હે હરિ, હે વહાલા, તમને અમે હરિ કીધા કારણ કે તમે દુ:ખ હરનારા છો અમે તો પાપ પુંજ છીએ.
પાપોકં પાપ કર્માહં પાપાત્મા પાપ સંભવ |
ત્રાહિમામ પુંડરિકાક્ષ સર્વ પાપ હરો હરિ ||
હે પ્રભુ અમે માન્યું અમે અપાર પાપ કર્યા હશે પણ તમને તો જગતે તારણહાર કીધા છે, તો હે હરિ હવે બસ આટલું કરો. ગિરિરાજ ધર્યો હતો તો હવે બસ કોરોનાને ધારણ કરો. માનવના હ્દયમાં બેસેલ ભય એવો ભય છે કે આનું કોઇ નિવારણ નથી તેનો તમે સંહાર કરો.
હે હરિ હવે બસ આટલું કરો રાધાનો વિલાપ, ગોપીનું આક્રંદ, યશોદાનું રૂદન, નંદબાબાનું મૌન, રોહિણીનું વહાલ, સખાઓની રમત આ બધું ભેગું કરી એકસાથે યાદ કરો અને જો અમારી રક્ષા ન કરી શકો એમ હોય તો અમારા દેહમાંથી પ્રયાણ કરો. તો હે હરિ હવે બસ આટલું કરો.
દ્રોપદીએ તમને અંતે જ્યારે પોકાર્યા ત્યારે તમે દ્વારિકામાં સત્યભામા સાથે બેઠાં હતા અને સત્યભામાજીને તમે કહ્યું, કે દ્રોપદી પોકારે છે. જે તેની રક્ષા નથી કરી શકતા તે એને કેમ નથી પોકારતી ? પણ જે તેની રક્ષા કરવા માટે તૈયાર બેઠો છે તેને દ્રોપદી કહે છે.
હે દ્વારકાવાસીન ગોપીજન વલ્લભપ્રાણ
કૌરવા પરિભુતામામ કિમ્ જાનાતિ કેશવ (મહાભારત)
જ્યાં દ્રોપદી આવું બોલ્યા અને તમે વસ્ત્રનું રૂપ ધારણ કરી વીંટાયા. ત્યારે તો વિલંબ ન કર્યો તો હવે કેમ આવું કરો હે હરિ હવે બસ આટલું કરો.
અર્જુનની કૌરવોથી રક્ષા કરી, વ્રજવાસીઓની અસુરોથી રક્ષા કરી, કુબ્જાની કુરૂપતાથી રક્ષા કરી, પાંડવોની દુર્વાસાજીના ક્રોધથી રક્ષા કરી તો અમારી કેમ નહીં ?
આટલું બોલ્યા પછી હવે મન શાંત થયું. કરી લીધો ઝઘડો એની જોડે. અમારે તો વહાલ કરવા અને વઢવાનું ઠેકાણું બસ એ જ છે. પરંતુ મિત્રો આપણે કેવા ભક્ત બનીએ તો ભગવાનને ગમે ગીતામાં કહ્યા પ્રમાણે સકામ, નિષ્કામ અને શુદ્ધ આ ત્રણમાંથી કેવા ભક્ત બનીએ તો પ્રભુને ગમે ? કેવી ભક્તિ કરીએ તો એને ગમે ?
નરસિંહ, મીરાં, રૂપ, સનાતન, હરિદાસ, કબીર, તુકારામ, અખો, જલારામ બાપા આ બધા શુદ્ધ ભક્ત છે. સાધુ-સંતો જે પોતાની માટે ક્યારેય કંઇ માગતા નથી તે નિષ્કામ ભક્ત છે અને જે માત્ર પોતાની જ માટે માગે છે તે સકામ ભક્ત છે.
મિત્રો તમે ભગવાનને આ વિપત્તિના સમયમાં કહેતા હશો કે હે પ્રભુ તમે ક્યાં છો ? પણ મને એમ લાગે છે કે આ વિપત્તિ ભગવાને આપણને કંઇક શીખવવા માટે મોકલી હશે. એક વાત ચોક્કસ છે કે ભગવાને આપણને કોરોના દ્વારા એક બીજા માટે પ્રાર્થના કરતા કરી દીધા છે. કોરોનાના આ કળિકાળમાં સંવેદના અને દયાને લોકોના હ્દયમાં જન્મ આપ્યો છે.
કઠોરમાં કઠોર વ્યક્તિ પણ આ કાળમાં સંવેદનશીલ દેખાયો છે ને આજ તો ભક્તિ છે આજ કૃષ્ણને રાજી કરવાની માસ્ટર કી છે. બીજાને માટે ઉદ્ભવતી સંવેદના અને દયા એ કૃષ્ણને ગમતા ગુણ છે અને એ જ ભક્તિ છે. વ્હાલા તમને ઘણું કહેવું છે, પરંતુ તે પહેલા તમારે ભક્તિની સાચી સમજણ કોને કહેવાય તે સમજવું ખૂબ જરૂરી છે. માનસમાં તુલસીદાસ લખે છે,
જાકે હ્દય ભગતિ જસી પ્રીતી |
પ્રભુ તહ પ્રગટ સદા તેહિં રીતી ||
જેના હ્દયમાં જેવી ભક્તિ અને પ્રિતી હોય છે. પ્રભુ ત્યાં તેના માટે સદા ત્યાંજ પ્રગટ થાય છે. વૈષ્ણવો આપણે ભક્તિ અને શ્રદ્ધાનો સાચો પ્રયોગ કરવાનો છે બીમારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે.
આ પણ વાંચો : અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !
આ પણ વાંચો : કન્યા ‘વિદાય’ સમયે કેમ પાછળ ફેંકે છે ચોખા ? જાણો, રસપ્રદ વિધિ પાછળનો ગૂઢાર્થ
Published On - 2:20 pm, Fri, 30 July 21