એક વર્ષ દરમિયાન એકાદશી (ekadashi) તો કુલ 24 આવતી હોય છે. અને અધિકમાસના સંજોગોમાં આ આંક 26 સુધી પહોંચી જતો હોય છે. પરંતુ, વર્ષની આ તમામ એકાદશીઓમાં જેનું અદકેરું જ મહત્વ છે, તે છે પ્રબોધિની એકાદશી. (prabodhini ekadashi) કે જેને આપણે પારંપરિક ભાષામાં કહીએ છીએ દેવઉઠી એકાદશી. (dev uthani ekadashi)
કારતક સુદ એકાદશીના રોજ આવતી આ અગિયારસનું આગવું જ મહત્વ છે. પ્રચલિત કથા અનુસાર ચાર માસ સુધી યોગનિંદ્રામાં લીન થયેલા શ્રીહરિ આ જ દિવસે જાગે છે. પ્રભુ અષાઢ માસના શુક્લપક્ષની એકાદશીએ નિંદ્રાધીન થાય છે. જેને આપણે દેવપોઢી અગિયારસ કહીએ છીએ. ભક્તો આ દિવસથી જ ચાતુર્માસના વ્રત પણ કરે છે. જે શ્રીહરિ વિષ્ણુના નિંદ્રામાંથી જાગ્યા બાદ પરિપૂર્ણ થાય છે. આમ, તે દૃષ્ટિએ પણ આ એકદાશીનું આગવું જ મહત્વ છે. તો, કહે છે કે આ એક એકાદશીનું આસ્થા સાથે વ્રત કરવાથી વર્ષની તમામ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત ક્યારે કરવું તેને લઈને ઘણાં અસમંજસમાં છે. ત્યારે અમે જણાવી દઈએ કે, 14 નવેમ્બર, રવિવાર અને 15 નવેમ્બર, સોમવાર આ બંન્નેમાંથી કોઈપણ દિવસે એકાદશીનું વ્રત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે સંસારીઓ માટે 15 નવેમ્બર, સોમવારના રોજ વ્રત કરવું વધુ શુભ મનાશે. અને 16 નવેમ્બર, મંગળવારના રોજ દ્વાદશીએ સવારે વ્રતના પારણા કરી શકાશે. ચાતુર્માસનું વ્રત કરનારા શ્રદ્ધાળુઓ પણ સોમવારે તેમનું વ્રત પૂર્ણ કરી શકશે.
જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠિયાના જણાવ્યાનુસાર તા. ૧૪/૧૧/૨૦૨૧, રવિવાર, પ્રબોધિની એકાદશી (સ્માત), જ્યારે તા. ૧૫/૧૧/૨૦૨૧ સોમવાર, પ્રબોધિની એકાદશી (ભાગવત) છે. તારીખ 15 નવેમ્બરથી જ તુલસી વિવાહનો પ્રારંભ થશે. અને ચાતુર્માસની પૂર્ણાહુતિ પણ થશે.
એક કથા અનુસાર દેવતાઓની સહાયતા માટે શ્રીહરિએ વામન રૂપ ધરી બલિરાજા પાસે દાનનું વચન લીધું. અને પછી ત્રણ ડગલાં ભૂમિમાં ત્રિભુવનને માપીને બલિરાજાને પાતાળનું રાજ આપ્યું. તો, સામે બલિરાજાએ પણ શ્રીવિષ્ણુ પાસે વચન માંગી લીધું કે તે સદૈવ તેમની સાથે રહી પાતાળલોકની સુરક્ષા કરશે. વચનના લીધે શ્રીવિષ્ણુ પાતાળલોકના દ્વારપાળ બની તેની સુરક્ષા કરવા લાગ્યા. ત્યારબાદ દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી શ્રીહરિને વચનમુક્ત કરાવ્યા. લક્ષ્મીનારાયણ વૈકુંઠ પરત ફર્યા. પણ કહે છે કે, રાજા બલિનું માન રાખી શ્રીહરિ દર વર્ષે ચાર માસ માટે પાતાળલોકમાં જાય છે. અને તે પ્રબોધિની એકાદશીએ પાતાળલોકમાંથી બહાર આવે છે. એ જ કારણ છે કે આ અવસર શ્રીહરિની કૃપાને પ્રાપ્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ મનાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ પરમાત્મા સુધી પહોંચાડતો પથ એટલે પ્રાર્થના ! ક્યાંક તમે તો નથી કરતાંને પ્રાર્થનામાં આ ભૂલ?
આ પણ વાંચોઃ દેવાધિદેવને અત્યંત પ્રિય છે આ પાંચ પુષ્પ, જાણો કયા આશિષ પ્રદાન કરશે આ પુષ્પ ?