ગજાનન શ્રીગણેશ (shree ganesh) શુભકર્તા દેવ છે. અને આ શુભકર્તા દેવ જ્યારે ભક્ત પર પ્રસન્ન થઈ જાય છે, ત્યારે તો તેનું સમગ્ર જીવન જ મંગળમય બની જાય છે. એમાં પણ મંગલમૂર્તિની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર એટલે તો સંકષ્ટી ચતુર્થી. (sankashti chaturthi) દર મહિનાના વદ પક્ષમાં આવતી ચતુર્થી તિથિ એ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે વિઘ્નહર્તા વિનાયકની કૃપા પ્રાપ્તિ અર્થે ભક્તો વ્રત કરતા હોય છે. ત્યારે આજે આ જ શુભ અવસર પ્રાપ્ત થયો છે.
સંકષ્ટી વ્રત કરનારા આમ તો આસ્થા સાથે ગજાનનની પૂજા અર્ચના કરતા જ હોય છે. પણ આજે અમારે એવાં ઉપાયની વાત કરવી છે કે જે મહાગણપતિની મહાકૃપાને પ્રાપ્ત કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે બુધવારની સંકષ્ટી વિશેષ ફળદાયી મનાય છે. ત્યારે આવો જાણીએ કે આજના દિવસે શું કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થઈ શકે.
21નું અનુષ્ઠાન !
સંકષ્ટીએ સાંજના સમયે ભક્તો ગજાનનની વિશેષ પૂજા કરતા હોય છે. અને તેમને સૌથી વધુ પ્રિય એવાં મોદક કે લાડુ પણ અર્પણ કરતાં હોય છે. પણ, જો શક્ય હોય તો આજના દિવસે વક્રતુંડને 21 લાડુનો ભોગ અર્પણ કરવો અને એ પણ શુદ્ધ ઘીમાં બનેલા. પ્રભુને આ લાડુ અર્પણ કરી તેમની સન્મુખ બેસી અત્યંત સરળ એવાં “શ્રી ગણેશાય નમ:” મંત્રનો 108 વખત જાપ કરવો.
21 દૂર્વાની ઝૂડી !
વિઘ્નહર્તાને જો શુદ્ધ ઘીના લાડુ અર્પણ કરવાની ક્ષમતા ન હોય તો, તેમને આસ્થા સાથે દૂર્વા અર્પણ કરવી. પરંતુ, શક્ય હોય તો આજના દિવસે વિઘ્નહર્તાને 21 ઝૂડી દૂર્વા અર્પણ કરવી. અને ત્યારબાદ એ જ રીતે પ્રભુની સન્મુખ બેસી 108 વખત ગણેશ મંત્રનો જાપ કરવો.
ચંદ્રદર્શનની મહત્તા
સંકષ્ટી વ્રતમાં ચંદ્રદર્શનની સવિશેષ મહત્તા છે. કારણ કે આ વ્રત સર્વ પ્રથમ ચંદ્રદેવે જ કર્યું હતું. અને આ વ્રતના પ્રભાવથી તે સ્વયં શ્રીગણેશના જ શ્રાપથી મુક્ત થયા હતા. અને દોષરહિત બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ચંદ્રદેવે ગજાનનનું રૂપ જોઈ તેમની હાંસી ઉડાવી હતી. જેને લીધે ગણેશજીને તેમને શ્રાપ આપ્યો હતો કે, “તું ત્રિલોકમાં કોઈને દર્શન દેવાં યોગ્ય નહીં રહે. જો કોઈ તને જોશે તો તે મહાપાપી થશે.”
ચંદ્રદેવને તેમના અપરાધનું ભાન થયું. તેમણે આકરી તપસ્યા કરી વક્રતુંડને પ્રસન્ન કર્યા. ત્યારે વિઘ્નહર્તાએ તેમને તેમનું પૂર્વવત્ રૂપ પાછું આપ્યું. અને આશિષ આપ્યા કે, “કૃષ્ણપક્ષની ચતુર્થીએ જે ભક્તો મારું વ્રત કરશે તેણે સર્વ પ્રથમ તમારા દર્શન કરવા પડશે. ત્યારબાદ જ તેને વ્રતનું ફળ મળશે.” એ જ કારણ છે કે સંકષ્ટીમાં ચંદ્રદર્શન બાદ જ વ્રત ખોલવામાં આવે છે.
ચંદ્રોદયનો સમય
બુધવાર, રાત્રે 8:44 કલાકે
માન્યતા અનુસાર સંકષ્ટીએ લાલ વસ્ત્ર ધારણ કરીને શ્રીગણેશની પૂજા કરવાથી ભક્તને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો, આજે લાલ વસ્ત્ર સાથે 21 લાડુ અથવા તો 21 દૂર્વા સાથે શ્રીગણેશની પૂજા કરવી. કહે છે કે તેનાથી ભક્તના જીવનના તમામ સંકટોનું શમન થઈ જશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ગુરુવારનું આ સાંઈવ્રત જીવનના સઘળા કષ્ટોથી અપાવી દેશે મુક્તિ, જાણો વ્રતની સરળ વિધિ
આ પણ વાંચોઃ શું લગ્ન જીવનમાં આવી રહી છે મુશ્કેલીઓ ? તો ગુરુવારે અચૂક કરો આ લાભકારી ઉપાય, આર્થિક સ્થિતિ પણ લાગશે સુધરવા