મહાદેવની(MAHADEV) કૃપાની પ્રાપ્તિ માટે ઉત્તમ અવસર એટલે સોમવાર. સોમવારે સૌ કોઈ શિવાલય જાય છે અને ભોળાનાથની ભક્તિ કરે છે. આ દિવસે લોકો દાન, હવન, વ્રત અને જાપ કરે છે. તેમના પર માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.
લોકો સોમવારનું વ્રત પણ કરતાં હોય છે. સોમવારનું વ્રત શિવજી અને સાથે જ ચંદ્રદેવ બંન્નેની કૃપાની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. ત્યારે આજના લેખમાં આ વ્રત સંબંધી જ આપણે કરીશું વાત. જાણીશું કે કેવા ફળની પ્રાપ્તિ કરાવે છે સોમવારનું વ્રત. સાથે જ જાણીશું કે આ વ્રત કરવાના નિયમો શું છે ?
1. ખાસ તો સ્ત્રીઓ અખંડ સૌભાગ્યના આશિષ, સંતાન પ્રાપ્તિ અને નિર્ધનતા દૂર કરવા સોમવારનું વ્રત કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. સોમવારનું વ્રત કરવાથી શિવ અને શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
2. માન્યતા છે કે આ વ્રત કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
3. આ વ્રત કરનારને યશ, કિર્તી અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
4. નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ કરાવનારું વ્રત મનાય છે સોમવારનું વ્રત.
5. સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની આર્થિક પરેશાની પણ મહાદેવ દૂર કરતાં હોવાની માન્યતા છે.
6. સોમવારનું વ્રત શિવને સમર્પિત મનાય છે એટલે કે સંસારના દરેક ભયમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે સોમવારનું વ્રત.
7. કેહવાય છે કે પૃથ્વીના તમામ તીર્થોના દર્શનનું પુણ્ય આ એક વ્રતમાં સમાયેલું છે. ભવિષ્યપુરાણમાં પણ સોમવારના વ્રતનો ઉલ્લેખ મળે છે.
8. માનસિક અશાંતિ તેમજ હ્દયની ચંચળતાને દૂર કરી હ્દયને શાંતિ પ્રદાન કરે છે આજનું વ્રત. જો આજે વિધિ વિધાન સાથે સોમદેવ એટલે ચંદ્રદેવનનું પૂજન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે સાથે જ શારિરીક સમસ્યાઓ પણ દૂર થાય છે.
9. આ વ્રત કોઇપણ સોમવારથી શરૂ કરી શકાય છે. શુક્લપક્ષના પ્રથમ સોમવારથી આ વ્રતનો પ્રારંભ કરવો જોઇએ. આ વ્રત વધારેમાં વધારે જેટલી સંખ્યામાં આપ કરી શકો તેટલા આપ કરી શકો છો. માન્યતા છે કે ઓછામાં ઓછા
10 સોમવારના વ્રત તો કરવા જ જોઈએ. શ્રેષ્ઠ તો એ રહેશે કે તમે જે માસમાં આ વ્રતની શરૂઆત કરો એ માસમાં જ તેની પૂર્ણાહૂતિ કરો. સોમવારે નિત્યક્રમ કામ પછી ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ શિવાલયમાં જઈ શિવજીનો શુદ્ધ જળ અને વિધ વિધ દ્રવ્યોથી અભિષેક કરવો. બીલીપત્ર અને ધતુરો શિવજીને ખાસ અર્પણ કરવા. દિવસ દરમિયાન શિવજીના મંત્રનો જાપ કરતાં રહેવું. આ વ્રત સર્વમનોકામનાની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો :શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં
આ પણ વાંચો :શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?