Bhakti: ગુરુ (GURU) ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય ।
બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય ।।
સંત કબીરજીએ સાચું જ કહ્યું છે, કે ગુરુ અને ગોવિંદ બંને સાથે ઉભા હોય ત્યારે સર્વ પ્રથમ દર્શન તો ગુરુવરના જ હોય. કારણ કે તેમના આશીર્વાદ વિના ભલાં ગોવિંદનું શરણું ભક્તજનોને ક્યાંથી મળવાનું ! અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો અવસર નજીક છે ત્યારે આજે આપણે વાત કરવી છે ગુરુ માહાત્મ્ય પર. શું તમને ખબર છે કે ગુરુના પણ પ્રકાર હોય છે ? અને આ વિવિધ પ્રકારના ગુરુઓમાંથી કોનું શરણું સર્વોત્તમ મનાય ? આવો, આજે આપણે જાણીએ કે શ્રેષ્ઠ ગુરુ એટલે કેવાં ગુરુ ?
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુઃ, ગુરુદેવો મહેશ્વરઃ ।
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ।।
ભારતીય પુરાણોમાં ગુરુનો મહિમા ઈશ્વરની સમકક્ષ વર્ણવાયો છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે ત્રિદેવો જ સૃષ્ટિના કર્તાહર્તા મનાય છે. પણ, ગુરુનો મહિમાગાન કરતાં પુરાણોમાં તો શ્રેષ્ઠ ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સમકક્ષ ગણાવાયા છે. તે જ સાક્ષાત બ્રહ્મ મનાય છે. માટે જીવનમાં સર્વ પ્રથમ નમન તો ગુરુવરને જ હોય. પણ, શું તમે જેમને ગુરુ માનો છે તેમના આવાં ત્રિદેવ સમાન ગુણ છે ? આ વાતને ગુરુના પ્રકાર પરથી સમજી શકાય છે.
આપણાં પુરાણોમાં અને પ્રચલિત માન્યતાઓમાં ગુરુના પણ પ્રકાર વર્ણવાયા છે. તે અનુસાર ગુરુના કુલ સાત પ્રકાર છે. સૂચક ગુરુ, વાચક ગુરુ, બોધક ગુરુ, નિષિદ્ધ ગુરુ, વિહિત ગુરુ, કારણખ્ય ગુરુ અને સદગુરુ.
સૂચક ગુરુ
સૂચક ગુરુ એટલે એવાં ગુરુ કે જે તેમની વાકચાતુર્યતાથી સૌને આંજી દે છે. અલબત્, તેઓ હૃદયથી કશું જ નથી કહેતા !
વાચક ગુરુ
વાચક ગુરુની વાત કરીએ તો તેમનું જ્ઞાન વધુ તીવ્ર તો નથી હોતું. પરંતુ, તેઓ શાસ્ત્રો વાંચી-વાંચીને લોકોને સમજણ આપે છે.
બોધક ગુરુ
બોધક ગુરુ એક એવાં ગુરુ છે કે જે કંઠી બાંધીને શિષ્યો બનાવે છે. અને તેને પંચાક્ષર મંત્ર આપે છે.
નિષિદ્ધ ગુરુ
લોકોની લાગણીઓ સાથે રમત કરતાં ગુરુ શાસ્ત્રોમાં નિષિદ્ધ મનાય છે. એટલે કે આવાં ગુરુ ક્યારેય ન કરવા ! વશીકરણ કે મેલી વિદ્યાઓ કરનારા લોકોને ગુરુ તરીકે નિષિદ્ધ ગણાવાયા છે.
વિહિત ગુરુ
વિહિત ગુરુની વાત કરીએ તો તે એવાં ગુરુ મનાય છે કે જે શિષ્યોને વેદાંતની સમજ આપે છે. અને સંસારને દુ:ખનું કારણ માની વૈરાગ્યને મહત્વ આપે છે.
કારણખ્ય ગુરુ
વેદાંત અને શાસ્ત્રોનો અર્થસભર ઉપદેશ આપનારા ગુરુ કારણખ્ય ગુરુ તરીકે પૂજાય છે. તે સંસારની પીડાઓના શમન માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
સદગુરુ
ગુરુના સાતેય પ્રકારમાં સર્વોત્તમ તો મનાય છે સદગુરુ. સદગુરુ એક શાંત તપસ્વી સમાન હોય છે. જે તેમના શિષ્યોના પ્રશ્નોનું પૂર્ણપણે સમાધાન કરે છે. કહે છે કે મુક્તિની કામના રાખનાર વ્યક્તિએ હંમેશા સદગુરુનું જ શરણું લેવું જોઈએ. આવાં સદગુરુ વ્યક્તિના ભવના ભવ તારી દેતા હોય છે.
આ પણ વાંચો : ભગવતીના આઠ નામનું જયા પાર્વતી વ્રત પર કરો અનુષ્ઠાન, મેળવો અખંડ સૌભાગ્યના આશીર્વાદ