
આ વર્ષે 22 માર્ચ, બુધવારથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થવા જઇ રહી છે. આ નવરાત્રીનો પાવન પર્વ 22 માર્ચથી 30 માર્ચ સુધી રહેશે. જેમાં 30 માર્ચના દિવસે રામનવમીની ઉજવણી થશે. ધાર્મિક દૃષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું ખૂબ મહત્વ છે. આ પર્વ ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન લોકો વ્રત રાખે છે અને માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરે છે. એટલે, નવરાત્રીના પાવન દિવસો કેટલાય શુભ કાર્યોની શરૂઆત કરવા માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. જેમાં સર્વ પ્રથમ જ ઉલ્લેખ કરવો પડે નવા ગૃહમાં પ્રવેશનો !
શાસ્ત્રો અનુસાર નવરાત્રીના નવ દિવસો એવા હોય છે કે જેમાં મુહૂર્ત જોવામાં નથી આવતું. એટલે કે, મુહૂર્ત જોયા વિના જ સારા કાર્યો કરી શકાય છે !નવરાત્રીના શુભ અવસર પર લોકો મોટા ભાગે નવા ધંધાની શરૂઆત કરતા હોય છે અથવા તો પોતાના નવા ઘરમાં પ્રવેશ કરતા હોય છે. માન્યતા અનુસાર ચૈત્રી નવરાત્રી દરમિયાન નવા ઘરમાં પ્રવેશ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ થાય છે. જો નવરાત્રી દરમિયાન તમે પણ નવા ઘરમાં પ્રવેશ કરવાનું વિચારી રહ્યા હોવ તો આપે કેટલીક વાતો પર ધ્યાન દેવું જરૂરી છે. આજે અમે આપને જણાવીએ કે નવરાત્રી દરમિયાન નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે કળશની સ્થાપના જરૂરથી કરવી જોઈએ. કારણ કે, કળશ વિના ગૃહ પ્રવેશ નથી કરી શકાતો ! આ વિધિ માટે સૌથી પહેલા એક કળશ લઇને તેમાં જળ ભરીને તેના ઉપર કેરીના વૃક્ષના 8 પાન મૂકો. ત્યારબાદ તેના પર નારિયેળ રાખો. કળશ અને નારિયેળ પર કુમકુમથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જોઇએ. તેના સિવાય કળશ સાથે બીજી પણ માંગલિક વસ્તુઓ જેમ કે હળદર, ગોળ, અક્ષત, આખા ધાણા અવશ્ય રાખવા જોઇએ.
નવરાત્રીના દિવસોમાં ગૃહ પ્રવેશ પહેલા ઘરના મુખ્યદ્વાર પર આસોપાલ કે કેરીના પાન અને ગલગોટાના પુષ્પનું તોરણ લગાવવું જોઇએ. તેના સિવાય મુખ્યદ્વાર પર અબીલ અને અન્ય રંગોથી માતા લક્ષ્મીના ચરણના ચિન્હ અને રંગોળી બનાવવી જોઇએ. તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
નવા ઘરમાં પ્રવેશ સમયે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પતિ-પત્નીએ એકસાથે જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. નવા ઘરમાં પ્રવેશ સમયે પતિએ પોતાનો જમણો પગ પહેલા અને પત્નીએ તેનો ડાબો પગ આગળ રાખવો જોઇએ !
ભગવાન ગણેશનું ધ્યાન ધરતા મંત્રોચ્ચારણ સાથે ઘરના ઇશાન ખૂણામાં બનેલા પૂજા ઘરમાં મંગળ કળશની સ્થાપના કરવી. સાથે જ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ, દક્ષિણાવર્તી શંખ અને શ્રીયંત્રની સ્થાપના અવશ્ય કરવી જોઇએ.
ગૃહ પ્રવેશ બાદ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ, હળદર અને અક્ષતનો છંટકાવ કરવો જોઇએ. તેની સાથે ચૈત્ર નવરાત્રીએ ગૃહ પ્રવેશ કરો છો એટલે દુર્ગા સપ્તશતીનો પાઠ અને રામચરિતમાનસના પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)