આદિગુરુ શંકરાચાર્યજીએ કેવી રીતે કરી સનાતન ધર્મની રક્ષા ? સમજો શંકરાચાર્યજીના મહાન કાર્યોને

ભગવાન શિવનો અવતાર મનાય છે આદિગુરુ શ્રીશંકરાચાર્યજી. શ્રીશંકરાચાર્યજીએ સમસ્ત સંસારમાં સનાતન સંસકૃતિના સંસ્કાર અને શાસ્ત્રોની સમજ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય તેમના જીવન દરમિયાન કર્યું. દેશની ચારેય દિશામાં મઠની સ્થાપના કરી.

આદિગુરુ શંકરાચાર્યજીએ કેવી રીતે કરી સનાતન ધર્મની રક્ષા ? સમજો શંકરાચાર્યજીના મહાન કાર્યોને
Shankaracharyaji (symbolic image)
| Edited By: | Updated on: May 06, 2022 | 7:11 AM

આદિગુરુ શ્રીશંકરાચાર્યજી એટલે તો જાણે ભગવાન શિવનો સાક્ષાત અવતાર. સનાતન સંસ્કૃતિના ઉત્થાન અને હિન્દુ વૈદિક સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનો શ્રેય આદિગુરુ શ્રીશંકરાચાર્યજીને આપવામાં આવે છે. ભગવાન શિવ દ્વારા કળિયુગના પ્રથમ ચરણમાં તેમના ચાર શિષ્યોની સાથે જગદગુરુ આચાર્ય શંકરના રૂપમાં અવતાર લેશે તેવું વર્ણન પુરાણો અને શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.

વૈશાખ માસની શુક્લ પક્ષની પંચમી શ્રીશંકરાચાર્યજીનો જન્મ થયો હતો. જેમણે વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં યાત્રા કરીને જનમાનસને હિન્દુ ધર્મ તથા તેમાં વર્ણિત ઉપદેશોથી અને સંસ્કારોથી અવગત કરાવ્યા. તેમના દર્શને સનાતન સંસ્કૃતિને એક નવી ઓળખ આપી અને ભારતવર્ષમાં દરેક જગ્યા પર વેદોનું મહત્વપૂર્ણ જ્ઞાન લોકો સુધી પહોંચાડ્યું. શ્રીશંકરાચાર્યજી વિશે કહેવાય છે કે તેમણે માત્ર આઠ વર્ષની ઉંમરમા ચાર વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને બાર વર્ષની ઉંમરમાં તો દરેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ હતું એટલું જ નહીં સોળ વર્ષની ઉંમરમાં ઉપનિષદ જેવા ગ્રંથોના ભાષ્યોની રચના કરી. તેમણે ભારતવર્ષના ચાર ખૂણામાં ચાર મઠોની સ્થાપના કરી જે અત્યાર સુધી ખૂબ જ પ્રસિદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને તેના પર સ્થાન ગ્રહણ કરાનાર સંન્યાસીને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ ચાર સ્થાનો એટલે ઉત્તરમાં જ્યોતિપીઠ, દક્ષિણમાં શ્રૃંગેરી પીઠ, પશ્ચિમમાં દ્વારિકા શારદા પીઠ અને પૂર્વમાં જગન્નાથપુરી ગોવર્ધન પીઠ.

તેમણે નિર્ગુણ અને સગુણ બંનેનું સમર્થન કરીને નિર્ગુણ સુધી પહોંચવા માટે સગુણની ઉપાસનાને અપરિહાર્ય માર્ગ માન્યો. જ્યાં તેમણે અદ્વૈત માર્ગમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરી, ત્યાં જ નિર્ગુણ બ્રહ્મના સગુણ સાકાર રૂપમાં તેમણે ભગવાન શિવ, માતા પાર્વતી , વિઘ્નહર્તા ગણેશ તથા ભગવાન વિષ્ણુ ના ભક્તિ રસથી પૂર્ણ વિધ વિધ સ્તોત્રની રચના કરીને ઉપાસના કરી.

આ પ્રકારે આદિ શંકરાચાર્યજીને સનાતન ધર્મને ફરી સ્થાપિત કરવા તેમજ પ્રતિષ્ઠિત કરવાનો શ્રેય આપવામાં આવે છે તેમને દૃઢ વિશ્વાસ હતો કે જીવનની મુક્તિ માટે જ્ઞાન આવશ્યક છે. શંકરાચાર્યજીનું જીવન માત્ર 32 વર્ષનું જ હતું. આ નાની ઉંમરમાં જ તેમણે સનાતન પરંપરાઓ તથા આદિ સનાતન સંસ્કૃતિની વ્યવસ્થાઓને ફરી સ્થાપિત કરીને વૈદિક ધર્મની ફરી સ્થાપના કરી. તેમના દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વ્યવસ્થા આજે પણ સંતો અને હિન્દુ સમાજને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતીય સંસ્કૃતિના વિકાસ તેમજ સંરક્ષણમાં આદ્ય શંકરાચાર્યજીનું વિશેષ યોગદાન રહેલું છે. તેમણે ભારતીય સંસ્કૃતિ તથા ભારત રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધી રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)