હિન્દુ પંચાંગ અનુસાર હોળી (HOLI) ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોળી અને તેના પછીના દિવસે ઉજવાતો પર્વ એટલે ધૂળેટી કે જેને આપણે રંગોનો તહેવાર કહીએ છીએ. હિન્દુ ધર્મ અનુસાર આ તહેવાર 2 દિવસ ઉજવવામાં આવે છે. જેના પહેલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે લોકો રંગવાળી હોળી રમતા હોય છે એટલે કે ધુળેટીની ઉજવણી કરતાં હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીના દિવસે કરવામાં આવતા ઉપાયો વ્યક્તિને શુભ ફળ પ્રદાન કરે છે. વ્યક્તિની તમામ મનોકામને પૂર્ણ કરે છે હોળીની સાંજ. જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન આપ આ દિવસે કેટલાક સરળ ઉપાયો દ્વારા લાવી શકો છો. આવો જાણીએ હોળીની રાત્રે કરવાના કેટલાક સરળ ઉપાયો.
જો ઘરમાં આર્થિક પ્રશ્ન છે તો તેનું સમાધાન પણ આજે મળી શકે છે. હોળીની રાત્રે ચંદ્રમા ઉદય પછી ઘરની છત પર કે ખુલ્લી જગ્યા પર જઈ ચંદ્રમાનું સ્મરણ કરતા કરતા ચાંદીની પ્લેટમાં મખાના અને ખજૂર લઇને શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરો. આ અર્પણ કર્યા પછી દૂધ વડે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. અર્ઘ્ય અર્પણ કર્યા પછી સફેદ મિઠાઇ તથા કેસર મિશ્રિત સાબુદાણાની ખીર ચંદ્રદેવને અર્પણ કરો. કહે છે કે હોળીની રાત્રિથી લઈ આવનારી દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધનું અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. માન્યતા છે કે આ સરળ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાયે છે અને નિરંતર સમૃદ્ધિ વધે છે.
જે કોઈ વ્યક્તિ વેપાર કે રોજગારમાં વૃદ્ધિની કામના રાખે છે તેઓ પણ હોળીની સાંજે આ સરળ ઉપાય કરી શકે છે. એકાક્ષી નારિયેળને લાલ કપડામાં ઘઉંના આસન પર સ્થાપિત કરો અને સિંદૂરથી તિલક કરો. પછી મૂંગાની માળાથી નીચે આપેલ મંત્રનો જાપ કરો.
“ૐ શ્રીં શ્રીં શ્રીં પરમ સિદ્ધિ વ્યાપાર વૃદ્ધિ નમ:”
ઉપરોક્ત મંત્રની 21 માળા જાપ કર્યા પછી આ પોટલીને દુકાન કે ધંધાના સ્થાન પર લટકાવી દેવી જોઈએ. કહેવાય છે કે તમારા રોજગાર ક્ષેત્રે આવનારા ગ્રાહકોની નજર પોટલી પર પડવી જોઈએ. તેનાથી તમારા ધંધામાં ધીમે ધીમે વૃદ્ધિ થશે.
જો તમે કોઇ પણ પ્રકારની બીમારીથી પિડાતા હોવ તો તેમના માટે પણ હોળીની રાત્રે કરવાનો એક ખાસ ઉપાય છે. કે જેના દ્વારા આપની બીમારી દૂર થઇ શકે છે. હોળીની રાત્રે આપે નીચે આપેલ મંત્રનો તુલસીની માળા વડે જાપ કરવાનો છે. માન્યતા છે કે આ જાપ માત્રથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે.
“ૐ નમો ભગવતે રુદ્રાય મૃતાર્ક મધ્યે સંસ્થિતાય મમ શરીર અમૃત કુરુ કુરુ સ્વાહા “
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : આ રીતે કરો હોળીની પૂજા, જરૂરથી પ્રાપ્ત થશે પરમાત્માની કૃપા !
આ પણ વાંચો : આ વિધિ સાથે કરો અષ્ટલક્ષ્મીની આરાધના, ઝડપથી જ પૂર્ણ થશે મનોકામના !