Vastu Tips : દિવાળી પર રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી જોઈએ, જાણો યોગ્ય વાસ્તુ નિયમો

Vastu Tips : દિવાળીના દિવસે ઘર અને આંગણામાં ક્યાં અને કેવા પ્રકારની રંગોળી બનાવવામાં આવે તો ધનની દેવી લક્ષ્મી ઘરમાં આવે પાવન પગલે, જાણવા માટે વાંચો આ લેખ.

Vastu Tips : દિવાળી પર રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી જોઈએ, જાણો યોગ્ય વાસ્તુ નિયમો
Rangoli
| Edited By: | Updated on: Oct 20, 2022 | 7:42 PM

દિવાળીના (Diwali) શુભ પર્વ પર ઘરને શુભ પ્રતીકો અને શુભ ચિન્હોથી શણગારવાની પરંપરા છે. તેની પાછળ અલગ-અલગ ધાર્મિક માન્યતાઓ છે. એક માન્યતા અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ (Lord Ram) 14 વર્ષનો વનવાસ અને રાવણનો વધ કર્યા બાદ અયોધ્યામાં પરત ફર્યા હતા. જેના આગમનની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને શણગારી હતી અને દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી આજદિન સુધી દિવાળીના દિવસે ઘરને રંગોળી, દીવા વગેરેથી શણગારવાની પરંપરા ચાલી આવે છે. દિવાળીના દિવસે બનાવેલી રંગોળીને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ઘરની બહાર અને અંદર બનાવવામાં આવતી રંગોળી(Rangoli) દેવી લક્ષ્મીના સ્વાગત માટે બનાવવામાં આવે છે. દીપાવલીના દિવસે ઘરના કયા ખૂણામાં શુભ અને સૌભાગ્યમાં વધારો કરતી રંગોળી કેવી રીતે બનાવવી જોઈએ અને તેનું ધાર્મિક મહત્વ શું છે, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

1. રંગોળી શબ્દ બે શબ્દો ‘રંગ’ અને ‘અવલ્લી’ના સંયોજન પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે – રંગોની પંક્તિ. ઉત્સવો પર આ પ્રાચીન કળા બનાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

2. ઘરની અંદર અને બહાર અનેક પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે, પરંતુ દિવાળીના દિવસે કમળની ડિઝાઇનવાળી રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દિવાળી પર કમળની રંગોળી બનાવવામાં આવે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

3. વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી જોઈએ. આ જગ્યાએ રંગોળી બનાવવા માટે ખાસ કરીને લાલ, પીળો, લીલો, ગુલાબી, નારંગી જેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. વાસ્તુ અનુસાર રંગોળી માટે કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.

4. રંગોળી બનાવતી વખતે, તમારી આંગળી અને અંગૂઠો મળીને જ્ઞાનમુદ્રા (પ્રાણાયામ પોઝ) બનાવે છે. એવું માનવામાં આવે છે કે આંગળીની આ મુદ્રાઓ તમારા મગજને વધુ ઉર્જાવાન અને સક્રિય બનાવે છે, સાથે જ તમારી બૌદ્ધિક શક્તિમાં પણ વધારો કરે છે.

5. રંગોળી બનાવતી વખતે લોટ, ચોખા, હળદર, કુમકુમ, ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઇચ્છો તો દિવાળીના દિવસે ચોખાને વિવિધ રંગોમાં રંગીને રંગોળી બનાવવા માટે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)