હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન આવતા તમામ વ્રત અને તહેવારમાં એકાદશીનું આગવું જ મહત્વ છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવતી હોય છે. અધિક માસના સંજોગોમાં આ એકાદશીની સંખ્યા 26 જેટલી થઈ જાય છે. પણ, આ તમામ એકાદશીમાં સવિશેષ મહત્વ ધરાવે છે નિર્જળા એકાદશી. એટલે કે ભીમ અગિયારસ.
જેઠ માસના સુદ પક્ષની એકાદશીને ભીમ અગિયારસ કે નિર્જળા અગિયારસના નામે ઓળખવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં આ એકાદશી સવિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, આ અગિયારસે અન્ન તેમજ જળ પણ ગ્રહણ કરવામાં નથી આવતું. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાંથી એક એવાં ભીમસેને તેમના જીવનકાળ દરમિયાન માત્ર આ એક જ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એટલે જ આ અગિયારસ ભીમ અગિયારસના નામે ઓળખાય છે. કહે છે કે માત્ર આ એક જ એકાદશીનું વ્રત કરવાથી સમગ્ર વર્ષની એકાદશીનું પુણ્ય વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
તમામ એકાદશીમાં નિર્જળા એકાદશી સૌથી મુશ્કેલ મનાય છે. કારણ કે તેમાં જળ ગ્રહણ કરવું પણ વર્જીત માનવામાં આવે છે. માન્યતા અનુસાર જે વ્યક્તિ આસ્થા સાથે આ દિવસે નિર્જળા વ્રત કરે છે, તેને તમામ પાપકર્મમાંથી મુક્તિ મળી જાય છે.
ભીમ એકદાશીનું વ્રત આ વખતે 31 મેના દિવસે રાખવામાં આવશે. એકાદશી તિથિનો પ્રારંભ 30 મે, મંગળવારે, 01:07 કલાકે થશે. જ્યારે તેની પૂર્ણાહુતિ 31 મે, બુધવારે, બપોરે 01:45 કલાકે થશે. ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત 31 મેના રોજ રાખવામાં આવશે. જ્યારે વ્રતના પારણાં 1 જૂન, ગુરુવારે, સવારે 05:24 થી 08:10 ની વચ્ચે કરી શકાશે. આ વખતે નિર્જળા એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યો છે. શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ યોગ સવિશેષ ફળદાયી મનાઇ રહ્યો છે.
⦁ ભીમ એકાદશીના અવસર પર વ્રત, જપનો તો મહિમા છે જ. પરંતુ, આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે.
⦁ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી બની રહે છે. કહે છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખોટ નથી વર્તાતી. એટલે નિર્જળા એકાદશી પર મીઠાનું દાન જરૂરથી કરવું જોઈએ.
⦁ આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગોથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
⦁ નિર્જળા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ નિર્જળા એકાદશી પર આપે જરૂરિયાતમંદને અન્નનું દાન કરવું જોઈએ. કહે છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે, તેમના જીવનમાં ક્યારેય કોઈપણ પ્રકારની ખોટ નથી વર્તાતી. તેમને સદૈવ શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થતા જ રહે છે.
⦁ નિર્જળા એકાદશીના દિવસે ફળોનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)