જેટલું મહત્વ ફળપ્રાપ્તિ માટે મંત્રની (Mantra) પસંદગીનું છે. તેટલું જ મહત્વ મંત્રજાપ (Mantra Jaap) માટે માળાની પસંદગીનું પણ છે. વિવિધ દેવી-દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે અલગ-અલગ મંત્રો છે. દરેક મંત્રનો અલગ જ પ્રભાવ અને શક્તિ છે. તે જ રીતે અલગ-અલગ મંત્ર માટે અલગ-અલગ માળાનો પ્રયોગ થાય તે જરૂરી છે. આમ કરવાથી જાપ કરનારને મંત્રની શક્તિનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે અને એટલે જ સૌથી વધુ જરૂરી એ જ છે કે મંત્રજાપ પૂર્વે યોગ્ય માળાની પસંદગી કરવામાં આવે. એટલું જ નહીં, આ પસંદગી યોગ્ય વિધિથી થાય તે પણ ખૂબ જ જરૂરી છે.
જો મહાદેવની કૃપાને પ્રાપ્ત કરવા મંત્રજાપ કરવા હોય તો રુદ્રાક્ષની માળાનો જ પ્રયોગ કરવો. અન્ય કોઈ માળા જેમ કે તુલસી માળા, સ્ફટિક માળા, ગુંજા માળા વગેરેથી શિવજી સંબંધી મંત્રજાપ ક્યારેય ન કરવા. ‘રુદ્રાક્ષ’ એ તો સ્વયં રુદ્રના અશ્રુબિંદુમાંથી પ્રગટ થયા છે ! તે તો સ્વયં રુદ્ર સ્વરૂપા, સ્વયં શિવ સ્વરૂપા મનાય છે અને એટલે જ મહેશ્વરની કૃપાને પ્રાપ્ત કરવા રુદ્રાક્ષની માળા જ સર્વોત્તમ મનાય છે.
રુદ્રાક્ષ માળા માહાત્મ્ય
1. શિવજીના દરેક સ્વરૂપની આરાધના માટે ‘રુદ્રાક્ષ’ની જ માળાનો ઉપયોગ કરવો.
2. મંત્રજાપ માટે પંચમુખી રુદ્રાક્ષની માળા લાભદાયી બની રહેશે.
3. રુદ્રાક્ષની માળા જાપ કરનારના મનને શાંતિ આપે છે.
4. રુદ્રાક્ષની માળા કાર્યને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ બને છે.
5. આ માળા તો સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી પણ મનાય છે.
સામાન્ય રીતે લોકો તેમને ઈચ્છા થાય ત્યારે મંત્રજાપ માટે માળાની ખરીદી કરી લેતા હોય છે. પરંતુ, રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં કેટલી વિશેષ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, માળા ઘરમાં લાવ્યા બાદ તેનું વિધિસર પૂજન થાય તે પણ મહત્વનું છે.
શું રાખશો ધ્યાન ?
1. શુભ તિથિ અને સોમવારનો સંયોગ હોય ત્યારે રુદ્રાક્ષની માળા ખરીદવી લાભદાયક બનશે.
2. માળા ઘરમાં લાવ્યા બાદ તેને ગંગાજળથી શુદ્ધ કરવી.
3. પંચોપચાર વિધિથી માળાની પૂજા કરવી.
4. માળાને મંદાર પુષ્પ અર્પણ કરવા. મંદાર પુષ્પ ન હોય તો ઋતુ અનુસાર પુષ્પ અર્પણ કરવા.
5. ત્યારબાદ ખીરનો ભોગ લગાવવો.
6. આ પૂજન વિધિ બાદ જ્યારે પણ રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરો ત્યારે પીળા આસનનો ઉપયોગ કરવો.
7. કહે છે કે પીળા આસન પર રુદ્રાક્ષની માળાથી મંત્રજાપ કરવાથી મહાદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે અને રુદ્રાક્ષની માળા એક ‘રક્ષા કવચ’ સમાન કાર્ય કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ માળા કરતી વખતે ભૂલથી પણ આ ન કરવું, નહીંતર મળશે ભયાનક પરિણામ !
આ પણ વાંચોઃ તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !