દેવાધિદેવ મહાદેવ (Mahadev) એ તો ભોળાનાથ (Bholenath) તરીકે પૂજાય છે. અને કહે છે કે આ ભોળાનથ તો એટલાં ભોળિયા છે કે તેમના ભક્તો પાસે વિશેષ કશું જ નથી માંગતા. આસ્થાથી અર્પણ કરેલાં જળ માત્રથી જ શિવજી તો તેમના ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. એટલું જ નહીં, તે તો ભક્તોની કામનાઓની પણ પૂર્તિ કરી દે છે. અલબત્, સૌથી મહત્વની બાબત એ છે કે આ જળ યોગ્ય વિધિએ અર્પણ થાય તે ખૂબ જ જરૂરી છે.
મહાદેવના ભક્તો નિત્ય જ મહાદેવનો જળાભિષેક કરતાં જ હશે. પંચામૃત, દૂધ કે જો બિલ્વપત્રથી પૂજા ન થઈ શકે તો પણ આસ્થાથી જળ તો અર્પણ કરતાં જ હશે. પરંતુ, ઘણાં ઓછાં શ્રદ્ધાળુઓને એ વાતનો ખ્યાલ હશે કે ભોળાશંભુને આ જળ અર્પણ કરવના પણ કેટલાંક નિયમ છે. અને જો આ નિયમાનુસાર જ શિવજીનો જળાભિષેક થાય તો તે ભક્તો પર સવિશેષ કૃપાની વૃષ્ટિ કરી દે છે. ત્યારે આવો આજે તે જ સંદર્ભે જાણકારી મેળવીએ.
પૂજા માટે જેમ જળની પવિત્રતા જરૂરી છે, તે જ રીતે પૂજાપાત્રની શુદ્ધતા પણ અત્યંત જરૂરી છે. એટલે કે શિવજીને જળ અર્પણ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું પણ એટલું જ જરૂરી છે કે કયા કળશથી તેમને જળ અર્પણ કરવું ? શિવાભિષેક માટે તાંબાનું પાત્ર સૌથી શ્રેષ્ઠ મનાય છે. તેમજ કાંસા કે પછી ચાંદીના પાત્ર દ્વારા કરવામાં આવતો અભિષેક પણ ફળદાયી બની રહે છે. પરંતુ, યાદ રાખો કે ભૂલથી પણ સ્ટીલના વાસણથી શિવજીનો અભિષેક ન કરવો જોઈએ. એ જ રીતે તાંબાના પાત્રથી દૂધનો અભિષેક કરવો પણ અનિષ્ટકર મનાય છે !
મહાદેવને જ્યારે જળ અર્પણ કરો ત્યારે એ વાતનું સૌથી વધુ ધ્યાન રાખો કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ક્યારેય પણ જળ અર્પણ ન કરો ! પૂર્વ દિશા એ ભગવાન શિવનો મુખ્ય પ્રવેશદ્વાર મનાય છે. માન્યતા અનુસાર આ દિશામાં મુખ કરવાથી શિવજીના દ્વારમાં અવરોધ ઉભો થાય છે. અને તે ક્રોધિત પણ થઈ શકે છે. એટલે હંમેશા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ શિવજીને જળ અર્પણ કરો. કહે છે કે આ દિશામાં મુખ રાખીને જળ અર્પણ કરવાથી શિવ અને પાર્વતી બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
દેવાધિદેવને ખૂબ જ શાંત ચિત્ત સાથે ધીમે-ધીમે જળ અર્પણ કરવું જોઈએ. કહે છે કે ધીમી ધારથી જ્યારે મહાદેવ પર અભિષેક કરીએ છીએ, ત્યારે મહાદેવ વિશેષ પ્રસન્ન થાય છે. યાદ રાખો, ભોળાનાથને ક્યારેય ખૂબ જ ઝડપથી કે પછી મોટી ધારાથી જળ અર્પણ ન કરવું જોઈએ.
શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે હંમેશા બેસીને જ ભોળાનાથને જળ અર્પણ કરો. રુદ્રાભિષેક કરતા સમયે પણ ક્યારેય ઉભા ન જ રહેવું જોઈએ. માન્યતા અનુસાર ઉભા રહીને મહાદેવને જળ અર્પણ કરવાથી તે શિવજી સુધી નથી પહોંચતું ! એટલું જ નહીં, તેનું પુણ્ય ફળ પણ પ્રાપ્ત નથી થતું !
1. યાદ રાખો, શિવજીને ક્યારેય પણ શંખ દ્વારા પાણી અર્પણ ન કરવું જોઈએ. શિવપુરાણાનુસાર જોઈએ તો મહાદેવે શંખચુડ નામના દૈત્યનો વધ કર્યો હતો. માન્યતા એવી છે કે શંખચુડની અસ્થિઓમાંથી જ શંખની ઉત્પત્તિ થઈ છે. એ જ કારણ છે કે શિવજીને ક્યારેય શંખ દ્વારા જળ અર્પણ કરવામાં નથી આવતું.
2. મહેશ્વરને જળ અર્પણ કરતી વખતે પાત્રમાં બીજું કશું જ ન ઉમેરવું જોઈએ. એટલે કે, પુષ્પ, ચોખા કે કંકુ-ચંદન ઉમેરીને મહાદેવને ક્યારેય પણ જળ અર્પણ ન કરવું જોઈએ. માન્યતા અનુસાર જળમાં કોઈપણ પ્રકારનો પદાર્થ ઉમેરવાથી તેની પવિત્રતા ઓછી થઈ જાય છે. એટલે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને હંમેશા એકલું જ જળ અર્પણ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ આજે અચૂક કરો આ વ્રત, શિવ, શક્તિ અને સોમદેવના મળશે આશીર્વાદ !
આ પણ વાંચોઃ દેવી-દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા અર્પણ કરો આ પ્રસાદ !