શાસ્ત્રોમાં ભગવાન ગણેશજીને (Lord ganesha) પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. તેથી આપણા ઘરે કોઇપણ શુભ પ્રસંગ હોય તો સૌપ્રથમ પૂજા (Worship)ગણેશજીની કરવામાં આવે છે. સૌપ્રથમ તેમનું નામ લઇને કાર્યની શરૂઆત કરવામાં આવે છે. ભગવાન ગણેશને (Lord ganesha) રિદ્ધિ સિદ્ધિના (Riddhi siddhi) દાતા માનવામાં આવે છે. બુદ્ધિના દાતા માનવામાં આવે છે. કહે છે કે તેમની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય કોઇ આપત્તિ નથી આવતી. તે જ રીતે ભગવાન ગણેશજી સાથે જોડાયેલા કેટલાક મંત્રોના જાપ (Chanting mantras) કરવાથી પણ આપને જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તેમની પૂજા કરવાથી આપને અભિષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.
શાસ્ત્રોમાં ભગવાન ગણેશજીના ઘણા મંત્રો અને પાઠ છે જેના પઠન કે શ્રવણ માત્રથી આપને જીવનમાં ચમત્કારી બદલાવ જોવા મળી શકે છે. તે પાઠ અને મંત્રોનું રટણ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને આપની ખાલી ઝોળીને ખુશીઓથી ભરી દે છે. શ્રીગણપતિ અથર્વશીર્ષ પણ તેમાંથી જ એક છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી આપને જીવનમાં ઉચ્ચ ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા અનુસાર જીવનમાં માત્ર એક વખત આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ આપની તમામ પરેશાનીઓનો અંત આવી શકે છે ! શ્રીગણપતિ અથર્વશીર્ષ સ્તોત્ર સંસ્કૃતમાં લખવામાં આવ્યો છે અને આ સ્તોત્ર વાંચવાથી ગણપતિજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ગણેશ અથર્વશીર્ષ સ્તોત્ર વાંચનના લાભ
⦁ જો કોઇ વ્યક્તિના જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો હોય તો નિત્ય ભગવાન ગણેશજીની પૂજા કરો અને શ્રીગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો. ગણેશજીનું નામ લેવાથી અને આ પાઠ વાંચવાથી આપનો ખરાબ સમય જલ્દી પૂર્ણ થાય છે. તેમજ આપના સંકટો ઓછા થાય છે. આપને જીવનમાં હિંમત મળી રહે છે.
⦁ ગણેશ અથર્વશીર્ષના સ્તોત્ર વાંચનથી તેમજ ગણેશજીની પૂજા કરવાથી તમામ પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. તેમજ શારીરિક રોગ દૂર થાય છે અને નિરામય સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
⦁ કોઇપણ કાર્યમાં અવરોધો આવતા હોય, કોઇને કોઇ પ્રકારની સમસ્યા સતાવતી હોય તો ગણેશજીના આ સ્તોત્રનો પાઠ કરી લો. આ સ્તોત્ર વાંચવાથી કાર્યમાં સફળતાના યોગ વધે છે અને આપની તમામ મુસીબતો, બાધાઓ દૂર થાય છે.
⦁ જો તમારી કોઇ ઇચ્છા પૂર્ણ ન થઇ રહી હોય, કેટલાય સમયથી તમારી કોઇ મનોકામનાની પૂર્તિ ન થઇ રહી હોય તો તમે શ્રીગણેશ અથર્વશીર્ષના પાઠ વાંચી લો. આ પાઠ વાંચવાથી આપની ઇચ્છા ઝડપથી જ પૂર્ણ થશે.
⦁ કોઇપણ શુભ કાર્યનો આરંભ કરતા પહેલા તમે શ્રીગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરાવી લો. આ પાઠને કરાવવાથી શુભ કાર્ય સારી રીતે થઇ જાય છે અને તેમાં આવતા અવરોધો દૂર થાય છે.
શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરતી વખતે રાખવાની સાવધાની
⦁ શ્રી ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરતી વખતે આપની સામે ગણેશજીની મૂર્તિ જરૂર રાખો અને આ મૂર્તિની સામે એક દીપક પ્રગટાવ્યા પછી ગણેશજીને ભોગ અર્પણ કરો અને આ પાઠ વાંચવાનો સંકલ્પ લો. તેના પછી તમે આ પાઠને વાંચવાનું શરૂ કરી દો.
⦁ આ પાઠ વાંચ્યા પછી આરતી અવશ્ય કરો.
⦁ આરતી બાદ ગણેશજીને અર્પણ કરવામાં આવેલ નૈવેદ્ય પરિવારજનોમાં વહેંચી દો.
⦁ તમે ઇચ્છો તો આ પાઠને કોઇ બ્રાહ્મણ કે જાણકાર પાસે કરાવી શકો છો.
⦁ આ પાઠ તમે ગણેશોત્સવ દરમ્યાન કરી શકો છો તેમજ મંગળવાર, બુધવાર, સંકષ્ટીના દિવસે પણ આ પાઠ કરી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)