશિના ભ્રમણ મુજબ મિથુન, વૃશ્ચિક, મકર રાશિને સોનાનો પાયો, વૃષભ, કન્યા, કુંભ રાશિને તાંબાનો પાયો, કર્ક, તુલા, મીન રાશિને ચાંદીનો પાયો, મેષ, સિંહ, ધન રાશિને લોઢાનો પાયો ગણતરીમાં આવશે, કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.
શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.
કુંભ રાશિમાં શનિના ભ્રમણ દરમિયાન બાર રાશિ પર એક સામાન્ય ફળકથન :
મેષ : ઉતાવળ અને ગુસ્સાની પ્રકૃતિ કરાવે માટે ધીરજ રાખવી.
વૃષભ : મહેનત મુજબ ફળ મળશે માટે આયોજન પૂર્વક કામકાજ કરવું.
મિથુન : કામકાજમાં પ્રગતિ કરાવે, ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો.
કર્ક : ઉતાવળ પ્રકૃતિ વધુ રહે, ધીરજ અને શાંતિ રાખવી.
સિંહ : નાની નાની વાતમાં વ્યસ્ત રખાવે, ઉશ્કેરાટ ના રાખવો.
કન્યા : અટકેલા કાર્ય આગળ વધે, ઉત્સાહ રહે.
તુલા : સંબંધ સુધારવાની તક મળે, નવી દિશા દેખાય.
વૃશ્ચિક : ગણતરી પૂર્વક આયોજન અને ધીરજ રાખી કાર્ય કરવું.
ધન : નવા સંબંધ બને, નવું કાર્ય થાય.
મકર : કામકાજમાં ચોકસાઈ રાખવી, શાંતિ જાળવવી.
કુંભ : વિવાદ ટાળવો, ધીરજ, ચોકસાઈ રાખવી.
મીન : ઉતાવળ ન કરવી, વ્યવહારુ અભિગમ રાખવો.
દરેક રાશિના જાતકોએ નિત્ય શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)