મિનિટોમાં ઠંડું કરી દેશે ‘કેબિન’… કારમાં લાગેલું આ નાનું અમથું બટન બચાવશે ‘ફ્યુઅલ’, જાણો આનો ‘સાચો ઉપયોગ’

ઉનાળામાં કાર ચલાવતી વખતે ACનો ઉપયોગ જરૂરી બની જાય છે. જો કે, ઘણા લોકો કારમાં રહેલા એક ખાસ બટન વિશે જાણતા નથી, જે માત્ર કેબિનને ઝડપથી ઠંડુ જ નથી કરતું પરંતુ ફ્યુઅલની બચતમાં પણ મદદરૂપ બને છે. આ બટનનો યોગ્ય ઉપયોગ કરવાથી ડ્રાઇવિંગ વધુ આરામદાયક બની શકે છે.

મિનિટોમાં ઠંડું કરી દેશે કેબિન... કારમાં લાગેલું આ નાનું અમથું બટન બચાવશે ફ્યુઅલ, જાણો આનો સાચો ઉપયોગ
| Updated on: Jun 17, 2026 | 10:45 PM

ઉનાળાની ઋતુમાં કાર ચલાવતી વખતે AC નો ઉપયોગ લગભગ દરેક ડ્રાઈવર કરે છે. એવામાં બહુ ઓછા લોકો જાણે છે કે, તેમની કારમાં રહેલું એક નાનું બટન AC ની કૂલિંગને વધુ ઝડપી બનાવવાની સાથે ફ્યુઅલનો ખર્ચ પણ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બટન ડેશબોર્ડ પર કારના નિશાન અને તેની અંદર ફરતા તીરના ચિહ્ન તરીકે જોવા મળે છે, જેને ‘એર રિસર્ક્યુલેશન’ બટન કહેવામાં આવે છે.

આ બટનનો યોગ્ય ઉપયોગ માત્ર કારના કેબિનને ઝડપથી ઠંડું કરતો નથી પરંતુ AC સિસ્ટમ પર પડતો ભાર પણ ઘટાડે છે. પરિણામે એન્જિન પર વધારાનો દબાણ ઓછો થાય છે અને લાંબાગાળે ફ્યુઅલની બચત પણ થઈ શકે છે.

એર રિસર્ક્યુલેશન મોડ કેવી રીતે કામ કરે છે?

જણાવી દઈએ કે, જ્યારે ડ્રાઈવર એર રિસર્ક્યુલેશન બટન ચાલુ કરે છે, ત્યારે કારની AC સિસ્ટમ બહારની હવાને અંદર લેવાનું બંધ કરી દે છે. તેના બદલે, તે કેબિનની અંદર રહેલી હવાને ફરીથી AC સિસ્ટમ મારફતે ઠંડી કરીને સતત સર્ક્યુલેટ કરતી રહે છે. સામાન્ય ફ્રેશ એર મોડમાં AC ને સતત બહારથી આવતી ગરમ હવાને ઠંડી કરવી પડે છે.

જો બહારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય, તો AC ને દર વખતે એ જ ગરમ હવાને ઠંડી કરવા માટે ઊર્જા ખર્ચવી પડે છે. આના કારણે કૂલિંગની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. બીજું કે, જ્યારે રિસર્ક્યુલેશન મોડમાં એકવાર કેબિનનું તાપમાન ઘટવા લાગે છે, પછી AC પહેલેથી જ ઠંડી થયેલી હવાને વધુ ઠંડી કરતું રહે છે. આથી કેબિન ખૂબ જ ઝડપથી આરામદાયક તાપમાન સુધી પહોંચી જાય છે.

કૂલિંગ ઝડપથી કેમ થાય છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, AC હકીકતમાં ઠંડી હવા બનાવતું નથી પરંતુ હવામાંથી ગરમી દૂર કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે સિસ્ટમને પહેલેથી જ ઠંડી હવા મળે છે, ત્યારે તેને ઓછું કામ કરવું પડે છે. ઉદાહરણ તરીકે, જો બહારનું તાપમાન 35 ડિગ્રી હોય અને AC ચાલ્યા બાદ કારની અંદરનું તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચી ગયું હોય, તો રિસર્ક્યુલેશન મોડમાં સિસ્ટમ 25 ડિગ્રીની હવાને વધુ ઠંડી કરશે. ત્યારબાદ એ જ હવા વધુ ઠંડી બનીને ફરી સિસ્ટમમાં પહોંચશે. આ પ્રક્રિયાના કારણે કૂલિંગ ખૂબ જ ઝડપી બને છે.

ફ્યુઅલની ખપત પર પણ પડે છે ‘અસર’

કારનો AC કમ્પ્રેસર એન્જિન સાથે જોડાયેલો હોય છે અને બેલ્ટની મદદથી કાર્ય કરે છે. એવામાં જ્યારે AC ને સતત બહારની ગરમ હવાને ઠંડી કરવી પડે છે, ત્યારે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. આની સીધી અસર એન્જિન પર પડે છે અને ફ્યુઅલની ખપત વધી શકે છે. જો કે, રિસર્ક્યુલેશન મોડમાં AC નું કામ ઓછું થઈ જાય છે.

આધુનિક કારોમાં ઉપયોગમાં લેવાતા વેરિએબલ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર તાપમાન ઘટતાં આપમેળે ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. પરિણામે એન્જિન પરનો ભાર ઘટે છે અને ફ્યુઅલ કાર્યક્ષમતા (ફ્યુઅલ એફિશિયન્સી) સુધરી શકે છે. જો કે, એક-બે મુસાફરીમાં તેનો મોટો ફરક જોવા મળતો નથી પરંતુ આખા ઉનાળા દરમિયાન રોજિંદા ઉપયોગથી ફ્યુઅલની સારી એવી બચત થઈ શકે છે.

ક્યારે કરવો જોઈએ ઉપયોગ?

નિષ્ણાતોના મતે, ગરમ તડકામાં ઊભેલી કારમાં બેસતાની સાથે જ સૌપ્રથમ રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરવો જોઈએ. ઉપરાંત, ભારે ટ્રાફિક દરમિયાન પણ આ મોડ લાભદાયી રહે છે કારણ કે તે બહારનો ધુમાડો, ધૂળ અને પ્રદૂષણ કેબિનની અંદર આવવા દેતું નથી. જો કે, આ મોડનો સતત ઘણા કલાકો સુધી ઉપયોગ કરવો યોગ્ય નથી.

જો કારમાં ઘણા લોકો બેઠા હોય, તો લાંબા સમય સુધી બંધ કેબિનમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું સ્તર વધી શકે છે. આના કારણે હવા વાસી લાગવા લાગે છે અને મુસાફરોને થાક અથવા સુસ્તી અનુભવાઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, દર 20 થી 30 મિનિટે થોડા સમય માટે ફ્રેશ એર મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે.

શોરૂમમાં ઉભેલી કાર જૂની તો નથી ને, ખરીદવા જાવ ત્યારે કેવી રીતે જાણશો કાર જૂની છે કે નવી ?

Follow Us