
અષાઢ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવાતી ગુરુ પૂર્ણિમા આ વર્ષે 29 જુલાઈ, 2026ના રોજ મનાવવામાં આવશે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસ ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને આશીર્વાદ મેળવવાનો પવિત્ર અવસર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે કરવામાં આવેલા દાન અને સેવાથી ભગવાન વિષ્ણુ તેમજ ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સનાતન ધર્મમાં દરેક પૂર્ણિમાનું પોતાનું આગવું મહત્વ છે, પરંતુ અષાઢ પૂર્ણિમાને વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ પણ ઉજવવામાં આવતી હોવાથી તેને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે વેદ વ્યાસે વેદો અને પુરાણોનું સંકલન કરીને સમાજને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપ્યો હતો. તેથી ગુરુ પૂર્ણિમા જ્ઞાન, સંસ્કાર અને ગુરુ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને પોતાના ગુરુની પૂજા કરે છે. આ દિવસે દાન, જપ, તપ અને સેવા કરવાનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે આ દિવસે કરેલું દાન અનેકગણું પુણ્ય આપે છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ કરાવે છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે..
શાસ્ત્રોમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અથવા અનાજનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ઉપરાંત ફળોનું દાન કરવાથી પણ ભગવાન વિષ્ણુ અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે.
આ દિવસે પોતાના ગુરુ, શિક્ષક અથવા માર્ગદર્શક પ્રત્યે આદર વ્યક્ત કરીને ગુરુ દક્ષિણા અર્પણ કરવી જોઈએ. તેમની સેવા કરવાથી જીવનમાં સફળતા, જ્ઞાન અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. ગુરુનો આશીર્વાદ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ સરળ બનાવે છે.
પીળો રંગ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે સંકળાયેલો માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને પીળાં કપડાં અથવા પીળો ટુવાલ દાન કરવાથી શુભ ફળ મળે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે.
ગુરુ પૂર્ણિમાના દિવસે હળદર, ચણાની દાળ, ચણાના લોટના લાડુ અથવા અન્ય પીળી મીઠાઈઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.
ગુરુ પૂર્ણિમા જ્ઞાન અને શિક્ષણને સમર્પિત તહેવાર હોવાથી આ દિવસે ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, નોટબુક, પેન તથા અન્ય શૈક્ષણિક સામગ્રીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા દાનથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.
ચાંદીનો ચંદ્ર બાળકો માટે કેમ મનાય છે શુભ? જાણો આ જૂની પરંપરાનું સત્ય