શિવજીનું (shiva) નામ બોલતા જ તેમનું વૈરાગી સ્વરૂપ જ ભક્તોની નજરો સમક્ષ ખડું થઈ જતું હોય છે. કારણ કે, મહેશ્વર (maheshwar) એક એવાં દેવ છે કે જેમની સાદગી જ તેમનું સૌંદર્ય છે. અને ભસ્મ તેમજ સર્પ તેમના શણગાર ! માન્યતા અનુસાર આવાં દેવને પ્રસન્ન કરવા વઘારે અઘરાં પણ નથી. કારણ કે તે તો આસ્થાના જળથી જ ભક્તો પર રીઝી જતાં હોય છે. પણ, અમારે આજે વાત કરવી છે એક એવાં ઉપાયની કે જેનાથી મહાદેવની વિશેષ પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકાય છે.
માન્યતા અનુસાર જળ પ્રિય મનાતા મહાદેવને પુષ્પ પણ અત્યંત પ્રિય છે. ત્યારે આવો જાણીએ કે કયા-કયા પુષ્પ મહાદેવના હૃદયની નજીક છે. એટલું જ નહીં, કયા મંત્ર સાથે આ પુષ્પ મહાદેવને અર્પણ કરવાથી તેમની સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે તે વિશે વિગતે વાત કરીએ.
1. ભોળાનાથ તેમના ભક્તો પાસે વિશેષ કશું જ નથી માંગતા. મહાદેવ તો ધતૂરા જેવાં જંગલી પુષ્પથી પણ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે સર્વ પ્રથમ દેવી પાર્વતીએ તેમને આ પુષ્પ અર્પણ કર્યું હતું. એ જ કારણ છે કે સોમવાર, શ્રાવણ માસ તેમજ શિવરાત્રી જેવાં અવસરો પર મહાદેવને ધતૂરો અર્પણ કરવાનો વિશેષ મહિમા છે.
2. જો ધતૂરો ન મળે તો મહાદેવને પારિજાત કે કોઈપણ સફેદ પુષ્પ અર્પણ કરી શકાય. સફેદ રંગના ફૂલ પણ મહાદેવને પ્રિય મનાય છે.
3. આ સિવાય કરેણ અને આંકડાનું પુષ્પ પણ મહાદેવને અર્પણ કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. આ બંન્ને ફૂલ પણ મહાદેવના હૃદયની નજીક મનાય છે.
4. મહાદેવને પુષ્પ અર્પણ કરતી વખતે નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો ફળદાયી બની રહેશે.
ૐ નમઃ શિવાય ।
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીય મામૃતાત્ ।।
ઉલ્લેખનીય છે કે વર્ષમાં એકવાર કેવડાત્રીજે મહાદેવને કેવડો અર્પણ થાય છે. પરંતુ, કેવડાનું ફૂલ ક્યારેય શિવજીને અર્પણ ન કરવું. એ જ રીતે તુલસીદળ પણ મહાદેવને અર્પણ કરવાનો નિશેષ છે. તો, હવે જ્યારે તમે શિવજીની પૂજા કરો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખશો તો પ્રભુની વિશેષ કૃપાને પ્રાપ્ત કરી શકશો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શું તમે જાણો છો સિંદૂરના આ ફાયદા? ભયનો નાશ કરી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે સિંદૂર
આ પણ વાંચોઃ પીપળાના પૂજન માત્રથી દૂર થશે આપની પરેશાની, કયા કયા ફળની પ્રાપ્તિ કરાવશે પીપળાનું વૃક્ષ ?