શું તમારા ઘરમાં છે આ 6 વસ્તુઓ ? તેમાં છૂપાયું છે તમારી ખુશીનું રહસ્ય !

હાથીને (Elephant) શક્તિ અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે હાથીની પ્રતિમા કે તેની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ શુભ મનાય છે. તે ઘરની શોભા તો વધારે જ છે, સાથે જ ઘરમાં સમૃદ્ધિ પણ લાવે છે !

શું તમારા ઘરમાં છે આ 6 વસ્તુઓ ? તેમાં છૂપાયું છે તમારી ખુશીનું રહસ્ય !
Elephant idol
| Edited By: | Updated on: Feb 08, 2023 | 6:34 AM

દરેક વ્યક્તિ એવી ઇચ્છા રાખે છે કે તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી હંમેશા અકબંધ રહે. ત્યારે, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઇમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે કે જેને ઘરમાં રાખવાથી વ્યક્તિનો ભાગ્યોદય થઈ શકે છે ! આ એવી વસ્તુઓ છે કે જેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી તેને ખુશીઓથી, નવી ઊર્જાથી ભરી દે છે. એટલું જ નહીં, ઘરમાં, સુખ-શાંતિ અને સમૃદ્ધિને અકબંધ રાખે છે. ત્યારે આજે એવી જ 6 વસ્તુઓ વિશે વાત કરીએ. આખરે, કઈ છે આ 6 વસ્તુઓ ? આવો, જાણીએ.

નિત્ય ધૂપ કરો

ઘરમાં કે ઘરના મંદિરમાં ધૂપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ધૂપની સુગંધ ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરી દે છે. ધૂપ કરવાથી તેની સુગંધ હવામાં પ્રસરે છે અને ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. મોટાભાગે ઘરમાં ચંદનનો ધૂપ કરવો વધારે શુભ માનવામાં આવે છે.

વાંસ લગાવો

વાંસ કે બામ્બૂનો છોડ ઘરમાં લગાવી શકાય છે. ફેંગશુઇ અનુસાર ઘરમાં આ છોડ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે વાંસનો છોડ ઘરમાં સૌભાગ્ય અને શાંતિ લઇને આવે છે. તેના સિવાય મનીપ્લાન્ટ પણ ઘરમાં રાખી શકાય છે.

ઘોડાની નાળ

મોટાભાગના ઘરોમાં પ્રવેશ દ્વાર પર તમને ઘોડાની નાળ લગાવેલી જોવા મળશે. એવું એટલા માટે કરવામાં આવે છે કે ઘોડાની નાળ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ગુડલકનું નિશાન માનવામાં આવે છે.

શંખ

ઘરની આર્થિક સ્થિતિને સુધારવા માટે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-આરાધના કરવામાં આવે છે. પણ, જો આપ માતા લક્ષ્મીની વિશેષ કૃપા ઇચ્છતા હોવ તો આપે ઘરમાં શંખ લાવવો જોઈએ. માન્યતા અનુસાર પૂજાસ્થાનમાં શંખ રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી નિવાસ રહે છે.

હાથીની મૂર્તિ

હાથીને શક્તિ અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલે હાથીની પ્રતિમા કે તેની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ શુભ મનાય છે. હાથીની નાની સફેદ રંગની મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે અને સાથે જ તે જોવામાં પણ સુંદર લાગે છે. તે ઘરની શોભા તો વધારે જ છે, સાથે જ ઘરમાં સમૃદ્ધિ પણ લાવે છે !

મોરપીંછ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં મોરપીંછ રાખવું શુભદાયી નિવડે છે. તેને રાખવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે ઘરનું મંદિર. જો તમે ઘરના મંદિરમાં મોરપીંછ ન રાખી શકો તો મંદિરની આસપાસ પણ મોરપીંછ લગાવી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)