
જૂની કાર ખરીદતી વખતે લોકો ઘણીવાર બહારની ચમક, એન્જિનનો અવાજ અને ઇન્ટિરિયરની સ્થિતિ જોઈને જ નિર્ણય લે છે. જો કે, આની વાસ્તવિકતા કારની અંડરબોડીમાં રહેલું છે. આ એ ભાગ છે જ્યાં કાટ, એક્સિડેન્ટના નિશાન, લીકેજ અને સસ્પેન્શન અથવા બ્રેક સિસ્ટમની ખામી જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી શકે છે.
જો આ ખામીઓ સમયસર શોધી કાઢવામાં ન આવે, તો તે હજારોથી લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે છે અને તમારી સલામતી પર મોટું જોખમ ઊભું થઈ શકે છે. આથી, સેકન્ડ-હેન્ડ કાર ખરીદતા પહેલા અન્ડરબોડી ઈન્સ્પેક્શન કરાવવું આજકાલ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
અંડરબોડી એ એવો ભાગ છે, જે પાણી, કાદવ અને ભેજના સૌથી વધુ સંપર્કમાં આવે છે. વધુમાં જ્યારે કારનો ઉપયોગ વરસાદ અથવા પાણીવાળા વિસ્તારોમાં કરવામાં આવ્યો હોય, ત્યારે તેમાં જંગ ઝડપથી ફેલાય છે. જંગની અસર સસ્પેન્શન માઉન્ટ, સબ-ફ્રેમ અને ક્રોસ-માંબરને નબળું બનાવી દે છે, જેના કારણે કારની સ્ટ્રક્ચર સ્ટ્રેન્થ ઘટી જાય છે.
જો આ સમસ્યાને સમયસર પકડવામાં ન આવે, તો ધીમે-ધીમે આખી કારની સ્થિરતામાં અસર પડે છે અને ચલાવતી વખતે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઘણીવાર, કાર ડીલરો અથવા માલિકો અકસ્માતમાં થયેલા નુકસાનને ઉપરથી જ રિપેર કરે છે પરંતુ અન્ડરબોડી પર તેની સાચી નિશાની દેખાઈ જાય છે.
વળેલી ફ્રેમ, ખોટી રીતે કરવામાં આવેલી વેલ્ડિંગ, પેઇન્ટના અસમાન પેચ અને નબળા જોડાણથી ખબર પડે છે કે, કાર કોઈ મોટી અથડામણમાંથી પસાર થઈ છે. આવી કારમાં આગળ જઈને એલાઇનમેન્ટ, હેન્ડલિંગ અને સસ્પેન્શનની સમસ્યાઓ શરૂ થઈ જાય છે, જે મુસાફરીને અસુરક્ષિત બનાવી દે છે.
અંડરબોડી ઈન્સ્પેક્શન દરમિયાન, મિકેનિક એન્જિન ઓઇલ, ગિયર ઓઇલ, બ્રેક ફ્લુઇડ, કૂલેન્ટ અને એક્ઝોસ્ટ સિસ્ટમમાં લીક શોધે છે. કેટલીકવાર, એન્જિન નીચે ઓઇલ જમા થવું એ ખરાબ સીલ અથવા ગાસ્કેટની નિશાની હોય છે. બ્રેક લાઇનમાં લીકેજ તમારી સલામતી માટે સીધો ખતરો છે. એક્ઝોસ્ટ પાઇપમાં કાટ અથવા તિરાડો કારના અવાજ અને માઇલેજ બંને પર અસર કરી શકે છે.
જૂની કાર ખરીદતી વખતે ફક્ત તેના દેખાવ પર આધાર રાખીને નિર્ણય લેવો લાંબાગાળે ખર્ચાળ સાબિત થઈ શકે છે. આ અંડરબોડી ઈન્સ્પેક્શન તમને એવી કાર પસંદ કરવામાં મદદ કરે છે, જેને તાત્કાલિક રિપેરિંગની જરૂર ન પડે.