રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં રાહુ અને કેતુ નબળા હોય, કે તેનો દોષ હોય તો વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જીવનમાં સ્થિરતા નથી રહેતી. વ્યક્તિની કુંડળીમાં જો રાહુ નબળો હોય તો લગ્નમાં અવરોધ ઉભા થાય છે. કુંડળીમાં રાહુ-કેતુની છાયા પડવાથી વ્યક્તિના કામમાં અવરોધ આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર રાહુ કાળમાં કોઇપણ કાર્ય કરવાનું અશુભ માનવામાં આવે છે. અથવા તો એમ કહી શકાય કે રાહુ કાળ દરમ્યાન કોઇપણ કાર્ય ન કરવું જોઇએ. નહીં તો આપને તેમાં સફળતા નથી મળતી.
જ્યોતિષાચાર્યોના જણાવ્યાનુસાર રાહુ અને કેતુની વચ્ચે દરેક શુભ અને અશુભ ગ્રહોના આવી જવાથી કાલસર્પ દોષ લાગે છે. તેનાથી વ્યક્તિના જીવનમાં પ્રતિકુળ અસર જોવા મળે છે. કહેવાય છે કે જો કોઇ જાતકની કુંડળીમાં રાહુ નબળી સ્થિતિ ધરાવતો હોય અથવા તો લગ્નના સ્થાનમાં બિરાજમાન હોય તો તે જાતકના લગ્ન થવામાં વિલંબ આવે છે. જો તમે પણ રાહુ દોષથી પીડિત હોવ તો તેને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો અજમાવી શકાય છે. તો ચાલો આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે જાણીએ.
⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી રાહુની ખરાબ અસરોને ઓછી કરી શકાય છે. સાથે જ સોમવાર અને શનિવારના દિવસે જળમાં કાળા તલ મિશ્રિત કરીને શિવલિંગ પર અર્ઘ્ય અર્પણ કરવાથી રાહુનો ખરાબ પ્રભાવ દૂર થતો હોવાની માન્યતા પ્રચલિત છે.
⦁ જો તમારી કુંડળીમા રાહુદોષ છે તો નિયમિત રૂપથી રાહુ મંત્ર “ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સ: રાહવે નમ: “નો જાપ કરવો જોઇએ. કહેવાય છે કે આ મંત્રના જાપથી વ્યક્તિને રાહુદોષમાંથી મુક્તિ મળે છે.
⦁ રાહુદોષથી મુક્તિ મેળવવા માટે જળમાં કુશ ઉમેરીને નિત્ય જ તેનાથી સ્નાન કરવું જોઇએ.
⦁ જ્યોતિષાચાર્યોનું માનીએ તો રાહુદોષથી પીડિત જાતકોએ શનિવારના દિવસે ગળી વસ્તુઓ આરોગવી ન જોઇએ.
⦁ ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી રાહુદોષની ખરાબ અસરો દૂર કરી શકાય છે.
⦁ નિયમિત રૂપે “ૐ નમ: શિવાય” અને “મહામૃત્યુંજય મંત્ર”ના જાપથી પણ રાહુના દોષ દૂર કરવામાં મદદ મળે છે. અલબત્, તેના માટે જરૂરી એ છે કે ઓછામાં ઓછી એક માળા આ મંત્રોની નિયમિતપણે કરવામાં આવે. તો જ વ્યક્તિને લાભની પ્રાપ્તિ થતી હોય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)