Shradh Paksh: સો વાર કાશી, એક વાર પ્રાચી ! જાણો પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે નાતો ?

|

Sep 16, 2022 | 6:05 AM

પ્રાચી તીર્થનો (prachi tirth) મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા !

Shradh Paksh: સો વાર કાશી, એક વાર પ્રાચી ! જાણો પ્રાચીના મોક્ષ પીપળાનો શ્રીકૃષ્ણ સાથે શું છે નાતો ?
prachi tirth

Follow us on

મુક્તિદાયી શ્રાદ્ધ પક્ષ (shradh paksh) ચાલી રહ્યો છે. સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય એટલાં પ્રયાસ કરતાં હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો, તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ જ તર્પણ વિધિ (tarpan vidhi) જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેકગણું વધી જાય છે. પણ, આજે અમારે પિતૃ મોક્ષાર્થે સર્વોત્તમ મનાતી એ ભૂમિની વાત કરવી છે, કે જે કાશી કરતાં પણ સવિશેષ મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ (prachi tirth) . જેના વિશે કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી !

પ્રાચી તીર્થક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે. પરંતુ, આ સરસ્વતીના નીર થોડાં અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહે છે કે સરસ્વતીના તે જ નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે. અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે.

લોકમાન્યતા અનુસાર પ્રાચીનો મોક્ષ પીપળો એટલે તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો ! કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શ્રીમદ્ ભાગવતનું તો શ્રવણ માત્ર જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. ત્યારે પ્રાચીમાં તો એ પીપળો વિદ્યમાન છે કે જેને સ્વયં શ્રીકૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એટલે જ તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. પ્રાચી એ મૂળે તો શ્રાદ્ધકર્મ માટેની ભૂમિ છે. અહીં 84 પ્રકારના શ્રાદ્ધકર્મ થાય છે. પણ, દરેક શ્રાદ્ધકર્મ પૂર્વે સર્વ પ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે.

પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે. તેને જળ અર્પણ કરે છે. અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલીત છે કે “જે જમાડશે તે રમાડશે !” અર્થાત્. અહીં શ્રાદ્ધકર્મ કરાવવાથી દંપત્તિની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે ભક્તોના સર્વ મનોરથોને સિદ્ધ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article