
શિયાળાની શરૂઆત સાથે, દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને સવાર અને રાત્રિના સમયે, ગાઢ ધુમ્મસ જોવા મળે છે. આનાથી રસ્તા પર વાહનોની ગતિ અને વિઝિબીલીટી બંને પર ગંભીર અસર પડે છે. કેટલીકવાર પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે થોડા મીટર આગળનું જોવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તા પર વહેલી સવારે ખાસ કરીને ધુમ્મસના કારણે કાર ચલાવવામાં મુશ્કેલીયોનો સામનો કરવો પડે છે. ત્યારે આ દરમિયાન કઈ લાઈટનો ઉપયોગ કરવો જોઈએ જાણો અહીં
માત્ર વાહનની સ્પીડ ઓછી રાખવાથી ધુમ્મસમાં સુરક્ષિત ડ્રાઇવિંગ શક્ય નથી. આવી સ્થિતિમાં યોગ્ય લાઇટનો ઉપયોગ કરવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસને કારણે રસ્તા પરની વિઝિબિલિટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ઘણા વાહનચાલકો મૂંઝવણમાં હોય છે કે કઈ લાઇટ ચાલુ રાખવી, જેથી રસ્તો પણ સ્પષ્ટ દેખાય અને અકસ્માતનું જોખમ પણ ઓછું રહે.
ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે હંમેશા હેડલાઇટને ‘લો બીમ’ પર રાખવી જોઈએ. કેટલાક ડ્રાઇવરોને લાગે છે કે હાઇ બીમનો ઉપયોગ કરવાથી દૂર સુધીનો રસ્તો દેખાશે, પરંતુ ધુમ્મસમાં આવું કરવું જોખમી બની શકે છે. હવામાં રહેલા પાણીના બારીક કણો પર હાઇ બીમનો પ્રકાશ પડતાં તે પાછો ડ્રાઇવરની આંખો તરફ પરાવર્તિત થાય છે. પરિણામે આગળનો રસ્તો જોવામાં વધુ મુશ્કેલી પડે છે. બીજી તરફ, લો બીમનો પ્રકાશ રસ્તાની સપાટી તરફ પડે છે, જેના કારણે રસ્તા પર રહેલા ખાડા, વાહનો અને અન્ય અવરોધો ઓળખવામાં સરળતા રહે છે.
જો તમારી કારમાં ફ્રન્ટ ફોગ લેમ્પ્સની સુવિધા હોય, તો ગાઢ ધુમ્મસ દરમિયાન તેનો ઉપયોગ કરી શકાય છે. આ લેમ્પ્સ સામાન્ય રીતે કારના આગળના બમ્પરના નીચેના ભાગમાં લગાવવામાં આવે છે. તેનો પ્રકાશ રસ્તાની નજીકના ભાગને આવરી લે છે, જેથી ધુમ્મસમાં વાહન ચલાવવામાં થોડી સરળતા રહે છે.
આ ઉપરાંત, કારમાં પાછળના ભાગે રિયર ફોગ લેમ્પ્સ આપેલા હોય તો ખૂબ જ ઓછી દૃશ્યતા દરમિયાન તેને ચાલુ રાખી શકાય છે. તેનાથી પાછળથી આવતા વાહનચાલકોને તમારી કાર દૂરથી ઓળખવામાં મદદ મળે છે. જોકે, ધુમ્મસ ઓછું થઈ જાય કે દૃશ્યતા સામાન્ય બને ત્યારે રિયર ફોગ લેમ્પ્સ બંધ કરી દેવા જોઈએ. તેનો વધુ પડતો તેજસ્વી પ્રકાશ પાછળ આવતા ડ્રાઇવરની આંખોમાં પડી શકે છે અને તેને અસુવિધા થઈ શકે છે.
ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે સૌથી પહેલાં તમારી સ્પીડ રસ્તા પર દેખાતી દૃશ્યતા પ્રમાણે રાખો. વાહનની ગતિ એટલી જ હોવી જોઈએ કે અચાનક કોઈ વાહન, વ્યક્તિ કે અવરોધ સામે આવે તો તમે સમયસર બ્રેક લગાવી શકો. તમારી કાર અને આગળ ચાલી રહેલા વાહન વચ્ચે સામાન્ય દિવસો કરતાં વધુ અંતર રાખવું પણ જરૂરી છે. કારણ કે ધુમ્મસમાં અચાનક બ્રેક મારવાથી પાછળથી આવતા વાહન સાથે ટક્કર થવાની શક્યતા વધી જાય છે.
ધુમ્મસમાં સામેથી આવતા વાહનની ઝડપ અને અંતરનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તેથી આવી સ્થિતિમાં ઓવરટેક કરવાનું ટાળવું જોઈએ. વારંવાર લેન બદલવાને બદલે એક જ લેનમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવો. રસ્તા પરના નિશાન અને સાઇનબોર્ડ પર પણ ધ્યાન આપો.
શિયાળામાં કારની વિન્ડશિલ્ડ અને બારીઓ પર ભેજ અથવા વરાળ જામી જવાથી બહારનું દૃશ્ય ધૂંધળું થઈ શકે છે. આવી સ્થિતિમાં કારના ડિફોગરનો ઉપયોગ કરો અને જરૂર પડે ત્યારે વાઇપર્સ ચાલુ રાખો. વાહન ચલાવતાં પહેલાં હેડલાઇટ, ટેલલાઇટ અને ફોગ લેમ્પ્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની પણ તપાસ કરી લો. આ નાની-નાની સાવચેતીઓ ધુમ્મસ દરમિયાન મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.