ઘર એટલે માત્ર સરનામું જ નહીં પરંતુ, ખુશીઓનું સરનામું. ભારતીયો (INDIAN) માટે ઘર એ માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ, તેમના અસ્તિત્વની ઓળખ છે અને એટલે જ આ ઘરને બનાવવા માટે તેને સજાવવા માટે અને તેને સકારાત્મક ઊર્જાથી ભરેલું રાખવા માટે તેઓ જીવનભર દોડતા જ રહે છે. તમે પણ કદાચ આવું કર્યું જ હશે. પણ, શું તમારા ઘરમાં ખુશીઓ અકબંધ છે ખરી?
આજે તો મોટાભાગે લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ ઘરનું નિર્માણ કરાવતા હોય છે. એટલું જ નહીં ઘરમાં રહેવા જતાં પૂર્વે શાસ્ત્રોક્ત વિધિથી વાસ્તુપૂજન પણ કરાવતા હોય છે પણ તેમ છતાં એવું બને કે ઘર વાસ્તુ અનુરૂપ હોવા છતાં ઘરમાં સતત કલેશ જ વર્તાયા કરે! બધું જ બરાબર ચાલી રહ્યું હોય અને પછી એકાએક મુસીબતો આવવા લાગે! એટલું જ નહીં ધીમે ધીમે આર્થિક સંકડામણનો પણ સામનો કરવો પડે! ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થઈ રહ્યું ને ?
જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારા ઘરમાં રાખેલી વસ્તુઓ પર એક નજર ફેરવી લો. જી હાં ઘણીવાર ઘરમાં જ રહેલી એક નાનકડી વસ્તુ પણ વ્યક્તિની પ્રગતિમાં અવરોધક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેને લીધે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે! એટલે નકારાત્મક ઊર્જાને ઉભી કરતી વસ્તુઓને ક્યારેય પણ ઘરમાં ન જ રાખવી જોઈએ. આવી વસ્તુઓની હાજરીથી તો વાસ્તુપૂજા પણ નિષ્ફળ જતી રહે છે!
ઘરની અને ઘરમાં રહેનારાઓની પ્રગતિને અવરોધતી આવી વસ્તુઓ વિશે વાત કરીએ ત્યારે સર્વ પ્રથમ જ ધ્યાન દોરવું પડે ઘરની સફાઈ પર. કહે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મી નિવાસ કરે છે! જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ ખુશીઓનો વાસ થતો હોય છે! એટલે સૌથી વધુ જરૂરી એ છે કે નિયમિત ઘરની સફાઈ કરવામાં આવે.
કેટલાંક લોકો જાળાને કરોળિયાનું ઘર સમજે છે અને એને તોડતા અચકાય છે. જો કે, કરોળિયા જાળાનું નિર્માણ રહેવા માટે નહીં, પરંતુ, શિકારને ફસાવવા માટે કરે છે. એટલે બિલ્કુલ અચકાયા વિના સૌથી પહેલાં તો ઘરના જાળાને જ દૂર કરી દો. ઘરમાં જાળા બિલ્કુલ જ ન હોવા જોઈએ. કેમ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના જાળા તો સારા દિવસોને પણ ખરાબ દિવસોમાં ફેરવી દે છે !
ગંદકીની જેમ જ ભંગારની વસ્તુઓ પણ વાસ્તુદોષનું નિર્માણ કરે છે. કહે છે કે ઘરમાં તૂટેલી વસ્તુઓ, અરીસા કે તૂટેલાં ઈલેક્ટ્રોનિક્સ પણ ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઊભી થાય છે અને વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ
આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !