વાસ્તુશાસ્ત્ર (Vastushashtra) અનુસાર ઘરમાં રાખેલી ઘણી વસ્તુઓને બદલવાથી ખૂબ જ શુભ પરિણામ જોવા મળે છે. જો જોવામાં આવે તો વાસ્તુ દોષ (Vastu dosh) જીવનમાં આવી રહેલ અનેક સમસ્યાઓનું કારણ હોઇ શકે છે. જે લાંબા સમય સુધી પરેશાન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં (Home) વસ્તુઓ ક્યાં રાખવી તે માટે ઘણા મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ઘરમાં મૂકવાના ચિત્રો કે પેઇન્ટિંગ્સ વિશેની, જો તેને વાસ્તુ અનુસાર લાગાવવામાં ન આવે તો એવું માનવામાં આવે છે કે આપણા જીવનમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ શારીરિક સમસ્યાઓ પણ આવે છે.
ઘણી વખત લોકો ઘરમાં એવા પેઇન્ટિંગ લગાવે છે, જે ફક્ત આપણા માટે જ નહીં પરંતુ આપણા પરિવાર માટે પણ અશુભ હોય છે. આ પેઈન્ટિંગ્સના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે અને તેના કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ઘણા લોકોને પોતાના ઘર અને દુકાનમાં સુંદર તસ્વીરો લગાવવાનો શોખ હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર બધા પ્રકારના ચિત્રો ઘર અથવા દુકાનમાં લગાવવા શુભ હોતા નથી. વાસ્તુશાસ્ત્રમાં અમુક એવા ચિત્રો છે, જેને ઘરમાં લગાવવાથી પરિવારની શાંતિ છીનવાઇ શકે છે તો ચાલો વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ ચિત્રો વિશે જાણીએ.
ડુબતા જહાજના ચિત્રો
ડુબી રહેલ હોડી કે જહાજના ચિત્રો પોતાના ઘરમાં ક્યારેય પણ રાખવા જોઈએ નહીં. આ પ્રકારના ચિત્રો રાખવાથી તમારું સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી શકે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એવી કોઈપણ તસ્વીર જો તમારા સગા-સંબંધીના ઘરમાં છે, તો તેને પણ તુરંત જ આ ચિત્રો હટાવવાનું કહેવું જોઇએ. કારણ કે આવા ચિત્રો આપના પારિવારિક સંબંધો પર પણ ખરાબ અસર કરે છે.
તાજમહેલના ચિત્રો
તાજમહેલ દુનિયાની આઠ અજાયબીમાંથી એક અજાયબી ગણાય છે. તે ખૂબ સુંદર હોવાની સાથોસાથ મુમતાજની કબર પણ છે. આ તાજમહેલના ચિત્રો અથવા તેનો શો-પીસ ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. કારણ કે તે મૃત્યુ સાથે જોડાયેલ છે એટલા માટે તેને ઘરમાં બિલકુલ પણ રાખવું જોઈએ નહીં.
રડતા બાળકના ચિત્રો
બાળકોને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. હસતા બાળકના ચિત્રો ઘરમાં રાખવામાં આવે તો તે સૌભાગ્યનું પ્રતિક ગણાય છે. એટલા માટે જ ઘરમાં બાળકોના રડતા ચિત્રો ન લગાવવા જોઇએ. તે લગાવવાથી આપણું દુર્ભાગ્ય વધે છે. આ પ્રકારના ચિત્રો ઘર અથવા દુકાનમાં લગાવો છો તો તે આપના માટે અશુભ માનવામાં આવે છે. આજકાલ લોકો મોર્ડન આર્ટના નામ ઉપર અજીબોગરીબ પ્રકારના ચિત્રો ઘરમાં લગાવતા હોય છે.
મહાભારતના ચિત્રો
મહાભારત નામનો ગ્રંથ હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. મહાભારત હિંદુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. મહાભારત નામનો ગ્રંથ પૂજનીય હોવા છતાં પણ તેને ઘરમાં રાખવો અશુભ માનવામાં આવે છે. કારણ કે મહાભારત પારિવારિક ઝગડા અને કલેશની કહાની છે. આ ગ્રંથમાં થયેલ યુદ્ધ સાથે સંબંધિત કોઈપણ ચિત્ર ઘરમાં રાખવામાં આવે તો તે ઘરમાં પરિવારના લોકો વચ્ચે લડાઈ-ઝઘડાની સ્થિતિ બને છે. એટલા માટે આ પ્રકારના ચિત્રોને ઘરમાં રાખવા જોઈએ નહીં.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)