
ગુજરાતે એક ડાકોર (dakor) ગામ, ભક્ત થયો બોડાણો નામ
પત્ની જેની ગંગાબાઈ, તે પણ ભક્તિમાં રંગાઈ
હરતાં-ફરતાં ગાયે ગાન, મેળવવા ચાહે ભગવાન
ભગવાનને પામવાની ચાહના ભલાં કોને નથી હોતી ! એ ચાહના જ તો હોય છે કે જે ભક્તોને ભગવાન તરફ દોરી જતી હોય છે. પણ, ભક્ત બોડાણાની (bhakt bodana) ઘટનામાં તો કંઈક અલગ જ થયું. બોડાણાની ચાહના તો કંઈક એવી નીકળી કે વહાલો ખુદ બધું જ છોડીને, તેની પોતાની વસાવેલી દ્વારિકા (dwarka) છોડીને પહોંચી ગયો ડાકોર. ત્યારે આજે નંદ મહોત્સવના રૂડા અવસરે આવો, આપણે પણ આ જ પાવની ભૂમિની મહત્તાને જાણીએ.
મંદિર માહાત્મ્ય
ડાકોર ગામ એ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સ્થિત છે. અને અહીં વિદ્યમાન રણછોડરાયજીના મંદિર માટે જ તે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ મંદિર મધ્યે રણછોડરાયજીનું અત્યંત મનોહારી રૂપ પ્રસ્થાપિત થયું છે. ન માત્ર ગુજરાતમાંથી પરંતુ, સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ રણછોડરાયજીના દર્શન માટે ડાકોર આવે છે. રણછોડરાયજી અહીં ડાકોરના ઠાકોર તેમજ રાજા રણછોડના નામે પણ પૂજાય છે. કહે છે કે પ્રભુનું આ રૂપ એટલું તો સુંદર છે કે પ્રથમવાર દર્શન કરવા માત્રથી જ ભક્તોને તેની માયા લાગી જાય છે !
કેમ ડાકોર પધાર્યા શ્રીકૃષ્ણ ?
દંતકથા અનુસાર દ્વાપર યુગમાં આ ભૂમિ પર ડંકમુનિએ તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા. અને ત્યારબાદ તેમણે દેવાધિદેવને શ્રીકૃષ્ણ સાથે આ ધરા પર વિદ્યમાન થવા પ્રાર્થના કરી હતી. જેને લીધે મહેશ્વર ડંકેશ્વર સ્વરૂપે આ ધરા પર પ્રસ્થાપિત થયા. કહે છે કે શિવજીના વરદાનને પૂર્ણ કરવા કળિયુગમાં શ્રીકૃષ્ણ ડાકોરના ઠાકોર બની, રણછોડારય સ્વરૂપે આ ધરા પર બિરાજમાન થયા.
ડાકોરમાં રણછોડરાયનું આગમન !
ડાકોરમાં વિદ્યમાન રણછોડરાયજીની પ્રતિમા વાસ્તવમાં દ્વારિકાધીશની મૂળ પ્રતિમા હોવાની માન્યતા પ્રચલિત છે ! પ્રચલિત કથા અનુસાર 12મી સદીમાં આ ડાકોર ગામમાં રાજપૂત વિજયસિંહ નિવાસ કરતા. કે જેમને લોકો ભક્ત બોડાણાના નામે જ વધુ ઓળખે છે. ભક્ત બોડાણા અને તેમના પત્ની ગંગાબાઈનું મંદિર આજે પણ ડાકોરમાં હયાત છે. બોડાણા દ્વારિકાધીશના પરમ ભક્ત હતા. અને દર છ માસે હાથમાં તુલસી લઈ પગપાળા દ્વારિકા દર્શને જતા. જ્યારે તે સિત્તેર વર્ષના થયા ત્યારે તેમની અવસ્થા જોઈ પ્રભુને કરુણા પ્રગટી. દ્વારિકાધીશે બોડાણાને કહ્યું કે, “હવે તું જ્યારે આવે, ત્યારે ગાડું સાથે લઈને આવજે. હું તારી સાથે ડાકોર આવીશ. પછી તું ત્યાં જ મારા દર્શન કરજે !”
ભક્તે ભગવાનની આજ્ઞાને શબ્દસઃ પાળી. અને કહે છે કે દ્વારિકાધીશ સ્વયં દ્વારકા છોડી, સ્વયં ગાડું હંકારીને ડાકોર પહોંચ્યા. માન્યતા અનુસાર દ્વારિકાધીશ સંવત 1212માં દ્વારિકાથી ડાકોરમાં પધાર્યા હતા. દ્વારિકાધીશની મૂર્તિ પરત લઈ જવા ગુગળી બ્રાહ્મણો ડાકોરમાં આવ્યા. મૂર્તિ સંબંધી વિખવાદમાં બોડાણાએ પ્રાણ ખોયા. આખરે, મૂર્તિને દ્વારિકા પરત લઈ જવા ગુગળીઓએ એક યુક્તિ કરી. તેમણે બોડાણાની પત્નીને કહ્યું કે, “જો ભગવાનને ડાકોરમાં જ રાખવા હોય તો, મૂર્તિના ભારોભાર સોનું મૂકો.”
બોડાણાના પત્ની ગંગાબાઈ પાસે સોનાના નામે માત્ર નાકની વાળી હતી. તેમણે આસ્થા સાથે તે વાળી અને તુલસીદલ મૂર્તિની સામે ત્રાજવામાં મૂક્યા. ભાવના ભૂખ્યા કેશવ માત્ર તુલસી સાથેની એ વાળીએ તોળાઈ ગયા. અને દ્વારિકાધીશ એ રણછોડરાય બનીને ડાકોરમાં વિદ્યમાન થયા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)