અહીં ભક્તોને ભગવદ્ ગીતાના મૂર્તિ રૂપના થાય છે દર્શન ! જાણો, અમદાવાદના એકમાત્ર ગીતા મંદિરનો મહિમા

|

May 12, 2022 | 8:05 AM

પુસ્તક રૂપી ગીતાજીને તો આપે પણ જોયા હશે અને વાંચ્યા હશે. પણ ગીતા મંદિરમાં ભગવદ્ ગીતા મૂર્તિ રૂપ ધરી ભક્તોને દર્શન આપી રહ્યા છે. અહીં મંદિરમાં દેવીની ચતુર્ભુજ પ્રતિમા પ્રસ્થાપિત છે. અને તેમણે હાથમાં વેદ ધારણ કરેલાં છે.

જો તમે ગુજરાતમાં રહેતા હોવ અને તમે ગીતા મંદિરનું નામ ન સાંભળ્યું હોય એવું તો બને જ નહીં. કારણ કે અમદાવાદની ઓળખ સમું આ એ સ્થાન છે કે જે ગુજરાતના વિવિધ સ્થળોને પરિવહન દ્વારા અમદાવાદ સાથે જોડે છે. પણ અમારે આજે અહીં આવેલાં એ સ્થાનક વિશે વાત કરવી છે, કે જે ભક્તોને જીવનના સાચા પથ સાથે જોડે છે. આ એ સ્થાનક છે કે જેને લીધે જ અમદાવાદનો આ વિસ્તાર ગીતા મંદિરના નામે ખ્યાત થયો છે. કે જ્યાં શ્રદ્ધાળુઓને થઈ રહ્યા છે ભગવદ્ ગીતાના મૂર્તિ રૂપના દર્શન !

શ્રીમદ્ ભગવત ગીતામાં સમસ્ત સંસારનો સાર સમાયેલો છે. કહે છે કે જે જીવ ગીતાજીને વાંચીને તેને આત્મસાત કરી લે છે, તેને પછી જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી પરેશાન નથી કરતી. કારણ કે, એ ગીતાજી જ તો છે કે જેની અંદરથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે. અને એમાં પણ જ્યારે આ જ ગીતાજીના મૂર્તિ રૂપના દર્શનનો ભક્તોને લાભ મળી જાય છે, ત્યારે જીવન ધન્ય બની જાય છે.

અમદાવાદના એસટી સ્ટેન્ડ અને તેની ઓળખ સમા જેકોરબાઈ ટાવરને લોકો ગીતા મંદિરના નામે જ સંબોધે છે. અને વાસ્તવમાં તેનું કારણ છે અહીં આવેલું, વિશ્વભરમાં ખ્યાતિ પામેલું ગીતા મંદિર. કે જેની મધ્યે શ્રદ્ધાળુઓને દેવી ગીતાના, શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂર્તિ રૂપના દર્શન થઈ રહ્યા છે.

પુસ્તક રૂપી ગીતાજીને તો આપે પણ જોયા હશે અને વાંચ્યા હશે. પણ, અહીં દેવી ગીતા મૂર્તિ રૂપ ધરી ભક્તોને દર્શન આપી રહ્યા છે. ગીતા મંદિરમાં દેવીની ચતુર્ભુજ પ્રતિમા પ્રસ્થાપિત છે. અને તેમણે હાથમાં વેદ ધારણ કરેલાં છે. ભાવવાહી નેત્ર અને હોઠો પર સ્મિત સાથેનું દેવીનું આ રૂપ અત્યંત વાત્સલ્યમયી ભાસે છે. અહીં મૂર્તિ રૂપ ગીતાજી ઉપરાંત દિવાલો પર ગીતાજીના અધ્યાય પણ દૃશ્યમાન છે. તો, અહીં આવેલ વિશાળ પ્રાર્થનાસભા ખંડમાં પુરાણોક્ત કથાઓનું પણ ચિત્રાંકન કરવામાં આવ્યું છે.

ભગવદ્ ગીતાના પરમ પ્રચારક સ્વામી વિદ્યાનંદજીની પ્રેરણાથી વર્ષ 1940માં અમદાવાદમાં ગીતા મંદિરનું નિર્માણ થયું હતું. આજે તો સમગ્ર ભારતમાં 18 જેટલાં ગીતા મંદિર વિદ્યમાન છે. પણ, તે સૌમાં અમદાવદાના ગીતા મંદિરની આગવી જ મહત્તા છે ! કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે અહીં માતાના દર્શન કરી લે છે, તે વારંવાર અહીં આવતા સ્વયંને રોકી જ નથી શકતી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Video