
બનારસ -કાશી વિશ્વનાથની ભૂમિ પર આવેલા અનેક મંદિરોમાં સામાન્ય રીતે આપણને એવા લખાણ જોવા મળે છે કે “અહીં દારુ પીવાની મનાઈ છે.” પરંતુ આ જ પવિત્ર કાશી નગરીમાં આવેલા અતિપ્રસિદ્ધ એવા કાળ ભૈરવ મંદિરમાં ખુદ ભગવાનને પ્રસાદમાં દારૂનો ભોગ લગાવવામાં આવે છે. કાળ ભૈરવને પ્રસાદમાં દારુ ચડાવવામાં આવે છે. અહીં દર રવિવારે મંદિરની બહાર હાથમાં નાનકડી દારૂની બોટલો લીધેલા ભક્તોની લાઈનો લાગે છે. જેમા ભક્તો હાથમાં ફૂલ-હાર શ્રીફળની સાથે સીલબંધ દારૂની બોટલે પણ લઈને આવે છે. મંદિરના મહંતના જણાવ્યા અનુસાર અહીં રોજ 5 હજાર જેટલા દર્શનાર્થીઓ આવે છે અને રવિવારે આ સંખ્યા વધી જાય છે. એક માન્યતા એવી છે કે કાળ ભૈરવને ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ ગણવામાં આવે છે અને આ જ કારણે તેમને આવો તામસિક પ્રસાદ ચડાવવામાં આવે છે. જો કે આ પૂર્ણ સત્ય નથી. પરંતુ સત્યનો માત્ર એક અંશ છે. કારણ કે કાળ ભૈરવને હલવો, જલેબી જેવા પ્રસાદ પણ ચડાવવામાં આવે છે.
વારાણસીના વિશ્વેશ્વરગંજ સ્થિત શ્રી કોતવાલી પોલીસ સ્ટેશનની કથા પણ અત્યંત રસપ્રદ છે. આ પોલીસ સ્ટેશનમાં થાનેદારની ખુરશી પર કોઈ જ પોલીસકર્મી કે અધિકારી બેસતા નથી. પરંતુ તે ખુરશી પર બાબા કાળ ભૈરવની તસવીર મુકવામાં આવે છે. પોલીસ સ્ટેશનનો મુખ્ય પોલીસ અધિકારી તેની બાજુની ખુરશી પર બેસે છે. જ્યારે પણ કોઈ નવા અમલદાર અહીં તૈનાત થાય છે તો તેઓ સૌપ્રથમ બાબા કાળ ભૈરવના મંદિરમાં જઈને હાજરી લગાવે છે ત્યારબાદ જ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળે છે.
આ કોઈ લોખમુખે ચાલી આવતી માન્યતા નથી. વર્ષ 2022 માં ટીવી ચેનલોના ઈન્ટરવ્યુમાં તત્કાલિન પોલીસ કમિશનર અને કોટવાલે પણ સ્વીકાર્યુ હતુ કે તેઓ બાબાને જ તેમના ઉપરી (વડા ઓફિસર) માને છે. આ જ કારણ છે કે જાન્યુઆરી 2022માં કાળ ભૈરવ મંદિરના મહંતે બાબાનો શૃંગાર આધુનિક પોલીસ અફસરના રૂપમાં કર્યો હતો. જેમા તેમને ખાખી વર્દી, ટોપી, ચેસ્ટ નેમ પ્લેટ અને ટેબલ પર રજિસ્ટર, હાથમાં પેન અને ચાંદીનો ડંડો આપ્યો હતો.
કાળ ભૈરવના જન્મ પાછળ એક પૌરાણિક કથ જોડાયેલી છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણના કાશી ખંડ અનુસાર, એકવાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે કોણ શ્રેષ્ઠ તે બાબતે સ્પર્ધા થઈ. તે સમયે બંને દેવોની વચ્ચે એક પ્રકાશનો મહાન સ્તંભ પ્રગટ થયો. આ સ્તંભની ઊંચાઈ કેટલી છે તે દેખાતી ન હતી. જ્યારે તે જમીનમાં પણ તેનો છેડો દેખાતો ન હતો. એમ કહો કે સ્તંભનો આરંભ કે છેડો દેખાતો ન હતો. આથી એવુ નક્કી થયુ કે જે આ સ્તંભનો છેડો શોધી લાવશે તે શ્રેષ્ઠ દેવતા ગણાશે. ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુ નીચે જમીનમાં ગય પરંતુ તેમને છેડો ન મળતા તેમણે સત્ય સ્વીકારી લીધુ. બ્રહ્માજી ઉપર ગયા અને તેમને પણ છેડો ન મળ્યો પરંતુ પાછા આવીને તેઓ જૂઠ બોલ્યા કે તેમને છેડો મળી ગયો છે. આ જૂઠ બ્રહ્માજીના પાંચમાં મુખેથી નીકળ્યુ હતુ. શિવજી આ અસત્ય વચન સાંભળીને અત્યંત ક્રોધિત થયા. તેમના આ ક્રોધમાંથી એક અત્યંત બિહામણા કાળ સમાન દેખાતા પુરુષનો જન્મ થયો, શિવજીએ તેને કાળ ભૈરવ નામ આપ્યુ અને બ્રહ્માજીનો અહંકાર તોડવાનો આદેશ આપ્યો. આદેશ મળતા જ કાળ ભૈરવે પોતાના નખથી બ્રહ્માજીનું પાંચમુ મસ્તક કાપી નાખ્યુ. આ એજ પાંચમું મસ્તક હતુ જેના મુખેથી બ્રહ્માજી જૂઠ બોલ્યા હતા. ત્યારબાદ બ્રહ્માજીની મૂર્તિઓમાં ચાર મુખ જ જોવા મળે છે.
કાળ ભૈરવે તેના નખથી બ્રહ્માજીનું મસ્તક કાપ્યુ તો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યુ અને તે કપાયેલુ મસ્તક તેના હાથ સાથે ચોંટી ગયુ. અનેક પ્રયાસો બાદ પણ મસ્તક હાથમાંથી છૂટ્યુ જ નહીં અને ચોંટેલુ જ રહ્યુ. ત્યારથી કાળભૈરવ આ કપાયેલ મસ્તક સાથે અનેક તીર્થોમાં ભટકવા લાગ્યા. આમ એકવાર તેઓ આ ભ્રમણ દરમિયાન તેઓ વિશ્વનાથની નગરી કાશીની હદમાં પ્રવેશ્યા, જેવા તેમણે કાશીની સીમમાં પગ મુક્યો કે તે કપાયેલુ મસ્તક તેમના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયુ. બસ ત્યારથી તેમનો ત્યા વાસ થઈ ગયો. આજે કાશીમાં આ સ્થાનને ‘કપાલ મોચન તીર્થ’ (કપાલ એટલે ખોપડી અને મોચનનો અર્થ છે છૂટકારો) તરીકે ઓળખવામાં આવે છે.
જે દેવતાને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ આ શહેરમાં મળ્યુ, તો શિવજીએ તેમને જ આખી નગરીનો હવાલો સોંપી દીધો. શિવપુરાણમાં શિવનું વાક્ય છે, “આજથી હું તમને કાશીપુરીનું આધિપત્ય આપુ છુ, જેનો અર્થ છે કાશી પર તારુ રાજ રહેશે. ત્યારથી ભૈરવનાથની જવાબદારી નક્કી થઈ શહેરની રક્ષા કરવાનું અને જે ખોટુ કરે તેમને સજા આપવાનો અધિકાર મળ્યો. આ જ કારણે તેમના હાથમાં દંડો આપવામાં આવ્યો છે અને ત્યારથી તેઓ ‘દંડપાણિ’ પણ કહેવાયા. તેમની સવારી છે કાળા શ્વાનની. લોક જીભે ચર્ચાતી બોલીમાં કહીએ તો વિશ્વનાથ શહેરના રાજા છે. અને ભૈરવ તેમના થાણેદાર છે.
એક માન્યતા એવી છે કે કાશીમાં મૃત્યુ પામનારને શિવજી પોતે તારક મંત્ર આપે છે, તેથી યમરાજ પણ કાળ ભૈરવની પરવાનગી વિના કાશીમાં પ્રવેશ નથી કરી શક્તા. બીજી એક માન્યતા એવી છે કે જે કાળ ભૈરવથી રુઠી ગયો તે ઈચ્છે તો પણ ક્યારેય કાશીની બહાર જઈ શક્તો નથી. આથી જ બનારસનો દરેકે દરેક વ્યક્તિ શહેર છોડ્યા પહેલા અને પરત ફરતી વખતે દરબારમાં હાજરી લગાવે છે. કાશી વિશ્વનાથના દર્શન પણ ત્યારે જ પૂર્ણ ગણાય છે જ્યારે કાળ ભૈરવના દર્શન કરવામાં આવે છે. કાશી ખંડના 31માં આધ્યાયમાં ભૈરવની મહિમાનો સંપૂર્ણ ઉલ્લેખ છે. 8 વારની પરીક્રમા થી પાપ મુક્તિ થાય છે અને 6 મહિનાથી પૂજા થી સિદ્ધિ એટલે કે ખાસ શક્તિ મળે છે.
કાશીના કોટવાળ કાળ ભૈરવને પ્રસાદમાં દારુ ચડાવવા પાછળના ત્રણ મુખ્ય કારણો છે.
કાળ ભૈરવ માત્ર પૌરાણિક દેવતા નથી પરંતુ તંત્ર સાધનાના મુખ્ય દેવતા છે. તંત્રના વામ માર્ગમાં પાંચ વસ્તુઓ દ્વારા તેઓ પૂજાય છે, જેને ‘પંચમકાર’ કહેવાય છે. મદ (મદિરા, દારુ), માંસ, મત્સ્ય (માછલી), મુદ્રા (શેકેલુ અનાજ) અને મૈથુન. આ માર્ગનો તર્ક એ છે કે સામાન્ય માણસ જે વસ્તુથી ડરે છે કે ધૃણા કરે છે તે જ ઈશ્વરને અર્પણ કરીને સાધક પોતાના ડર અને ધૃણા પર વિજય મેળવે છે. આ મંદિર સદીઓ સુધી કાપાલીકોનો અડ્ડો રહ્યો. કાપાલિકો શિવના એ સાધકો છે જેઓ હાથમાં ખોપડી લઈને સ્મશાનમાં સાધના કરે છે. જેના દેવતા ભૈરવ છે. ત્યારબાદ ગોરખનાથી સાધુઓ અહીં આવ્યા. કહેવાય છે કે મંદિરમાં દારુ લાવવાની પરંપરા આ સાધુઓની સાથે આવી અને ભક્તોએ તેને રીત બનાવી લીધી.
કાળ ભૈરવ શિવના ક્રોધમાંથી જન્મ્યા છે. તેમણે બ્રહ્મહત્યાનું પાપ ભોગવ્યુ છે. ખોપડી હાથમાં લઈને ભટક્યા. આવા દેવતા શાંત નહીં પરંતુ ઉગ્ર યૌદ્ધા છે. એક યોદ્ધાને સાદા, મીઠા, ભોગથી નહીં પરંતુ ઉગ્ર ભોગથી મનાવવામાં આવે છે. આથી ભૈરવને અડદની દાળ, સિંદૂર, પાન અને મદિરા જેવા ઉગ્ર ભોગ ધરાવવામાં આવે છે. એના માટે એવુ કહેવાય છે કે જે દેવતા ખુદ નિયમની બહાર છે તેમને નિયમ મુજબનો પ્રસાદ કેવી રીતે ચડે?
બનારસના પંડિતોનો એક વર્ગ માને છે કે શાસ્ત્રો અનુસાર સામાન્ય ભક્તો માટે કાલ ભૈરવને મધ, રોટ (જાડી મીઠી રોટલી) અને અડદની વસ્તુઓ ચઢાવવાનો જ નિયમ છે. નહીં કે દારુ. તેમના અનુસાર દારૂ એ શ્મશાનમાં સાધના કરતા તાંત્રિકોની વસ્તુ છે, આ જોઈને કોઈ વ્યક્તિએ તેને એકવાર મંદિરમાં ચઢાવી. તેનુ જોઈને સામાન્ય લોકોએ ચડાવવાનું- નકલ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે દારુ ચડાવવાની પરંપરા નહીં નકલ છે? વાસ્તવમાં ભક્તો તેમને હલવો, ખીર, ગુલગુલા અને જલેબીનો ભોગ પણ ચઢાવે છે અને તે પ્રસાદ કાળા કૂતરાને ખવડાવવામાં આવે છે.
અહીં પણ કાળ ભૈરવને શરાબનો ભોગ લગાવવાને લઈને અનેક પ્રકારની માન્યતાઓ અને કથાઓ છે. કેટલીક કિવદંતી અનુસાર મદિરાનો ભોગ લગાવવાની શરૂઆત રાજા વિક્રમદિત્યના શાસનકાળથી શરૂ થઈ હતી. કેટલીક કિવદંતી એવી છે કે કાળ ભૈરવને તાંત્રિકોના દેવતા પણ કહેવામાં આવે છે. ત્યારે તાંત્રિક ક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાંથી જ મદિરાનો ભોગ લગાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે.
ભોપાલ નિવાસી જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે કૈળ ભૈરવની પૂજા તાંત્રિક પરંપરા સાથે જોડાયેલી છે. જેમા દારુને પંચમકાર તત્વોમાંથી એક મનાય છે. તંત્ર ક્રિયામાં દારૂનો ઉપયોગ સાંસારિક બંધનોમાંથી મુક્ત કરવા માટે કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે તેનો ઉપયોગ શારીરિક અને માનસિક સંયમ બનાવે છે. તેનાથી સાધનામાં અડચણ નથી આવતી, આ જ કારણે તેનો ઉપયોગ ભોગ લગાવવામાં કરવામાં આવે છે.
અન્ય માન્યતા એવી છે કે કાળ ભૈરવ તામસિક પ્રવૃતિના દેવતા છે. આથી તેમને મદિરાનો ભોગ લગાવવામાં આવે છે. અહીં મદિરા ચઢાવવી એ સંકલ્પ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. તો એક માન્યતા એવી છે કે વિક્રમાદિત્ય ના શાસનકાળમાં કોઈએ રાજાની પૂજાને ભંગ કરવા માટે ભોગમાં મદિરા નાખી દીધી હતી. જ્યારે આ મદિરા ચડાવાઈ તો ભૈરવ ક્રોધિત થઈ ગયા. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય એ કાળ ભૈરવની વિશેષ પૂજા કરી. જેનાથી તેઓ પ્રસન્ન થયા અને તેમને મદિરાનો ભોગ ચડવા લાગ્યો.
કાળ ભૈરવ મંદિર ને લઈને એવો દાવો કરવામાં આવે છે કે તેમને ચડાવવામાં આવેલી દારુ મૂર્તિ પી જાય છે. દાવો તો એવો પણ કરાય છે કે મૂર્તિ દ્વારા દારુ પીવાનો અવાજ પણ આવે છે અને જે પાત્રમાં મદિરા હોય છે તે પાત્ર ખાલી થઈ જાય છે. જો કે પાત્રમાં કાઢેલી દારુ ક્યા જાય છે તેના વિશે કોઈ જાણકારી આજ સુધી મળી નથી. મહાકાલ મંદિરને લઈને અનેક રહસ્યો પૈકી આ આ પણ ગૂઢ રહસ્ય છે.