પવિત્ર પિતૃપક્ષ(Pitru paksh) એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થવાની જ છે. ભાદરવા મહિનાની પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થાય છે અને 16 દિવસ સુધી શ્રાદ્ધપક્ષ ચાલે છે. જો કોઈની કુંડળીમાં (KUNDLI) પિતૃદોષ હોય, તો તેના જીવનમાં મુશ્કેલીઓનું ચક્ર સમાપ્ત જ નથી થતું. કેટલીકવાર બધી સમસ્યાઓ એકસાથે વ્યક્તિને ઘેરી લે છે. કહેવાય છે કે પિતૃદોષની કેટલીક અશુભ અસર વ્યક્તિના જીવન પર પડે છે. જેની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તેમનું કાર્ય સરળતાથી પાર નથી થતું. એ લોકો માટે તો આ 16 દિવસ એક સુર્વણ અવસર છે જે દરમિયાન લોકો પોતાના પિતૃઓના આત્માની શાંતિ અર્થે શ્રાદ્ધ કર્મ , પિંડદાન , તર્પણ કરે છે અને દાન કર્મ પણ કરે છે. એવું કહેવાય છે કે તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે. તમે લોકોને એવું કહેતાં પણ સાંભળ્યા હશે કે જો પિતૃઓ નારાજ છે તો વ્યક્તિએ અનેક પરેશાનીમાંથી પણ પસાર થવું પડે છે. કેટલાય લોકોને એ સવાલ થતો હોય છે કે શું શ્રાદ્ધ કરવું જ પડે ?શ્રાદ્ધ કેમ કરવું જોઈએ ?શું પિતૃઓ આપણને હેરાન કરે ખરા…અને શ્રાદ્ધના 16 દિવસ દરમિાયન કયા કાર્યો ન કરવા જોઇએ ? આવો આજે આપને આપીએ આ તમામ સવાલોનો જવાબ.
શ્રાદ્ધ કેમ કરવું જોઇએ ?
એવી માન્યતા છે કે વ્યક્તિ પર કુલ 3 પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. એવું કહેવાય છે કે શ્રાદ્ધ કર્મ કરવાથી આ ત્રણેય ઋણમાંથી મૃક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે જેમના પર પિતૃઓ નારાજ હોય તેમને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. ક્યારેક આર્થિક તંગી તો ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો વળી ક્યારેક સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી મનાય છે.
શ્રાદ્ધકાર્ય દરમ્યાન શું ન કરવું ?
⦁ શ્રાદ્ધ પક્ષમાં કોઈ શુભ કાર્ય જેમકે લગ્ન, ગૃહપ્રવેશ જેવા પ્રસંગો ન કરવા જોઈએ.
⦁ સંપૃણ પિતૃપક્ષમાં લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
⦁ શ્રાદ્ધ કર્મ દિવસ દરમિયાન જ કરવું. સુર્યાસ્ત પછી શ્રાદ્ધ કર્મ કરવું નહી.
⦁ શ્રાદ્ધ કર્મ દરમિયાન માંસાહાર નો ત્યાગ કરવો.
⦁ જે વ્યક્તિ પીંડદાન કરવાનું હોય તેમણે તેમના નખ કે વાળને પિતૃપક્ષમાં કાપવા ન જોઈએ.
⦁ કોઈ પશુ પક્ષીને પણ પરેશાન ન કરવા. કારણકે શ્રાદ્ધ પર પિતૃઓ પશુ કે પક્ષીના રૂપમાં તેના સ્વજનને મળવા આવતા હોવાની માન્યતા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)