સૂર્ય(SUN) દરેક રાશિમાં લગભગ એક મહિનો રહે છે. સૂર્ય જ્યારે ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી લગભગ ત્રીસેક દિવસનો સમય ધનુર્માસ તરીકે ઓળખાય છે. આપણે તેને ધનારક માસ કહીએ છીએ. 15 ડિસેમ્બરથી લઈ 14 જાન્યુઆરી સુધીનો સમય ધનારક માસ કે કમુહૂર્તાનો સમય છે. જે ખરમાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અત્યારે એ જ ખરમાસ ચાલી રહ્યો છે એટલે કે કમુરતા ચાલી રહ્યા છે.
આપણે કોઈ પણ માંગલિક કાર્યો કે શુભ કાર્ય કે સારી શરૂઆત પણ આ દિવસો દરમિયાન નથી કરતાં ! આ સમયગાળામાં સગાઈ, લગ્ન જેવા માંગલિક કાર્યો કે વાસ્તુની કોઈ જ ધાર્મિક વિધિ લોકો નથી કરતાં. પણ આ કમુહૂર્તામાં એવું પણ કઈંક છે જે તમે કરી શકો છો અને તેના દ્વારા આપને પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ કમુહૂર્તામાં આપનું કલ્યાણ થઈ શકે છે !આજે આપણે જાણીશું એ બાબતો વિશે કે જે આપ આ ધનુર્માસમાં કરી શકો છો. અને તેનાથી આપને પ્રાપ્ત થશે સુખી સંસારના આશિષ. આવો આજે જાણીએ એ ઉપાય કે જે ધનારક માસમાં કરવામાં આવે તો આપને થશે યશ અને કિર્તીની પ્રાપ્તિ ! આવો જાણીએ કે કમુહૂર્તામાં કેવી રીતે કરી શકાય સ્વનું કલ્યાણ ?
સૂર્ય ઉપાસના
કહેવાય છે કે કમુહૂર્તા એટલે કે ધનારક માસમાં સૂર્ય દેવની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય દેવ એ આ સંસારની ઉર્જા છે, સૂર્ય છે તો જ ચેતના છે અને સૂર્ય છે તો જ સંસાર છે. આપણે સૂર્ય દેવ વગર તો સંસારની કલ્પના પણ ન કરી શકીએ. ત્યારે એવું કહેવાય છે કે ધનારક માસમાં તો અવશ્યપણે રવિવારે સૂર્ય દેવની આરાધના કરવી જોઈએ. અને જો શક્ય હોય તો સંપૂર્ણ ધનારક માસમાં સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. રવિવાર એ રવિ એટલે કે સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ કહેવાય છે એટલે ધનારક માસમાં રવિવારે સૂર્યને ખીર અર્પણ કરવી જોઈએ. અને શક્ય હોય એટલાં “ૐ આદિત્યાય નમ: ।” મંત્રનો જાપ કરવો જોઈએ. કહેવાય છે કે સૂર્યની આરાધનાથી વ્યક્તિના વ્યવસાયના વિઘ્નો પણ દૂર થાય છે અને યશ તથા કિર્તીની પ્રાપ્તિ પણ થાય છે.
શ્રીવિષ્ણુની કૃપા
ધનારકમાસમાં દેવી લક્ષ્મી અને નારાયણની પૂજાનું પણ મહત્વ છે. કહેવાય છે કે ધનારક માસમાં લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી સર્જાતી અને સાથે જ સુસ્વાસ્થ્યના આશીર્વાદ પણ મળે છે. શક્ય હોય તો ધનારકમાસમાં નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો જોઈએ. અને વિષ્ણુપ્રિયા એટલે કે તુલસીના છોડનું પણ જતન કરવું જોઈએ.
શું અચૂક કરવું ?
જો કમુરતાના દિવસોમાં કઈ વધારે તમે ન કરી શકો તો નિત્ય સવારે સ્નાન કરી તમારા ઈષ્ટદેવ અને કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ. કમુહૂર્તાના દિવસોમાં દાન કર્મ કરવાનો પણ વિશેષ મહિમા છે. શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો જોઈએ. જો માત્ર આટલું પણ કરવામાં આવે તો પણ કમુરતામાં વ્યક્તિનું કલ્યાણ થઈ શકે છે.
આ પણ વાંચો: ધનારકમાં શા માટે નથી કરી શકાતા માંગલિક કામ ? જાણો ખરમાસના પ્રારંભની કથા !
આ પણ વાંચો: તમારી ગાડીમાં હાજર આટલી વસ્તુઓ તમને દરેક સંકટોથી રાખશે દૂર, જાણો અહી